નવા એન્ટિવાઇરસની શોધ
આંતરરાષ્ટ્રીય સંશોધનકર્તાઓની ટીમે એક એવા અણુની શોધ કરી છે, જેને દવામાં મિલાવ્યા બાદ તે એક સાથે કેટલાય જીવલેણ વાઇરસોનો સામનો કરી શકે છે. આ અણુ એઇડ્સ, ઇન્ફલૂએન્ઝા એ, ફાઇલોવાઇરસ વગેરેને શરીરમાં પ્રવેશતાં રોકે છે. એલજે ૦૦૧ નામનો આ અણુ હુમલાખોર વાઇરસની ચારેય બાજુ એક સુરક્ષાત્મક પડ બનાવી દે છે.
આ પડ વાઇરસને માનવ શરીરની કોશિકાઓમાં પોતાનું જિનોમ પ્રત્યારોપિત કરતાં રોકે છે. જિનોમના આ પ્રત્યારોપણના કારણે જ માનવ કોશિકાને ચેપ લાગે છે અને વાઇરસ સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે.
આ અણુની શોધ કરનારા કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડો. બેનહુર લી એ જણાવ્યું કે હુમલાખોર વાઇરસ જો પડને નુકસાન પહોંચાડે તો પણ તે માનવ કોશિકા સુધી પહોંચી શકતો નથી.










