બેટરીના સ્થાને પાતળું પ્લાસ્ટિક ઉપકરણ વિકસાવાયું
વેફર જેટલું પાતળું ઉપકરણ મોબાઇલ અને આઇપોડની ક્ષમતા વધારશે
ઊર્જાના મોટા સ્રોતરૂપ લેખાતી બેટરી ટૂંકસમયમાં જ ભૂતકાળની બાબત બની રહેવાની સંભાવના છે. બ્રિટિશ વિજ્ઞાનીઓએ દાવા પૂર્વક જણાવ્યું છે કે તેમણે વીજપુરવઠો જમા કરીને તેને મુકત કરી શકે તેવું ઉપકરણ વિકસાવ્યું છે.
લંડન ખાતેની ઇમ્પિરિયલ કોલેજના એરોનોટિક વિભાગના સંશોધકોએ દાવાપૂર્વક જણાવ્યું છે કે તેમનું નવું ઉપકરણ બેટરી નથી, પરંતુ વીજાણુ સરકિટમાં જોવા મળતા ‘સુપર કેપેસિટર’ જેવું ઉપકરણ છે. સંશોધકોનું કહેવું છે કે આ નવી ટેક્નોલોજી તમે ફોનનો જે રીતે ઉપયોગ કરો છો , મોટરકારને જે રીતે હંકારો છો કે પછી જે રીતનાં વસ્ત્રો ધારણ કરો છો તેમાં પણ ક્રાન્તિ સર્જી શકે છે.
કમ્પ્યૂટર સ્ક્રિન ગડી કરીને લઇ જવાશે
તેમનું માનવું છે કે નવી ટેકનોલોજીથી તૈયાર થનારું ઉપકરણ વેફર જેટલું પાતળું હોવાથી મોબાઇલ અને આઇપોડની ક્ષમતામાં વૃદ્ધિ કરી શકે છે. આ ટેક્નોલોજીનો વિકાસ થતાં એ પ્રકારનો ફ્લેક્સિબલ કમ્પ્યૂટર સ્ક્રિન સંભવ બનશે કે જેને ગડી વાળીને લઇ જઇ શકાશે. નવી ટેકનોલજીની મદદથી એ પ્રકારના વીજ વસ્ત્રોનું નિર્માણ પણ થઇ શકશે કે જે વ્યક્તિના હલનચલન સાથે જ ચાર્જ થતાં હોય. પાંચ ઇંચની લંબાઇ ધરાવતું અને વેફર જેટલું પાતળું ઉપકરણ સામાન્ય વીજપ્રવાહની મદદથી પાંચ સેકન્ડમાં જ ચાર્જ થઇ જશે. આ ઉપકરણ અવિષ્યમાં મોટરકારની ડિઝાઇનમાં પલટો લાવી શકે છે.










