પુરાણકાળથી પ્રસિદ્ધ મંદિર શ્રી અરણ્યેશ્વર મહાદેવ
આ ક્ષેત્રમાં દાખલ થતાં વેંત જ તેના તપોબળની અસર વર્તાય છે. તન-મનને અલૌકિક શાંતિનો અચૂક અનુભવ થાય છે.
લોકમાતા નર્મદાને કિનારે પુરાણકાળ પ્રસિદ્ધ તીર્થ ‘અરણ્યેશ્વર મહાદેવ’નાં દર્શને જવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રી અરણ્યેશ્વર મહાદેવની દેવભૂમિનો સવિસ્તાર ઉલ્લેખ નર્મદાપુરાણ અને વાયુપુરાણમાં મળે છે. આ તપોભૂમિ ઉપર પુરાણકાળમાં ઋષિપુત્ર નચિકેતાએ ઉગ્ર તપશ્ચર્યા કરી.
યમરાજાને પ્રસન્ન કર્યા હતા અને તેઓએ યમરાજા પાસેથી મૃત્યુના રહસ્ય વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. નચિકેતાના પુત્રે પણ અહીં ઉગ્ર તપશ્ચર્યા કરી મહાદેવજીને પ્રસન્ન કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આથી પુરાણકાળમાં આ ક્ષેત્ર ‘સિદ્ધેશ્વર’ તરીકે પ્રસિદ્ધ હતું. પુરાણકાળમાં અહીં ગાઢ જંગલ હોવાને કારણે આ પવિત્ર તીર્થભૂમિ ‘અરણ્યેશ્વર’ તરીકે પ્રચલિત થઇ છે.
હાલમાં આ તીર્થક્ષેત્રમાં અરણ્યેશ્વર મહાદેવજીનું મંદિર તથા મંદિરના સાંનિઘ્યમાં ‘ઋષિ મણિયતિ’ તરીકે ઓળખાતા સંત-શ્રીની ઘ્યાન કુટીર આવેલી છે. હાલ આ તીર્થની ત્રણ બાજુ ખેતરો આવેલાં છે અને એક બાજુ નર્મદા નદી વહે છે.
આસપાસ કોઇ માનવ વસ્તી આવેલી નથી. સંત ઋષિ મણિયતિએ સને ૧૯૩૫થી સને ૧૯૬૯ ચોત્રીસ વર્ષ અરણ્યવાસ સ્વીકારી એકાંતવાસમાં રહી તપશ્ચર્યા કરી હતી. તેઓ સાંસારિક જીવનમાં વકીલ હતા. વળી, શ્રી રંગ અવધૂત મહારાજના સુપ્રસિદ્ધ ‘લીલામત’માં ૫૩મા અઘ્યાયમાં આ પ્રાચીન તપોભૂમિનો સ્પષ્ટ ઉલ્લેખ આલેખવામાં આવેલો છે.
તેઓએ પણ અહીં થોડા દિવસોનું રોકાણ કર્યું હતું. તેઓના હૃદયકમળમાંથી ‘અરણ્યેશ્વર સ્તોત્રમ્’ ઉદ્ભવ્યું હતું. જે ‘રંગ હૃદય સ્તોત્રાવલિ’ નામના પુસ્તકમાં સમાવિષ્ટ છે.
આ સ્થળે જવા માટે રોડમાર્ગે ભરૂચ કે રાજપીપળાથી વાયા રાજપારડી થઇ ભાલોદ અને ઓર ગામ સુધી એસ.ટી.ની બસ સુવિધા છે. વળી, અમદાવાદથી ભાલોદની એસ.ટી. બસ પણ મળે છે. ઓર ગામથી શ્રી અરણ્યેશ્વર મહાદેવ પહોંચવા માટે આશરે બે-એક કિલોમીટરનો કાચો માર્ગ છે, જે નર્મદા તટે આવેલાં ખેતરોમાંથી પસાર થાય છે.
અઘ્યાત્મ ઉન્નતિ અને શિવાસ્થા ધરાવતા પ્રત્યેક મુમુશ્રુએ એક વાર અચૂક અરણ્યેશ્વરનાં દર્શન કરવા જેવા છે. આ ક્ષેત્રમાં રહેવા-જમવાની કે ચા-નાસ્તાની સુવિધા નથી. આ ક્ષેત્રમાં દાખલ થતાં વેંત જ તેના તપોબળની અસર વર્તાય છે. તન-મનને અલૌકિક શાંતિનો અચૂક અનુભવ થાય છે.












