ચેનલોમાં ક્રાઈમ-મનોરંજનનું કવરેજ ઘટ્યું
લોકસભા-વિધાનસભા ચૂંટણીના કારણે ૨૦૦૯માં રાજકીય ઘટનાઓનું કવરેજ વઘ્યું
અગાઉનાં ચાર વર્ષની સરખામણીમાં વર્ષ ૨૦૦૯ ટીવી ન્યૂઝ ચેનલોમાં ક્રાઇમ અને મનોરંજન વિષયો પરનું કવરેજ ઘટ્યું છે. જ્યારે આ સમયગાળામાં રાજકીય ઘટનાઓ સંબંધિત સમાચારોનું કવરેજ બેવડાયું હોવાનો દાવો એક અભ્યાસમાં જણાવાયો છે.
દિલ્હી સ્થિત સેન્ટર ફોર મેડિકલ સ્ટડીઝ(સીએમએસ)ના જણાવ્યા અનુસાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓએ રાજકારણને ગયા વર્ષે રાષ્ટ્રીય ટીવી ન્યૂઝ ચેનલો પર સૌથી વધુ સમય મેળવનારા તરીકે ફરી- ઊભરી આવવામાં મદદ કરી છે. જ્યારે વર્ષ ૨૦૦૯ની અગાઉનાં ત્રણ વર્ષમાં ટીવી ન્યૂઝ ચેનલો પરના સમાચારોની ટોચની યાદીમાં ખેલકૂદ, મનોરંજન અને ક્રાઇમ સ્ટોરીઓ હતી.
અભ્યાસમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૦૭ પછી ક્રાઇમ કવરેજમાં ઘટાડા સિવાય વર્ષ ૨૦૦૯માં ટીવી ન્યૂઝ ચેનલોના સંદર્ભમાં કોઇ મોટો ફેરફાર થયો નહોતો. છેલ્લાં પાંચ વર્ષમાં ટીવી કવરેજમાં ખેલકૂદ, રાજકારણ અને મનોરંજનનું વર્ચસ્વ રહ્યું છે.
વર્ષ ૨૦૦૫ પછી રાજકીય કવરેજમાં ઘટાડો થયો હતો, પણ ગયા વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હોવાથી રાજકારણને લગતાં સમાચારો ખૂબ જ ચમક્યાં હતાં. અલબત્ત, વર્ષ ૨૦૦૫(૨૩.૧ ટકા)ની સરખામણીમાં વર્ષ ૨૦૦૯(૨૦.૩૬ ટકા)માં રાજકારણને લગતું કવરેજ ઓછું થયું હતું. વર્ષ ૨૦૦૮માં ટીવી ચેનલોએ રાજકીય ન્યૂઝ માટે માત્ર ૧૦.૪૯ ટકા સમય ફાળવ્યો હતો.
આ ઉપરાંત વર્ષ ૨૦૦૫ પછી ખેલકૂદને લગતાં સમાચારોનું કવરેજ વઘ્યું હતું. જે વર્ષ ૨૦૦૬, ૨૦૦૭ અને ૨૦૦૮માં પણ ટોચ પર રહ્યું હતું. છ નેશનલ ન્યૂઝ ચેનલો પરના પ્રાઇમ ટાઇમના કવરેજનો અભ્યાસ કરીને આ સંશોધન કરવામાં આવ્યું છે. અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે ન્યૂઝ ચેનલો પર વિકાસના મુદ્દાઓને હંમેશાં ઓછી અગ્રતા આપવામાં આવે છે.
જો કે ન્યૂઝ ચેનલોનો છેલ્લાં પાંચ વર્ષનો ટ્રેન્ડ બતાવે છે કે આરોગ્ય અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પરના કવરેજમાં વધારો થયો છે. જયારે ખેલકૂદ, મનોરંજન અને રાજકારણ જેવા અન્ય મુદ્દાઓની સરખામણીમાં આજેય સમાચારોને ઓછો સમય ફાળવવામાં આવી રહ્યો છે.










