ઐશ્વર્યા ટીવીના પડદે?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બચ્ચન પરિવારની બહુ તેમજ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન બહુ નજીકના ભવિષ્યમાં ટીવીના પડદે જોવા મળશે. એક રાષ્ટ્રીય ચેનલના ચેટ શોમાં ઐશ્વર્યા હોસ્ટની ભૂમિકા નિભાવે તેવી શક્યતા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ ચેનલે અમિતાભ બચ્ચનને બીગ બોસ માટે સાઈન કર્યા હતાં. તેની સાથે ચેનલે એવું પણ નક્કી કર્યું હતું કે તેઓ અભિષેક અને ઐશ્વર્યાને પણ સાઈન કરવા માગે છે.
ઐશ્વર્યાએ આ બાબતે કોઈ કોમેન્ટ કરી ન હતી. જ્યારે તેના પ્રવક્તાએ આ સમાચાર ખોટા હોવાનું જણાવ્યું હતું. જ્યારે ચેનલના પ્રવક્તાએ આ બાબતે એટલું જ કહ્યું હતું કે, નો કોમેન્ટ!
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક ટીવી પડદે કામ કરી ચુક્યા છે. હવે જોઈએ કે ફિલ્મમાં ડંકો વગાડનાર ઐશ્વરાનું ટીવી પર કેટલું ચાલે છે.












