સુપરબેબી : અતિ હોશિયાર બાળક
સુપર બેબી તૈયાર કરવા માટે આ દેશોમાં શિક્ષણની જૂની પુરાણી પદ્ધતિઓને સદંતર નાબૂદ કરવામાં આવી છે અને કોમ્પ્યૂટર, ટી.વી., સ્નાનાગર, સંગીતનાં વિવિધ સાધનો, જાતજાતનાં મોડલો, રંગ અને ફોટાઓ વગેરેનો સહારો લેવામાં આવે છે. ‘અતિ હોશિયાર’ શિશુને ભારત જેવા દેશમાં શીખવવામાં આવતા કક્કા કરતાં નવો જ કક્કો શીખવવામાં આવે છે.
આપણે અગાઉના લેખમાં ભારતમાં બાળકનો ઉત્તમ ઉછેર કેવી રીતે કરવો તે સમજ્યા હતા. હવે યુરોપ-અમેરિકા અને જાપાનમાં વિજ્ઞાનના સહારે બાળકોનો ઉછેર કેવી રીતે થાય છે તે સમજીએ. યુરોપ-અમેરિકા અને જાપાનમાં વિજ્ઞાનના સહારે બાળકોને સુપર બેબી-અતિ હોશિયાર બનાવવામાં આવી રહ્યાં છે!
આ ઘેલછાને કારણે યુરોપ-અમેરિકા અને જાપાનમાં તદ્દન આધુનિક કહેવાય એવી નાની શાળાઓ ઠેર ઠેર બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળી છે. યુરોપ અમેરિકાના પેરેન્ટ્સ માને છે કે જમાનો તીવ્ર હરીફાઇનો છે. તેથી બાળકને જન્મતાની સાથે જ એવી રીતે તૈયાર કરવું જોઈએ કે જે ભવિષ્યમાં શ્રેષ્ઠ બને!
આધુનિક વિજ્ઞાને સાબિત કર્યું છે કે ત્રણ વર્ષની ઉંમર પહેલાં બાળકમાં જેટલું કુતૂહલ અને ગ્રહણશીલતા (ગ્રાસ્પિંગ પાવર) હોય છે, એવું ફરી કદી આખા જીવન દરમિયાન હોતું નથી. આ જ એક એવી ઉંમર છે કે બાળક સમક્ષ રજૂ કરવામાં આવતી વિવિધ વસ્તુઓ અને રમકડાંની અસર તેના મગજ ઉપર ચિરસ્થાયી બની રહે છે.
એટલે યુરોપ અમેરિકા, જાપાન વગેરે દેશોનાં માબાપ પોતાના બાળકને જન્મ પછીનાં ત્રણ વર્ષોમાં ભાષા, ગણિત, સંગીત વગેરે શીખવવાનું શરૂ કરી દે છે.
સુપર બેબી તૈયાર કરવા માટે આ દેશોમાં શિક્ષણની જૂની પુરાણી પદ્ધતિઓને સદંતર નાબૂદ કરવામાં આવી છે અને કોમ્પ્યૂટર, ટી.વી., સ્નાનાગર, સંગીતનાં વિવિધ સાધનો, જાતજાતનાં મોડલો, રંગ અને ફોટાઓ વગેરેનો સહારો લેવામાં આવે છે.
‘અતિ હોશિયાર’ શિશુને ભારત જેવા દેશમાં શીખવવામાં આવતા કક્કા કરતાં નવો જ કક્કો શીખવવામાં આવે છે. ભારતમાં ‘કે.જી.’માં અભ્યાસ કરતું બાળક શીખે છે કે : એ-એપલ-સફરજન, બી-બનાના-કેળું, સી-કેટ-બિલાડી વગેરે વગેરે, પરંતુ હવે સુપર બેબી માટે આ એ.બી.સી.ડી. જૂની કહેવાય છે.
સુપર બેબીને શિખવાડવામાં આવે છે કે :- એ એન્ગઝાઇટી-ઉત્સુકતા, બી-બેટરમેન્ટ- ઉન્નતિ, સી-કોમ્પિટિશન-હરીફાઈ, આમ સુપર બેબીને કંઇક નવી જ રીતે તૈયાર કરવામાં શિક્ષણ પદ્ધતિમાં ધરમૂળમાંથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ બધાના ઉપયોગને કારણે સાવ નાનાં બાળકો પોતાની બુદ્ધિમત્તા અને હોશિયારીથી કોઈ પણ પુખ્ત ઉંમરની વ્યક્તિઓ મોંમાં આંગળાં નાખી દે એવા ચમત્કાર કરી બતાવે છે.
માત્ર ચાર જ મહિનાનું બાળક હજુ તો પોતાની માતૃભાષા શીખે એ પહેલાં જ તેને બીજી એક ભાષા શિખવાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ન્યૂ યોર્કમાં રહેતા એક એન્જિનિયરે પોતાનું ચાર માસનું બાળક ફ્રેન્ચ ભાષા શીખે એ માટે એક શિક્ષકને રોક્યો છે. વિચિત્ર વાત તો એ છે કે આ બાળકની માતૃભાષા અંગ્રેજી છે!
અમેરિકામાં થોડાંક વર્ષો પહેલાં ‘કીંટર ગાર્ડન ઇઝ ટુ લેટ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તકની અસર નવાં માતા-પિતા ઉપર ખૂબ જ થઈ છે. તેઓ પોતાનું બાળક ત્રણ વર્ષની ઉંમર પહેલાં કંઈ ને કંઈ શીખે એવી અપેક્ષા રાખે છે.
હાર્વડમાં બાળકોના ડોક્ટર ટી.બેરી કહે છે કે આજકાલ માતા-પિતાઓ બાળકને કોઈ પણ રીતે વધુ ને વધુ ‘સ્માર્ટ’ બનાવવા ઇચ્છે છે. જન્મ પછી બાળક હજુ તો માંડ સ્થિર થતાં શીખ્યું હોય ત્યારથી જ તેની સામે વિશ્વવિખ્યાત ચિત્રકારોનાં ચિત્રો ખડાં કરી દેવામાં આવે છે! આ ચિત્રો અને એમાં પુરાયેલા રંગોના વૈવિઘ્યથી બાળકના ચિત્ત પર સારી અસર થાય છે, એમ તેઓ માને છે.
‘સુપર બેબી’ બનાવવાની ખરેખરી ઘેલછા ૧૯૭૫ના વર્ષ પછી શરૂ થઈ. ૧૯૭૫ના વર્ષમાં બટર્ન વ્હાઇટ નામના બાળ નિષ્ણાતે ‘ધ ફર્સ્ટ થ્રી યર્સ ઓફ લાઇફ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તક નવાં માતા-પિતાઓની ‘ગીતા’ કહેવાય છે. યુરોપ-અમેરિકાના સુપર બેબી ઇન્સ્ટિટ્યૂટની ફી એટલી વધારે હોય છે કે ભાગ્યે જ ગરીબ મા-બાપને પોસાય.
એટલે હાલમાં તો સુપર બેબીનો કોન્સેપ્ટ પૈસાદારો માટે સીમિત રહી જવા પામ્યો છે. સુપર બેબીની ફી એક બાળકની ૨૦૦૦થી ૫૦૦૦ ડોલર સુધીની વસૂલ કરવામાં આવે છે. તેમ છતાં ૨,૦૦૦ ડોલર ફી તરીકે ચૂકવતાં માતા-પિતાનું માનવું છે કે આ એક એવા પ્રકારનું રોકાણ છે, જે ભવિષ્યમાં અનેક ઘણું વધીને બાળકને લાભદાયક નીવડશે.











