યુગપ્રવર્તક મહર્ષિ દયાનંદ સરસ્વતી
વૈદિક ધર્મનાં મૂળતત્વોનો પ્રચાર કરનાર અને સંપ્રદાયોમાં પેઠેલા સડાને દૂર કરવાનો પુરુષાર્થ કરનાર મહામાનવ
વૈદિક ધર્મના શુદ્ધતમ મૂળતત્વોનો જોરશોરથી પ્રચાર કરનાર અને વિભિન્ન સંપ્રદાયોમાં પેઠેલા દંભ અને સડાને પોતાની સમગ્ર શક્તિથી દૂર કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરનાર મહામાનવ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ ઇ.સ.૧૮૨૪ના ફાગણ વદ દશમના રોજ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ મોરબી રાજ્યના ટંકારા નામના ગામમાં થયો હતો.
મહર્ષિ દયાનંદનું મૂળનામ મૂળશંકર હતું. તેમના પિતાનું નામ કરશનજી ત્રિવેદી. જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ. શ્રીમંત તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાતા. તેમની માતાનું નામ અમૃતબહેન હતું.
૧૪ વર્ષની ઉંમરે શિવરાત્રિનું જાગરણ કરતા શિવમંદિરમાં દીવાનાં ટમટમતા અજવાળામાં તેમણે જોયું કે શિવલિંગ પર ઊંદરો દોડાદોડ કરી મળમૂત્રનો અભિષેક કરી રહ્યા હતા. દયાનંદથી આ જોવાયું નહીં. બાળક મૂળશંકરને વિચાર આવ્યો. જે મહાદેવ ત્રણેય ભુવનોને ભસ્મ કરી શકે છે તે શું આ ઊંદરોને હટાવી શકતા નથી.
શિવરાત્રિનો આ ઇ.સ.૧૮૨૪નો આ પ્રસંગ આર્યસમાજમાં દયાનંદ બોધોત્સવ તરીકે ઉજવાય છે. આ પ્રસંગનાં પરિણામ સ્વરૂપે માનવજાત સમક્ષ સાચા ધર્મનું ઉદ્ઘાટન થયું અને ધર્મ છે ઈશ્વરીય જ્ઞાન વેદ પર આધારિત વૈદિક ધર્મ. આર્ય (હિંદુ) લોકોનાં જીવનમાં વેદનું સ્થાન મહત્વપૂર્ણ છે.
વેદ અનાદિ, નિત્ય અને ઈશ્વરપ્રણીત છે. સનાતન સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન હોવાથી વેદોમાં સર્વજ્ઞાન-વિજ્ઞાનનો અદ્ભુત બીજરૂપ ભંડાર છે. વેદોનું તાત્પર્ય પરમેશ્વરની પ્રાપ્તિ કરાવવી અને પ્રતિવાદન કરવું છે અને સર્વવેદ વાક્યોમાં બ્રહ્મનું જ પ્રતિવાદન છે.
સ્વયં વેદ કહે છે કે ‘એક સત્’ ઈશ્વર એક છે. બહુધા વેદાંતીઓ દ્વારા તેને અનેક નામોથી વર્ણવવામાં આવે છે. સ્વયં વેદમાં એકેશ્વરવાદનો એટલું સ્પષ્ટ વર્ણન મળે છે.
માનવ આચરણ માટે વેદ અનુસાર મહર્ષિ દયાનંદે બે માર્ગ બતાવ્યા છે : (૧) પિતૃયાન અને (૨) દેવયાન. તે પૈકી (૧) પિતૃયાન એ લોકોનો માર્ગ છે જે અવિધા એટલે કર્મો પાસનાને પોતાનો ઘ્યેય બનાવીને સંસાર સુખપ્રાપ્તિની આશાએ ચાલે છે તેથી જ માણસ સંસારના ભૌતિક પદાર્થો અને સાંસારિક વિષયોનું જ્ઞાન કરાવનારી ભૌતિકીવિધા જેવી કે ભૂગોળ, ગણિત, વિજ્ઞાન, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સ્થાપત્યકળા, અસ્ત્રવિધા, સાહિત્યશિક્ષા અને રાજનીતિ દ્વારા ઐશ્વર્યમાં વૃદ્ધિ કરી ભોગમયી આકાંક્ષાથી પ્રેયદાયી (એટલે મનગમતું) કર્મ કરે છે અને પોતાના પૂર્વે કરાયેલા પાપ-પુણ્ય કર્મોના ફળ ભોગવવા આવાગમનના ચક્રમાં બંધાયેલ પુન:પુન: શરીર ધારણ કરતા રહેછે તથા દેવયાન એ લોકોનો માર્ગ છે જે યથાર્થ જ્ઞાન કે વિધાની પ્રાપ્તિને પોતાનો ઘ્યેય બનાવીને ચાલે છે, આ માર્ગ પર ચાલવાવાળા માનવો સાંસારિક ભોગોમાં લિપ્ત થયા નથી અને પ્રકૃતિના આકર્ષણમાં આસક્ત ન થતા તેના પાશ એટલે માયાજાળના બંધનની મુક્તિ માટે નિષ્કામ ભાવથી જીવન જીવે છે.
એવા માણસો આત્મિકી વિજ્ઞાનથી પોતાના મન અને આત્માને પરિસ્કૃત કરી આત્માને પરમાત્માથી યોગ એટલે જોડવાવાળી યોગમયી આકાંક્ષાથી શ્રેયદાયી (હિતકારક) કર્મ કરે છે અને જન્મજન્માંતરના બંધનથી મુક્ત થઇને પરમાનંદ પ્રાપ્ત કરે છે.
મહર્ષિ દયાનંદે દેશી રજવાડાંઓને ભોગવિલાસનો ત્યાગ કરી જનસેવાનાં કાર્યો કરવાની પ્રેરણા આપી હતી અને કેટલાક રાજવીઓ તેમના પ્રભાવ નીચે આવ્યા હતા. આ વાત જોધપુરના રાજાની માનીતી નન્હી ભગવતનને સહન ન થઇ અને તેણીએ રસોઇયા જગન્નાથને ષડ્યંત્રમાં સામેલ કરી અને તેના કહેવાથી જગન્નાથે સ્વામીજીના દૂધમાં ઝેર ભેળવી દીધું.
આ વાતની ખબર પડતાં જ સ્વામીજીએ જગન્નાથને બોલાવીને કહ્યું કે લે આ રૂપિયા અને તાબડતોબ નેપાળ ભાગી જા, નહીં તો લોકો તને મારી નાખશે. ડૉક્ટરોના અથાગ પ્રયત્નો છતાં મહર્ષિ દયાનંદ ઝેરથી બચી ન શક્યા અને ઇ.સ.૧૮૮૩ની ૩૦મી ઓકટોબરે અજમેરમાં દિવાળીના દિવસે તેમનો આત્મા નશ્વર દેહ ત્યજીને પરમ ધામમાં ચાલ્યો ગયો. વિશ્વ-માનવજાતિનો ઉદ્ધારક વિદાય થઇ ગયો.










