એફઆઇઆઇ સામે બાથ ભીડતા સ્થાનિક ફંડો
ગત વર્ષની વિક્રમી લેવાલીથી વિપરીત એફઆઇઆઇએ ૨૦૧૦માં શેરબજારમાં રૂ. ૧૦,૦૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે, જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો(ડીઆઇઆઇ)એ વિદેશી ફંડોની વેચવાલી સામે બાથ ભીડી હોય તેમ રૂ. ૧૩,૮૭૫ કરોડની ચોખ્ખી લેવાલી કરી છે.
નવા વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૨૪ ટ્રેડિંગ સેશનમાં એફઆઇઆઇએ ૧૬ સેશનમાં ચોખ્ખી વેચવાલી કરી છે જ્યારે તેની સામે પૂરતી પ્રવાહિતા ધરાવતા સ્થાનિક ફંડોએ ૨૪માંથી ૨૦ સેશનમાં ચોખ્ખી લેવાલી કરી છે. ૨૦૧૦માં બજારમા ભારે વોલેટિલિટી વચ્ચે મોટું કરેકશન જોવાયું છે તે ઉપરાંત ડોલર સામે પાછલા એક મહિનામાં રૂપિયો પણ ૫૦ પૈસા ઘટી જતાં એફઆઇઆઇની વેચવાલી વકરી છે.
ભારતીય બજારમાં હજુ નકારાત્મક વલણ દેખાશે તેવી દહેશતે વિદેશી ફંડો માલ વેચી રહ્યા છે. સ્થાનિક ફંડોની મજબૂત લેવાલીને પગલે જ બજારમાં ઘટાડો મર્યાદિત બન્યો છે. ડોલરની વૈશ્વિક મજબૂતાઇ જોતાં આગામી સમયમાં પણ એફઆઇઆઇ વેચવાલી જારી રાખે તેવી દહેશત છે.
વૈશ્વિક મંદીની અસર હેઠળ ૨૦૦૮માં વિદેશી ફંડોએ ભારતીય ઇક્વિટી બજારમાં રૂ.૫૩,૦૦૦ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. બીજી તરફ ૨૦૦૯માં બજારમાં રિકવરી આવતા એફઆઇઆઇએ રૂ.૮૩,૦૦૦ કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી. હવે પરિસ્થિતિ બદલાતા વિદેશી ફંડો વેચવાલીનો માર્ગ લઇ રહ્યા છે.
૨૪માંથી ૨૦ સેશનમાં સ્થાનિક ફંડો લેવાલ
ડીઆઇઆઇમાં ખાસ કરીને વીમા કંપનીઓ પ્રીમિયમની ઉચી ભરપાઇને પગલે સારી પ્રવાહિતા ધરાવે છે. એફઆઇઆઇની વેચવાલીએ બજાર ઘટતાં ડીઆઇઆઇએ નીચા ભાવનો લાભ લઇને લેવાલી કરી રહ્યા છે. એફઆઇઆઇને ઊભરતાં બજારોમાં સારું વળતર મળતાં તેઓ અન્ય બજારોની ખોટ ભારતીય ઇક્વિટીમાં સરભર કરી રહી છે.
વિજય પોપટ એંજલ બ્રોકિંગ










