માર્જિન ફન્ડિંગનો ગાળિયો કસતા બ્રોકરો-ફાઇનાન્સરો
છેલ્લા થોડા દિવસથી આવેલી નરમાઇની ઝડપી ચાલને કારણે કેશ અને ડેરિવેટિવ્ઝમાં માર્જિન ફન્ડિંગથી કામ કરનારાના હોંશ ઊડી ગયા છે. શેરબ્રોકરો અને ફાઇનાન્સરોએ ભૂતકાળના અનુભવને ઘ્યાનમાં રાખીને પૂર પહેલાં પાળ બાંધી દીધી છે, જો તમે હાલ માર્જિન ફંડ લઇને કામકાજ કરવા ઇચ્છાતા હશો તો વધારે કડક અને ઓછા ફન્ડિંગનો અનુભવ કરશો. તાજેતરના કડાકાને કારણે શેરોની સામે ૫૦ ટકા અથવા પૂર્ણ માર્જિન મેળવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.
જાણકાર સાધનો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ફાઇનાન્સર અથવા શેરબ્રોકરોએ ડેરિવેટિવ્ઝમાં નવી લેણની પોઝિશન ગોઠવવા કે કોન્ટ્રેક્ટ લેવા ઇચ્છાનારાઓને તેમના અન્ય શેરોના વેલ્યૂએશન સામે ૫૦ ટકા સુધી જ લેન્ડિંગ કરવાનું વલણ અપનાવ્યું છે, જે એક તબક્કે ૭૫ ટકા અપાતું હતું.
આનો મતલબ એવો થયો કે જો રિલાયન્સનો એક કોન્ટ્રેક્ટ લેવો હોય અને તેની સામે અન્ય શેરોને ગીરવે મૂકવામાં આવ્યા હોય જેનું મૂલ્યાંકન રૂ. બે લાખ રૂપિયાનું થતું હોય તો હવે માત્ર ૫૦ ટકા એટલે કે રૂપિયા એક લાખ સુધીનું જ ફન્ડિંગ આપવામાં આવે છે. વધુમાં જે પણ માર્જિન વસૂલ કરવામાં આવે છે તે વાર માર્જિનને ઘ્યાનમાં રાખીને કડકપણે લેવામાં આવી રહ્યું છે.
વધેલી ચંચળતાને કારણે ઘણી સ્ક્રિપમાં વેલ્યૂ એટ રિસ્ક(વાર) અને એક્સ્ટ્રીમ લોસ માર્જિન(ઈએલ)માં ૨૫થી ૫૦ ટકા સુધીનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. છેલ્લા થોડા દિવસમાં બજારની ચંચળતામાં અસાધારણ વધારો થયો છે અને આજે તો એનએસઇનો વોલેટિલિટી ઇન્ડેક્સ ૧૧ ટકા વધીને ૩૦.૦૭ની સપાટીએ બંધ આવ્યો હતો.
આમ બજારમાં વધેલી અનિશ્ચિતતામાં માથે મોટી જવાબદારીમાં આવી ન જવાય તેની કાળજી બ્રોકરેજહાઉસ રાખી રહ્યાં છે અને તેને કારણે પણ ઘણા શેરદલાલોએ છેલ્લા થોડા દિવસમાં શેરો વેચીને ૨૦-૨૫ ટકા કેશ હાથ પર રાખવાનું વલણ અપનાવ્યું છે.












