Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Feb 12th, 2010, 3:29 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઅરે, આ રીતે!

Rajnikumar Pandya, Utsav

છોટુ પાછો આવ્યો ત્યારે ગાડીમાં શાંતિ હતી. સૌ સૂઇ ગયાં કે? કશો સંચાર જ થતો નહોતો. છોટુએ પાછળનો દરવાજો પકડીને ખેંચ્યો. અંદરથી બંધ હતો. હથેળી પછાડીને મોટો અવાજ કર્યો ત્યારે નૂરાએ ખોલ્યો, ‘ચલેંગે?’ છોટુએ પૂછ્યું...

‘ના...ના...પણ... ઇવડો ઇ એના મનમાં સમજે છે શું?’ એમ વારંવાર તરડાયેલા અવાજે બોલ્યા કરતા છોટુને બીજા ચાર પેસેન્જરોએ બાવડેથી થોભી રાખ્યો.

સામે બેઠેલી બાઇએ પોતાના ધોળા-રૂ વાળ ઉપર કરી સાડલો ખેંચ્યો અને પછી બારી બહાર જોઇને પાન થૂંકી. કાંડે પટ્ટીથી વીંટાળી રાખેલી પર્સમાંથી ભડકામણા રંગવાળો રૂમાલ કાઢી હોઠ લૂછ્યા અને વળી છોટુ સામે નીરખીને જોવા મંડી.

એ જોઇને વળી છોટુને તાન ચડ્યું. ફરી એ આંખમાં અંગારા લાવીને ઉપરની બર્થ તરફ જોઇને કશુંક બબડવા ગયો ત્યાં ઉપરવાળાએ બર્થ પર ઓશીકું ગોઠવતાં ગોઠવતાં જ મૂછે હાથ દીધો, ને બોલ્યો : ‘અબ્બે...જા સ્સાલે.’

ગાડી ઊપડી એ સારું થયું. એના ખખડાટ-ભભડાટમાં આવાં નાનાં-મોટાં તોફાન શમી જાય. નીંદરનું ઘેન ધીરે ધીરે આખી ગાડીમાં ફરી વળે. કાફલો એમ જ આગળ ચાલે, સૂતો સૂતો.પણ છોટુને બાવડે ચામડી જરી થથરી, ચાર જણા એને બાવડે અડ્યા હતા એટલે! કે પછી ઉંમરને કારણે?

આમ તો ત્રણ-ચાર વર્ષથી આવું થતું હતું. ઘણા કહેતા હતા કે છોટિયા, તેં જિંદગી આખી ડ્રાઇવરું કર્યું છે? એટલે થાય આવું. એ રોગ નથી. શરીરે ધંધાનો રહી ગયેલો ડાઘ છે.

ઉંમરના કારણે જ આ હમણાં થયો એ ઝઘડો ઝઘડો જ રહ્યો. ધિંગાણું ના બન્યું. નહીં તો એ મૂચ્છડની દેન છે કે નિરાંતે સૂઇ શકે? મારી નાખું કાપી નાખું.

સામે બેઠેલી બાઇ અચાનક ખડખડાટ હસી. છોટુ એકદમ ચમક્યો. શું મારા ઉપર? એણે બાઇ તરફ તલાશી લેતી નજરે જોયું તો એ તો એની સાથેની ત્રણ-ચાર વર્ષની બેબીને રમાડતાં રમાડતાં હસતી હતી.

‘ક્યા બોલી તું? ક્યા બોલી? ફિર સે બોલ તો!’

‘ખા જાઉગી, તુઝે કચ્ચા ખા જાઉગી, મમ્મી કો ખા જાઉગી, પપ્પા કો ખા જાઉગી, ચચ્ચા કો ખા જાઉગી, ચચ્ચી કો ભી...’

‘સાલી...’ કપાળે બનાવટી ગુસ્સાની કરચલીઓ પાડીને બાઇ ફરીથી બહાર થૂંકી. પછી બોલી : ‘ઇન્સાન કા ગોશ્ત ખાયેગી?’

‘ખાઉગી!’ છોકરી બોલીને કૂદાકૂદ કરવા માંડી. ફરી બાઇ જોરથી હસી : ‘અદલ અપની માં પે ગઇ હૈ.’

છોટુનું ગણિત, એટલે કે આ એની મા નથી. હોય પણ કેવી રીતે? બાઇ સાઠની લાગે છે. એટલે એની દીકરીની દીકરી હોય. કપડાંલતાં, ઠઠારો, મોઢામાં પાન, જીભ પર શબ્દો, ખોખરો અવાજ-શરીર પર જુઓ, ખૂબ જ ચૂંથાયેલું -થૂલ. થૂલ લાગે છે. એટલે કે કોઇ સારા ઘરની ના હોય.

એક શબ્દ વરસાદમાં અચાનક બરફના મોટા કરાની જેમ મનમાં પડ્યો : ‘વેશ્યા...’

ત્યાં જ અચાનક બાઇ એની સામે, છોટુ સામે-જોઇને લાલ લાલ દાંત બનાવીને હસી. હસતાં હસતાં ડાબી-જમણી માથું ડોલાવ્યું. આવી વાત કરતાં કરતાં હસતાં હસતાં માથું ડોલાવનારી અગાઉ એક સ્ત્રીને જોઇ હતી.

હજારો માણસોમાં કદાચ કોઇ એકાદને જ આવી આદત હોય છે, એટલે કોઇ એવું જોવા મળે. હમારી એની જુદી જ ઓળખ મનમાં છપાઇ જાય છે. પછી જયારે બીજું કોઇ એવું જોઇએ ત્યારે ફરી પહેલું યાદ આવી જાય.

છોટુથી ફરી બાઇ તરફ તલાશી લેતી નજરે જોવાઇ જ ગયું. આવી એક સ્ત્રીને અગાઉ ક્યાં, ક્યારે જોઇ હતી? એની મોંકળા યાદ કરો. એકાએક મનમાં ઝગમગાટ થઇ ગયો. અરે, આ તો એ જ!

અલ્લાબાદની રૂપબજારમાંથી રાતે નવ વાગે આને ઉપાડી હતી. છોટુને શું? ડ્રાઇવરને હુકમનું પાલન કરવાનું હોય. બે સેલ્સમેન અને એક ડિલિવરીમેન-નૂરો-આટલા લોકો રોનકી હતા. પેલા બે સેલ્સમેન આજે પાંત્રીસ-ચાલીસ વર્ષ થયાં. એમાંના એકનું નામ પણ ભુલાઇ ગયું છે.

એક તો વર્મા કરીને હતો. બીજાનું નામ કદાચ ખોસલા હતું. આખો દિવસ મોટરવાનમાં ફરી ફરીને બીડીના વેપારીઓને મળતા. એમની સાથે માથાપચ્ચી કરતા. ક્યાંક માન પામતા... ક્યાંક અપમાન, ક્યાંકથી શેઠની ઉઘરાણી પતતી. ક્યાંક ડૂબતી અને ક્યાંક જૂનો માલ કોઇને પરોવી દેતા- ક્યાંકથી અગાઉ આપેલો માલ પાછો આવતો.

સ્ટેશનથી શરૂ કરી ગંગાતટ સુધી મોટરવાનમાં અથડાતા-પિટાતા સાંજ પાડતા. પછી એકાદ દારૂની બાટલી લઇને મોટરવાનમાં જ રાત કાઢી નાખતા.

છોટુ મનોમન મરક્યો અને હોઠ પર પણ. કેવા એ દિવસો હતા!

દારૂમાં રસ નહોતો. બાઇઓમાં પણ. ગાણામાં ન ખાણામાં. બસ, સ્ટિયરિંગ પર બેઠો એટલે પાછળ કાન, આગળ આંખ. ઇધર લે લો. ઇધર સે ઘુમાએ... ઇધર જગા લગતી હૈ, પાર્ક કરો. બસ આ ગયા. અબ તુમ છોટુ ભજન કરો ઔર હમ...

સ્ટિયરિંગ પર માથું ઢાળીને સૂઇ જવાનું. બારણાં બંધ, કાચ પણ બંધ છતાં તિરાડમાંથી મુજરાનું ગાન વહી આવતું હતું. ને હાર્મોનિયમના તીખા સૂર અને કાનના પડદા ફાડી નાખે એવી તબલાની થાપ. ઊંઘતા પહેલાં છોટુ રામનામની બે માળા કરતો. અરેરે, રામની ભૂમિ પર આ સાલાઓ આ માટે આવે છે. દિવસે ધંધો અને રાત્રે આ ધંધા?

એક દિવસ બંધ બારણા ઉપર વર્માએ મુઠ્ઠીઓ પછાડીને બારણું ખોલાવ્યું. દારૂની તીવ્ર વાસની લહેર ધસી આવી અંદર. છોટુને એ વાતની તો નવાઇ જ નહીં. પણ આંખ ચોળીને જોયું તો એ ત્રણે જણાની વચ્ચે બાઇ ઊભેલી. નૂરા એના કાનમાં કંઇક બોલ્યો એટલે બાઇ આછા અંધારામાં પણ સફેદ દાંત દેખાડીને હસી. એનું માથું ડાબે-જમણે ડોલ્યું.

‘હાય કૂરબાન...’ વર્મા એની નજીક સરકીને બોલ્યો, ‘ક્યા ગરદન મટકાતી હૈ!’

એટલી વારમાં છોટુએ નીચે ઊતરીને મોટરવાનનું પાછલું બારણું ખોલી આપેલું પછી પાછો યંત્રની જેમ સ્ટિયરિંગ પર.

‘ચલો...’

‘ગાડી સ્ટાર્ટ કરીને છોટુએ પૂછ્યું, ‘કિધર?’

કોઇ હોટલ-લોજમાં જવાનું હશે. આજે આ લોકોને આ શું સૂઝ્યું હશે... એ જાણે ને એમનાં કરમ.

અંદર ત્રણ પુરુષસ્વરો વચ્ચે એક ઉત્તેજક સ્ત્રીસ્વર. વારંવાર મોકા વિના પણ હસવું. અંતે એ બાઇએ જ પૂછ્યું તે છોટુએ સાંભળ્યું.

‘તુમ તો તીન આદમી કા બોલા થા... યે તો ચાર...’

‘અરે,’ ખોસલા છોટુની પીઠ તરફ ઇશારો કરીને બોલ્યો હશે, ‘અરેરે! યે તો ભગત હૈ ભગત... આંખ ઊઠા કે ભી નહીં દેખેગા...’

છોટુને કોણ જાણે શા કારણે ગરમી ચડી. સ્વરમાં થોડી બરડતા આવી. એણે એક વળાંક પાસે ગાડીને બ્રેક મારીને પાછળ જોયા વગર જ પૂછ્યું, ‘કિધર?’

થોડી ગુસપુસ ચાલી. મોટરવાન અવાજથી જરી જરી ધ્રૂજતી હતી. એન્જિન જૂનું થઇ ગયું હતું. વધારે અવાજ કરતું હતું.

ફરી છોટુએ બરડ અવાજે પૂછ્યું , ‘કિધર?’

એકાએક મોટો અવાજ પેદા કરીને બોલતી હોય એમ નૂરો બોલ્યો, ‘કિધર ભી નહીં છોટુ... તુમ ગાડી હાઇવે પે લે લો.’

‘હાઇવે પે?’

‘હા’ ખોસલા બોલ્યો, ‘લોજ મેં કોન જાયે સાલા! ચેકિંગ હોતા હૈ ના!’

‘રામ...’ છોટુ મનમાં જ બોલ્યો. એન્જિનમાં વધુ ઘુરકાટ થયો. ગાડી આગળ ચાલી. ‘કેવી નોકરી છે કમબખ્ત...’ મનમાં ને મનમાં ગૂંચળાં વળ્યાં. ગાડી રસ્તા પર આવી અને પૂરપાટ દોડવા માંડી. એક્સલરેટર પર વધારે ભીંસ આપવાનું કારણ શું?

વર્મા વધારે જાણકાર હતો... વચ્ચે વચ્ચે જે વાતો થતી હતી, જે હા હા હી હી -જે ઠિઠયારા, એમાં બે જ સ્વરો વધારે બહેકેલા હતા. વર્મા અને પેલી બાઇ. ત્રણે જણા એની આજુબાજુ મીઠું મીઠું બોલતા એને હસાવવાની-મલાવવાની કોશિશ કરતા હતા. એમાં વર્મા વિશેષ... જાણે કે એ એની જનમ જનમની માશૂકા.

- ‘રોકો યહાં.’ વર્માએ કહેલું, ‘યહ જગા અચ્છી હૈ. મૈં જાનતા હું... ભગવાન ભી યહાં નહીં આયેગા.’

‘રામ!’ ફરી છોટુ મનમાં જ બોલ્યો. ને ગાડીને જોરથી બ્રેક મારી. ખોસલા આવું થાય ત્યારે બહુ ચિડાતો, પણ આ તો જાણે હાસ્યનો વિસ્ફોટ થયો તેમ સૌ હસ્યા...

‘ઐસા લગા... ઐસા લગા...’ વર્મા ફરી બહેકેલા સ્વરે બોલ્યો, ‘ઐસા લગા, જૈસે ગોદ મેં ફૂલોં કી ટોકરી ગીરી.’

‘હાય, રામ..!’ સ્ત્રીસ્વર. ફરી ખડખડાટ હાસ્ય. ‘થેંકયુ છોટુભાઇ!’ ફરી વર્મા બોલ્યા , ‘થેંકયુ ફોર ધીસ ટાઇપ ઑફ બ્યુટિફુલ બ્રેક.’ ફરી અટ્ટહાસ્ય. એમાં વચ્ચે દોરાની જેમ પરોવાયેલો સ્ત્રીસ્વર.

‘રામ...’ છોટુ બોલ્યો. ને સ્ટિયરિંગ પર માથું ઢાળી દીધું. મગજમાં બહુ તપારો વ્યાપી ગયો. આ એક એકને-આ એક એકને-પકડી પકડીને...પક્કડી...પક્કડીને મારવા જોઇએ એની પેલી બાઇએ કહેવું જોઇએ. ‘બહેન...તું...’

ત્યાં જ કોઇ કોઇ કલ્પિત વ્યક્તિને ઉદ્દેશીને બહેનસમાણી ગાળ બોલ્યું. કદાચ નૂરો હતો અને કોઇ ગાડીને પ્રકાશનો શેરડો ફેંકતી આવતી જોઇને બોલ્યો. ગાડી પસાર થઇ ગઇ. છોટું નીચે ઊતર્યો. ગુસ્સો તો દાંત ભીંસવા જેવો આવ્યો હતો. માંડ માંડ અવાજને નીચો કરીને એણે પૂછ્યું: ‘મૈં જરા ટહેલું ઇધર-ઉધર.’

‘હા...હા...’ ખોસલા બોલ્યો : ‘તુમ્હારે લિયે યહી અચ્છા હૈ, ઔર હમારે લિયે ભી.’ - વર્મા બોલ્યો.ફરી ખડખડાટ હાસ્ય અભરાઇ પરથી પડતાં કાચનાં વાસણો જેવું...

બે-અઢી કલાક પછી છોટુ પાછો આવ્યો ત્યારે ગાડીમાં શાંતિ હતી. સૌ સૂઇ ગયાં કે? કશો સંચાર જ થતો નહોતો. છોટુએ પાછળનો દરવાજો પકડીને ખેંચ્યો. અંદરથી બંધ હતો. હથેળી પછાડીને મોટો અવાજ કર્યો ત્યારે નૂરાએ ખોલ્યો, ‘ચલેંગે?’ છોટુએ પૂછ્યું.

‘હા, હા.’ અંદરથી વર્મા જ સફાળો ઊઠીને બોલ્યો : ‘અબ તો ચલના હી ચાહિયે... અબ ક્યા હૈ?’

‘ચલો...’ ખોસલાનો અવાજ પણ પાછળ જ આવ્યો. એણે પેલી બાઇને પણ ઉઠાડી... ‘અબે ઉઠ, બે!’

‘અભી?’

પેલી બોલી, ‘અભી તો ઢાઇ બી નહીં બજે.’

‘તો ક્યા યહાં સુબ્હા કરને કા ઇરાદા હૈ?’

‘લેકિન.’ પેલી આળસભર્યા અવાજે બોલી , ‘આપને મૂઝે રાતભર કે લિયે બોલા થા.’

‘તો ક્યા હુઆ?’ વર્માના અવાજમાં બહુ કડકાઇ પેદા થઇ ગઇ, ‘રાતભર કે પૈસે તો તેરી મેડમ કો દે દિયે.’

‘રાતભર કે લિયે’ નૂરો બોલ્યો, ‘તુમ બંધી હુઇ હો. હમ થોડે રાતભર કે લિયે બંધે હુએ થે?’

‘તો અબ?’

‘અબ ક્યા?’ નૂરો બોલ્યો, ‘તું અપને ઘર... હમ અપને ઘર.’

‘ઓર ગિરાગ ભી તો તેરા ઇંતેઝાર કરતે હોંગે!’

‘ઠીક હૈ’, બાઇ થાકીને બોલી, ‘છોડ દો... મુઝે અપને ઠિકાને પે.’

‘અરે ક્યા બોલી?’ વર્મા એકદમ બદલીને બોલ્યો. ‘તેરે ઠિકાને પે છોડ દે? ઇસે ક્યા ભાડે કી ગાડી સમજ રખ્ખી હૈ?’

છોટુના મગજમાં ધ્રુજારી વ્યાપતી જતી હતી. ‘તુમ તો બોલતે થે કી...’ બાઇ બોલી. ખોસલાએ વાક્ય જ પૂરું થવા દીધું નહીં, ‘ક્યા બોલતે થે?’

એ શું કહેવા માગતી હતી એ વર્મા સમજી ગયો હોય એમ બોલ્યો, ‘ઐસા તો પહેલે પહેલે સબ બોલતે હૈ ક્યા? તુઝે નહીં માલૂમ ક્યા?’

છોટુએ પાછળ ફરીને જોયું. એના મનમાં ખીજનો ધુમાડો વધતો જતો હતો, એટલે એણે આંખ ફેરવી લીધી. ‘ચલો છોટુ.’ ખોસલા બોલ્યો, ‘ગાડી સ્ટાર્ટ કરો...’

છોટુ બોલ્યો, ‘કિધર?’ ‘અરે કહીં ભી.’ વર્મા બોલ્યો, ‘તુમ શહેર મેં લે લો ના ભાઇ, ઇસે યહીં કહીં ચોરાહે પે ઉતાર દેના.’ ‘ક્યા?’ બાઇનો સ્વર એકદમ ફાટી ગયો , ‘ચોરાહે પે?’ તરત જ એનો અવાજ સાવ રડવા જેવો થઇ ગયો. ‘ચોરાહે પે ઉતર કે મૈં કહાં જાઉ?’

‘જહન્નમ મેં!’ નૂરાનો અવાજ આવ્યો, ‘ક્યા ખાલીપીલી સાહબ લોગોં કા દિમાગ ચાટતી હૈ. ઇક બાર બોલા નહીં કી...’

ગાડી ધીરે ધીરે ચલાવતો હતો છોટુ. ત્યાં ફરી ખોસલાનો અવાજ કાને ચડ્યો, ‘અરે યે ક્યા ધીરે ધીરે બારાત કી તરહ ચલા રહા હૈ છોટુ. જલદી કરના!’

‘હાં ભાઇ,’ નૂરો બોલ્યો, ‘દુલ્હન કો ચોરાહે પે ઉતારને કા હૈ.’

એણે મશ્કરી કરી. પણ કોઇ હસ્યું નહીં. પીળી બત્તીવાળો એક થાંભલો આવ્યો કે તરત ખોસલાએ સત્તાવાહી અવાજે કહ્યું, ‘રોકો.’

છોટુનું મગજ ફાટું ફાટું થતું હતું. શબ્દ એના કાને મોડો પડ્યો. એણે યંત્રવત્ બ્રેક મારી જોરથી. ફરી વર્મા બોલ્યો, ‘અરે ક્યા સાલી આટે કી બોરી કી તરહ ગિરતી હૈ! ઊહ...’

‘ચલો ઊતરો...’ વર્મા.

‘લેકિન મેં આધી રાત કો કહાં...’

‘અરે બોલા ના. ઊતરો.’

‘લેકિન મેં કહાં જાઉ?’ સ્ત્રી બોલી, ‘મૈં બીમાર હો ગઇ હૂં, ઇતના તો સમજો.’

‘ઇસે ક્યા એમ્બ્યુલન્સ સમજ રખ્ખા હૈ!’ ખોસલા વધુ પડતો કડક થઇને બોલ્યો, ‘ચલો ઊતરો... સૂના નહીં? ઊતરો...’

છોટુએ પાછળ જોયું નૂરાએ બાઇનું બાવડું પકડીને એને જગ્યા પરથી ઊભી કરી દીધી હતી. છોટુની આંખમાં લોહી ધસી આવ્યું. આખું દ્રશ્ય જાણે કે એને રાતું રાતું દેખાતું હતું. ઘડીભર તો થયું કે મારી નાખું? કાપી નાખું?

બાઇ ફરી કરગરવા જેવા અવાજે બોલી, ‘ઇતના તો કરો કી મુજે કોઇ રિક્ષા તક...’

‘હમકો પુલીસ સે પકડવાને કા ઇરાદા હૈ ક્યા?’

‘લેકિન...’ એ ભાંગી જ પડી. રડતી રડતી બોલી, ‘લેકિન મેં કહા જાઉ?’

વર્માએ એક ગંદી ગાળ આપી અને પછી નૂરો એને બારણાં સુધી લઇ ગયો. ખોસલાએ બારણું ખોલ્યું અને વર્માએ છેલ્લે ડોળા કકડાવ્યા. બાઇ બારણા વચ્ચે ઊભી રહીને કરગરી રહી.અંતે નૂરાએ હળવો ધક્કો મારીને એને પગથિયાં સુધી અને પછી નીચે ઉતારી મૂકી, પતરાનું ખખડી ગયેલું બારણું બહુ જોરથી બંધ કર્યું. ને છોટુ તરફ જોઇને કહ્યું, ‘ચલો યાર.’

ગાડી ઊપડતી નહોતી કે છોટુને ઉપાડવી નહોતી? મગજમાં ધમ્મ ધમ્મ થતું હતું. ધમનીઓમાં બહુ ઝડપથી લોહી વહેવા માંડ્યું. કપાળ જાણે કે હમણાં જ ફાટી પડશે. છતાં ગાડી ગિયરમાં નાખવા જતો હતો ત્યાં જ બાઇ એની પાસેના બારણે આવી. છોટુથી એ તરફ જોવાઇ જ ગયું.

બાઇ એને રડતાં રડતાં કહેતી હતી , ‘ભૈયા, તુમ તો અચ્છે આદમી લગતે હોં... તુમ્હીં ઇન લોગોં કે સમજાઓ ના! ઇતની રાત ગયે મૈં કહાં જાઉ? મર જાઉગી, બચાઓ ના મુઝે!’

છોટુના ગળામાં એક ત્રાડ પ્રગટવાની હતી. ગળાની નસો ફૂલી ગઇ હતી. શબ્દ ફાટવાની તૈયારીમાં હતો ત્યાં જ પાછળથી વર્માનો અવાજ આવ્યો, ‘અરે ક્યા ભગત, તુ ભી ક્યા ઇસકી સૂનતા હૈ! તેરા મન ભી ઇસકે ઉપર આ ગયા ક્યા?’ ‘નોકરી કરની હૈ કી નહીં?’ ખોસલા બોલ્યો.

એ ક્ષણે જ કોણ જાણે શું થયું! એણે બાઇ તરફથી નજર ફેરવી લીધી. ગાડી ગિયરમાં નાખી અને એક્સલરેટર પર પગ દીધો. નિસાસો નાખીને મનમાં જ બોલ્યો, ‘રામ!’ એ બાઇને ગોળ અરીસામાં મીંડું થઇને અદ્રશ્ય થઇ ગઇ ત્યાં સુધી જોઇ રહ્યો.

- - -

પાંત્રીસ-ચાલીસ વર્ષ થઇ ગયાં એ વાતને. આ બાઇ તો એ જ છે એમાં શંકા નહીં, પણ એની સાથે હવે ઓળખાણ કરવાથી પણ શું? શી વાત કરવી? તે રાતે પછી એના ઉપર શી વીતી હતી એ પૂછ્યું? શો અર્થ એ બધાનો?

બાઇ પણ એના સામે જોઇને વારંવાર ડોલતી ગરદન ઝટકાવીને મંદ મંદ હસી લેતી હતી. ઓળખી ગઇ હતી? ઓળખાણ પડી ગઇ હશે કે નહીં? કેમ ખબર પડે? અચાનક નાનકડી બેબી છોટુની બારી પાસે આવીને બહાર ડોકાં તાણવા માંડી. બાળક છે. છોટુએ ખસીને માર્ગ આપ્યો.

‘ઇધર આ...’ બાઇ બેબી તરફ જોઇને બોલી, ‘ઇધર આતી હૈ કી નહીં?’

‘નહીં આતી જા...’ બેબી બોલી.

‘અરે!’ બાઇએ ઊભી થઇને છોકરીને ખેંચી લીધી અને લપ્પડ મારી. એણે ભેંકડો તાણ્યો.

‘રહેને દો બહેનજી.’ છોટુએ અંતે કહી જ દીધું : ‘બચ્ચી હૈ, વો તો ખેલેગી હી.’

‘અરે, ખિડકી મેં સે ગીર જાતી તો!’

‘નહીં ગીરેગી.’ છોટુ બોલ્યો, ‘ઇસે બૈઠને દો. મૈં સમ્હાલ લૂંગા.’ ‘ઊંહ!’ એ બોલી, ‘તુમ ક્યા સંભાલોગે?’ બોલીને જરા ગરદનને ઝટકાવીને એ આડું જોઇ ગઇ- સામે જોયું પણ ના ગમતું હોય એમ. છોટુ સજ્જડ થઇ ગયો. ત્યારે બાઇ નક્કી ઓળખી જ ગઇ હતી એમ ને! નક્કી જ ને? પણ અરે, આ રીતે!

short story

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: