Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Feb 11th, 2010, 1:16 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarબેસ્ટ ફ્રેન્ડ્સ

Varsha Pathak, Utsav

આમ જુઓ તો ઉષ્માએ સીધીસાદી પૃરછા કરી હતી. ઉષ્મા એની મિત્ર હોવાને નાતે ચિંતા કરી રહી હતી, એવું કોઇ કહે પણ કોણ જાણે કેમ, શામવીને એવું લાગ્યું કે ઉષ્માના સવાલમાં ચિંતા કરતાં આશાનો ભાવ વધુ હતો.

‘દેવદત્તને કયા કોચિંગ ક્લાસ જોઇન કરાવ્યા?’ ઉષ્માએ પૂછ્યું.‘આપ્ટે ક્લાસીસ’ શામવીએ જવાબ આપ્યો.

‘મેં તો પ્રયાગને સ્કોલરમાં મૂક્યો. થોડા વધુ પૈસા ભલે લેતા, પણ ત્યાંની ટીચિંગ ફેકલ્ટી ફર્સ્ટ ગ્રેડ છે. એના પપ્પાએ પણ કહી દીધું કે એસએસસીનું વર્ષ છે. એજ્યુકેશન પાછળ જે ખર્ચ કરવો પડે એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરતી.’ ઉષ્માએ જાણે બહેનપણીને આ બધું કહેવા માટે જ પહેલો સવાલ પૂછ્યો હતો.

‘આપ્ટેમાં મેથ્સ સારું કરાવે છે.’ શામવીથી પોતાના નિર્ણયનો બચાવ થઇ ગયો.

‘હશે. પણ મેથ્સ માટે મેં પ્રાઇવેટ ટ્યૂશન રાખ્યું છે. અઠવાડિયે ત્રણ વાર સર ઘરે જ ભણાવવા આવશે.’ ઉષ્માએ પોતાનો ઝંડો ઊંચો જ રાખ્યો અને શામવી ચૂપ થઇ ગઇ.

યોગ્ય સમયે ચૂપ થઇ જવાની શામવીની આદતને કારણે જ કદાચ આ બે સ્ત્રી વચ્ચેની મિત્રતા કોલેજના સમયથી ટકી રહી હતી. બાકી ઉષ્માના ફાંકા એક હદથી વધુ સહન કરવાનું મુશ્કેલ હતું. ઘણા લોકોને સાચી વાતમાં મીઠુંમરી ભભરાવીને કહેવાની ટેવ હોય પણ ઉષ્માની વાત સાંભળને ઘણીવાર લાગે કે એમાં મસાલો વધુ અને સચ્ચાઇ નહીંવત્ હશે.

જોવાનું તો એ કે ઉષ્મા અને શામવી લગભગ સમાન કહી શકાય એવા સામાજિક અને આર્થિક વર્ગમાંથી આવતાં હતાં. ભાગ્યે જ એવું કંઇ હતું જે ઉષ્મા પાસે હોય, શામવીને એની ખોટ હોય, પરંતુ ઉષ્મા અહીં પોતાની રીતે ચઢિયાતી હોવાનો ભ્રમ પેદા કરી લેતી. એ પોતાના બાપદાદાના વૈભવ અને જાહોજલાલીની વાતો કરતી.

‘મારા દાદા બરોડા સ્ટેટમાં મોટા અધિકારી હતા. મહારાજા દરેક વાતમાં એની સલાહ લેતા. દાદીને મંદિરે દર્શન કરવા જવું હોય તો ખાસ બગી આવતી. એ જમાનામાં પણ મારા પપ્પા, કાકાને સ્કૂલે લેવા-મૂકવા માટે મોટી કાર જતી, પણ પછી રજવાડાં ખતમ થયાં અને બધું ગયું.

મારા નાનાજી કાપડબજારના રાજા જેવા હતા. એમની મરજી પ્રમાણે માર્કેટમાં સોદા પડે. નાનીમા એટલા દયાળુ હતાં કે રોજ ઓછામાં ઓછા પચીસ જણ એના રસોડે જમે. એ લોકોને મારી મમ્મી સહિત બે દીકરી અને પાંચ દીકરા. બધાયને સરખે ભાગે મિલકતની વહેંચણી થયેલી. એકએક જણના હિસ્સામાં કરોડોની જાયદાદ આવતી હતી, પણ મોટા બે મામા પોલિટિક્સ રમી ગયા અને બધું હડપ કરી ગયા.’

ઉષ્મા આવી બધી વાતો કરે અને શામવી સાંભળી લે. એણે તો ક્યારેય ઉષ્માના ઘરમાં કે એનાં મા-બાપની રહેણીકરણી, વર્તણૂકમાં આવા વૈભવ કે રજવાડીપણાંની ઝલક નહોતી નિહાળી. ઊલટું ઉષ્માની મમ્મી તો પતિની મર્યાદિત આવકમાંથી પાંચ માણસનું પૂરું ન થાય એટલે એક બાલમંદિરમાં જોબ કરતી હતી.

તેમ છતાં શામવીએ ક્યારેય ઉષ્માને નહોતું કહ્યું કે, ‘બસ કર, ફિશિયારી મારવાનું!’ ઊલટું પંદર-સોળ વર્ષની ઉંમરે બંને વચ્ચે મિત્રતા બંધાઇ ત્યારે શરૂઆતમાં તો શામવી એની દોસ્તની વાતોથી અંજાઇ જતી હતી. ધીમે ધીમે બધું સમજાવા લાગ્યું, પણ ત્યાં સુધીમાં લાગણીના સંબંધ એટલા પાકા થઇ ગયેલા કે સામેવાળાની આવી એકાદ-બે કુટેવો પ્રત્યે આંખ આડા કાન કરી લેવામાં ખાસ વાંધો નહોતો આવતો.

બીજી બધી રીતે ઉષ્મા એને ગમતી. ઉષ્માને પણ શામવી વિના ચાલતું નહીં. પોતાની બધીયે અંગત વાત એ પહેલીવહેલી શામવીને જ કરતી. ટૂંકમાં ઉષ્મા અને શામવી બેસ્ટ ફ્રેન્ડ હતાં.

ગ્રેજ્યુએશન, લગ્ન અને બાળકોના જન્મ બાદ પણ આ ફ્રેન્ડશિપ ટકી રહી. યોગાનુયોગ દીકરાના જન્મ બાદ ઉષ્માએ ખરીદેલો નવો ફ્લેટ શામવીના ઘરથી વધુ દૂર નહોતો. બેઉ જણ પોતપોતાના ઘર-પરિવારમાં ખુશ હતાં. સમય વીતતો જતો હતો, પણ ઉષ્માની અતિશયોક્તિની આદત હજી ગઇ નહોતી.

એક વાર શામવીના દીકરા દેવદત્તથી પુછાઇ ગયું, ‘મમ્મી, તું ઉષ્માઆન્ટીની મોટી મોટી વાતો શું કામ સાંભળી લે છે?’ ત્યારે શામવીએ આપેલો જવાબ દેવદત્તને હંમેશ માટે યાદ રહી ગયો.

‘જો બેટા, ઉષ્મા મારી ફ્રેન્ડ છે. મોટી-મોટી વાતો કરીને એને ખુશી મળતી હોય તો મારે શું કામ વાંધો લેવો જોઇએ? તું યે યાદ રાખજે કે દુનિયામાં બીજા ઘણા એવા લોકો હોય છે જે પોતાની ઓછપ, દુ:ખ ઢાંકવા માટે પણ ફાંકા-ફિશિયારીનો સહારો લેતા રહે છે. આવા સંજોગોમાં બને ત્યાં સુધી એમને સચ્ચાઇ સુણાવીને વધુ દુ:ખી કરવા નહીં.’

- - - - -

સામેવાળાની સાચી-ખોટી વાતો ધીરજપૂર્વક સાંભળી લેવાનો ગુણ દેવદત્તને એની માતા તરફથી વારસામાં મળેલો કે પછી જોઇજોઇને એ શીખી ગયેલો. જે હોય તે પણ આસપાસ ત્રણેક કિલોમીટરના એરિયામાં એ સહુથી જાણીતો અને લોકપ્રિય ડૉક્ટર ગણાતો હતો.

આ વિસ્તારમાં બીજા ઓછામાં ઓછા અડધો ડઝન જનરલ ફિઝિશિયન્સ હતા, પણ દેવદત્તની પ્રેક્ટિસ સહુથી વધુ હતી. એના ક્લિનિકનો સમય સવારે નવથી એક અને સાંજે પાંચથી સાડા નવ હતો, પણ ઘણી વાર એવું બનતું કે બપોરે એ જમવા માટે ઘેર પણ ન આવી શકે અને રાતે તે સાડા દસથી પહેલાં ક્લિનિકનું શટર પડે, એવું ભાગ્યે જ બનતું. વધુ નહીં ભણી શક્યાનો એનો અફસોસ ક્યારનોયે ધોવાઇ ગયેલો.

એમાં થયેલું એવું કે દેવદત્ત એમબીબીએસના છેલ્લા વર્ષમાં હતો ત્યારે એના પિતાને બિઝનેસમાં મોટી ખોટ ગઇ. આઘાત સહી ન શક્યા હોય એમ એનું હૃદય એક સવારે અચાનક બંધ પડી ગયું.

એ વર્ષ તો દેવદત્તે જેમતેમ પૂરું કરી લીધું. પણ ફાઇનલ એક્ઝામમાં બહુ સારા માર્ક્સ મળ્યા હોવા છતાં એણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની ઇચ્છા પડતી મૂકી અને સરકારી હોસ્પિટલમાં નોકરી સ્વીકારી લીધી. જોકે આ પોઝિશન માત્ર બે વર્ષ રહી. દેવદત્તે ઘરની નજીક પોતાનું ક્લિનિક શરૂ કર્યું અને જોતજોતામાં ધમધોકાર પ્રેક્ટિસ જામી ગઇ.

દેવદત્તથી ચાર વર્ષ નાની દેવકી, બીફાર્મ કરીને એક ડૉક્ટર સાથે લગ્ન કરીને દિલ્હી જતી રહી. એ પોતાના સંસારમાં સુખી હતી. દેવદત્તની પત્ની સાયલી એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતી હતી. પતિ ગુમાવ્યાનું દુ:ખ શામવીના હૃદયના એક ખૂણે હંમેશાં સંઘરાઇ રહેવાનું હતું, પણ પરિવારમાં બીજી બધી વાતે એ સુખી હતી.

અને હા, શામવીનાં સુખદુ:ખની સાથીદાર ઉષ્મા તો એની સાથે હતી જ. એના દીકરા પ્રયાગે ગોલ્ડમેડલ સાથે આઇટી એન્જિનિયર તરીકેની ડિગ્રી મેળવી હતી. પછી એમ ટેક કર્યું અને કમાવવા માટે અમેરિકા ગયો.

‘જો ને, કહીએ છીએ કે હવે લગ્ન કરી લે, પણ માનતો નથી. કહે છે કે મારા જેટલું ભણેલી છોકરી મળશે ત્યારે જ પરણીશ.’ ઉષ્માએ સહેલી પાસે મીઠી ફરિયાદ કરી લીધી. શામવી તો હસીને ચૂપ રહી ગઇ પણ એ વખતે એની પુત્રવધૂને લાગ્યું કે ઉષ્માઆન્ટી એને સુણાવી રહ્યાં હતાં. સાયલીએ સાદું બીકોમ કરેલું. જોકે એ કંઇ બોલી નહીં. ઉષ્માની આદતથી સહુ પરિચિત હતાં.

પણ સાયલીને છેવટે હસવાનો મોકો મળી ગયો. પ્રયાગે છેવટે અમેરિકામાં જ રહેતી એક શ્રીમંત છોકરી સાથે લગ્ન કરી લીધાં. જેણે ત્યાંની સ્કૂલમાં ભણતર પૂરું કર્યાં બાદ યુનિવર્સિટીમાં જવાની તકલીફ નહોતી લીધી.

જોકે અહીં પણ ઉષ્માએ ટંગડી ઊંચી રાખી. ‘યુ નો, છોકરીના પપ્પાની ત્યાં આઠ મોટેલ્સ છે. પન્ના એના બે ભાઇ સાથે ફેમિલી બિઝનેસ પર ઘ્યાન રાખે છે.’ જોકે શામવીને લાગ્યું કે ઉષ્મા આ સંબંધથી બહુ ખુશ નહોતી. મનના એક ખૂણે એને પણ કદાચ લાગતું હતું કે દીકરાએ પૈસા જોઇને પત્ની પસંદ કરી, પણ શું કરે! તમાચો મારીને મોઢું લાલ રાખ્યા વિના છૂટકો નહોતો. ધામધૂમથી લગ્ન થઇ ગયાં.

બીજી તરફ પ્રયાગે કદાચ પૈસાદાર સસરા પાસેથી મોટો દલ્લો મેળવવાની આશા રાખી હોય તો એ ધૂળમાં મળી ગઇ. સસરો અને બંને સાળા બહુ સ્માર્ટ નીકળ્યા. દીકરીનાં લગ્ન થયાં કે તરત એને ફેમિલી બિઝનેસમાંથી છૂટી કરી દીધી. હા, દહેજમાં એક મોટેલ આપી જે પન્નાએ પતિની સાથે મળીને ચલાવવાની હતી.

સદ્નસીબે આ મોટેલ એટલી સારી ચાલતી હતી કે લગ્ન પછી થોડા જ વખતમાં પ્રયાગ એની નોકરી છોડીને બિઝનેસમાં જોડાઇ ગયો. ઇન્ડિયામાં રહેતાં મા-બાપ પ્રત્યેની ફરજ એ ચૂક્યો નહોતો. નિયમિત સારા પૈસા મોકલવા લાગેલો.

ઉષ્મા પાછી મૂડમાં આવી ગઇ. અમેરિકામાં પ્રયાગ કેટલું કમાય છે. કેટલું અહીં મોકલે છે. એના વિશે બોલતા એ ધરાતી નહોતી. એમાંયે એક વાર પતિ-પત્ની અમેરિકા જઇ આવ્યાં પછી તો પૂછવાનું શું!

શામવી એની આદત પ્રમાણે સાંભળ્યાં કરતી. દેવદત્ત એની મેડિકલ પ્રેક્ટિસમાં કરોડો રૂપિયા નહોતો કમાતો પણ જે મળે એમાં એ અને ઘરવાળા ખુશ હતા, પણ થોડા સમયથી અઠવાડિયામાં બે વાર દેવદત્તે એક ચેરિટેબલ ક્લિનિકમાં મફત સેવા આપવાનું પણ શરૂ કરેલું.

ઝૂંપડપટ્ટીમાં એક સેવાભાવી સંસ્થા દ્વારા ચલાવતા દવાખાનામાં એ અઠવાડિયે બે વાર જતો. એની પત્ની સાયલી એક અનાથાશ્રમની એડવાઇઝરી કમિટીમાં પણ હતી. શામવીને પોતાની રીતે દાનપુણ્યમાં પૈસા વાપરવા હોય તો ઘરમાં કોઇ રોકવાવાળું નહોતું.

એક દિવસ ઉષ્માએ આવીને કહ્યું, ‘દીકરો, વહુ આગ્રહ કરે છે કે અમારી પાસે અમેરિકા આવી જાવ!’

‘અરે વાહ!’ શામવીએ સાચા દિલથી ખુશી વ્યક્ત કરી.

‘પણ મારા હસબન્ડની ઇચ્છા નથી. એમની નોકરી હજુ ચાલુ છે અને એ કહે છે કે આ ઉંમરે આપણો દેશ, આપણાં લોકોને છોડીને ક્યાં જવું?’ ઉષ્મા બોલી.

‘હા, એ પણ ખરું.’ શામવીએ માથું હલાવ્યું. જોકે બે મહિના બાદ ઉષ્માએ આવીને કહ્યું, ‘પ્રયાગ આટલો આગ્રહ કરે છે તો વિચાર્યું કે બે-ત્રણ મહિના ત્યાં જઇ આવું. અહીં કામવાળી કામ કરશે અને રસોઇવાળી બાઇ રાખી લીધી છે એ બે વાર જમવાનું બનાવી જશે. પ્રયાગના પપ્પાને વાંધો નહીં આવે.’

બે મહિનાનું કહીને ગયેલી ઉષ્મા ત્યાં છ મહિના રોકાઇ ગઇ. એક વાર શામવીએ એને ફોન કરીને ‘કેમ, તારા કોઇ સમાચાર નથી?’ એમ પૂછ્યું, તો ઉષ્માએ જવાબ આપ્યો, ‘યુ નો, હું અહીં બિઝી રહું છું. પહેલાં ઘર સંભાળતી હતી પણ હવે મેં મોટેલમાં જવાનું શરૂ કર્યું છે.’

છ મહિના પછી ઉષ્માનો પતિ અમેરિકા ગયો અને મહિનો ત્યાં રોકાયા બાદ પતિ-પત્ની પાછા આવ્યાં. જોકે બીજે વર્ષે પન્ના ગર્ભવતી બની અને ઉષ્મા પાછી અમેરિકા ગઇ. આ વખતે એ ત્યાં આઠ મહિના રોકાઇ.

પછી તો જાણે આ સિલસિલો ચાલુ થઇ ગયો. ઉષ્મા વર્ષના છ મહિના ઇન્ડિયામાં અને છ મહિના અમેરિકામાં ગાળે. પતિની નોકરી અહીં એટલી સારી કે એ છોડવા તૈયાર નહીં અને આમેય એને વિદેશ રહેવામાં વધુ રસ નહોતો.

કદાચ ઉષ્મામાંથી પણ એનો ઇન્ટરેસ્ટ ઓછો થઇ ગયેલો. એટલે જ સાઠની નજીક પહોંચવા આવેલાં પતિ-પત્ની આટલો લાંબો સમય એકમેકથી દૂર રહેતાં થઇ ગયેલાં. એવું શામવીને લાગતું.

જોકે એણે ક્યારેય ઉષ્માને આ વિશે નહોતું પૂછ્યું. એમનું મળવાનું, વાત કરવાનું પણ હવે ઓછું થઇ ગયેલું, પણ મળે ત્યારે ઉષ્મા આ વિશે પણ ફાંકા જ મારતી. ‘મને હવે ઇન્ડિયાનું વેધર સૂટ જ નથી કરતું. ત્યાં અમેરિકામાં તો ધૂળનું નામોનિશાન નહીં. બેડરૂમમાં બારે મહિના કાં એસી ચાલે કાં હીટર!

પ્રયાગ કહે છે, હવે ગ્રીનકાર્ડ માટે અપ્લાય કરી દઇએ. હું તો મારા હસબન્ડને કહું છું કે રિટાયરમેન્ટ આડે બે મહિના રહ્યા છે. તો જિદ્દ છોડો, ચાલો આપણે અમેરિકા જતાં રહીએ.’

ઉષ્માના આગ્રહ સામે નમતું જોખીને એનો હસબન્ડ ખરેખર બે મહિના પછી અમેરિકા ગયો. એને ત્યાં ગમતું હતું કે નહીં એ તો એ જાણે પણ દીકરાને ઘરે ગયાના બીજે જ મહિને બિચારો મોટેલનાં પગથિયાં પરથી ગબડીને જમણો પગ ભાંગી બેઠો અને કરોડરજ્જુ પર એવી ગંભીર ઇજા થઇ કે સર્જરી પછીયે હરવાફરવા માટે વ્હીલચેરનો ઉપયોગ કરવાની નોબત આવી ગઇ.

આ એક્સિડન્ટની જાણ થયા બાદ શામવી વારંવાર ઉષ્માને ફોન કરીને ખબરઅંતર પૂછી લેતી. થોડા દિવસ ગભરાઇ ગયેલી ઉષ્મા ધીમે ધીમે મૂળ રંગમાં આવી ગઇ. ‘અહીંની મેડિકલ ફેસિલિટી વિશે તો ભઇ કહેવું પડે હં! પ્રયાગના પપ્પા પડ્યા અને ફોન કર્યો તો દસ મિનિટમાં એમ્બ્યુલન્સ હાજર.

હોસ્પિટલમાં ડૉક્ટરો ફટાફટ કામે લાગી ગયા. આ ટેસ્ટ, પેલા ટેસ્ટ... અડધો કલાકમાં તો ડિસિઝન લેવાઇ ગયું કે સર્જરી કરવી પડશે. આપણે ત્યાં તો ટ્રીટમેન્ટ શરૂ થાય ઐ પહેલાં પેશન્ટ અધમૂઓ થઇ ગયો હોય. અહીં અમેરિકામાં બધી સગવડ મળે. પણ બધું બહુ મોંઘું.

મારા હસબન્ડને મોડી રાતે કમરમાં સખત દુખાવો ઊપડ્યો. મેં ડૉક્ટરને ઘરે બોલાવવાનું કહ્યું તો પ્રયાગ કહે, મમ્મી તમને ખબર છે, અહીં હોમ વિઝિટ માટે ડૉક્ટર કેટલો ચાર્જ કરે? પછી અમે એમને પ્રયાગની ગાડીમાં સુવાડીને હોસ્પિટલ લઇ ગયા. તને ખબર છે, પ્રયાગે હમણાં નવી મર્સિડીઝ લીધી?

શામવીને ઘડીક સમજાયું નહીં કે ઉષ્માના પતિની તબિયત વિશે પૂછવું કે એના દીકરાની નવી કાર વિશે! છેવટે એણે બહેનપણી માટે અત્યારે શું વધુ ઇમ્પોર્ટન્ટ હતું એનો અંદાજ કાઢી લઇને કહ્યું, ‘નવી મર્સિડીઝ, વાહ ભઇ!’

અને એનો નિર્ણય સાચો પુરવાર થયો. ખુશ થઇ ગયેલી ઉષ્માએ આ નવી મર્સિડીઝની ખૂબીઓ વિશે લાંબું વર્ણન કર્યું અને છેવટે પૂછ્યું, ‘દેવદત્તના શું ખબર?’

‘બસ, એનું કામ કરે ને મજા કરે.’ શામવીએ ટૂંકો જવાબ આપ્યો. ઉષ્માને સંતોષ ન થયો.

‘હા, પણ એમાં કંઇ ડેવલપમેન્ટ કર્યું કે નહીં?’

‘ડેવલપમેન્ટ કહો તો પેલા ધર્માદા દવાખાનામાં હવે દેવદત્ત અઠવાડિયાના બેને બદલે ત્રણ દિવસ જાય છે અને હમણાં આપણા એરિયામાં એક વૃદ્ધાશ્રમ શરૂ થયો છે ત્યાં એ દર રવિવારે જાય છે. એના પપ્પાની યાદમાં એણે ત્યાં ચાર મોટા ટી.વી. સેટ્સ પણ ડોનેટ કર્યા. સાયલી પણ ત્યાં વારંવાર જાય છે. એ કહે છે, ‘બિચારા ઘરડા લોકોને એકલું ન લાગવું જોઇએ.’

‘એ વાત સાચી.’ ઉષ્મા સહમત થઇ. પણ પછી તરત એણે અમેરિકામાં સિનિયર સિટીઝન્સ માટે કેટલી સગવડો છે, એની ડિટેલ્સ આપી દીધી અને પછી ઉમેર્યું, ‘હું તો કહું છું, તું પણ અહીં આવી જા?’

શામવી હસી પડી, ‘ના રે ભાઇ, મને ત્યાં ન ફાવે અને આ છોકરો પણ ન આવવા દે.’

‘અરે, તો એને પણ કહે ને કે અહીં આવી જાય.’ ઉષ્માને એનો જૂનો ફેવરિટ વિષય મળી ગયો. ‘વર્ષોથી કહું છું કે દેવદત્ત ત્યાં એનો ટાઇમ અને એનર્જી બગાડે છે. અહીં આવશે તો ઇન્ડિયામાં જેટલું વર્ષમાં કમાય છે એટલું મહિનામાં રળી લેશે. અફકોર્સ, મહેનતની તૈયારી રાખવી પડે. અહીં કંઇ ઇન્ડિયાની જેમ હોતા હૈ, ચલતા હૈ ન ચાલે. દવા આપવામાં જરાકે ગરબડ થાય તો માથે કરોડો ડૉલર્સનો દાવો ઠોકાઇ જાય.’

‘ઇન્ડિયા ક્યારે આવવાનાં છો?’ શામવીએ વિષયાન્તરનાં હેતુથી પૂછ્યું.

‘હમણાં તો એવો વિચાર નથી. યુ નો,’ ઉષ્માએ કહ્યું. આ વાતચીત થયાના બે જ મહિનામાં જોકે ઉષ્મા એના પતિ સાથે ભારત પાછી આવી ગઇ અને એ ભલે ન બોલે પણ શામવીને લાગતું હતું કે એની સહેલી હવે પાછી ક્યારેય અમેરિકા નહોતી જવાની.

‘માંદા પડીએ ત્યારે આપણા પોતાના ઘરમાં સારાં!’ ઉષ્માએ સ્વદેશાગમનનાં કારણો આપ્યાં. ‘પ્રયાગે તો ત્યાં રોકાવાનો બહુ આગ્રહ કર્યો. પણ મેં જ કહ્યું કે વહુ બિચારી આખો દિવસ કામમાં બિઝી રહે, એની પાસે અમારી સેવાયે ક્યાં કરાવવી? મારાથી હવે મોટેલ જવાતું નથી. ત્યાં ઘરમાં બેઠાં બેઠાં શું કરવું? અમસ્તાં એમને આડાં આવીએ!’

‘પોતાના માણસો થોડા આડા આવે?’ શામવીથી બોલાઇ ગયું.

‘એ તો આપણે ઇન્ડિયામાં રહીએ એટલે ખબર ન પડે. ત્યાં તો બધાએ સતત કામ કરવું પડે. અહીં જેવું નહીં કે...’ ઉષ્મા પાછી શરૂ થઇ ગઇ.

- - - - -

‘દેવદત્ત, તારા અંકલની તબિયત ઠીક નથી લાગતી. દવાખાને જતાં પહેલાં અહીં એક આંટો મારી જજેને!’

‘હા આન્ટી અને તમારા ઘૂંટણે કેમ છે?’ દેવદત્તે પૂછ્યું.

‘પરમ દિવસે તેં દવા આપી, પછી સારું છે.’

‘હવે થોડા દિવસ એ ટેબ્લેટ ચાલુ રાખજો. હમણાં હું લેતો આવું છું.’

દેવદત્તે ઉષ્માને ઘરે જઇને અંકલ આંટીને દવા આપી. એ દરમિયાન ઉષ્માએ એને અમેરિકાના સમાચાર આપ્યા, ‘પ્રયાગે હમણાં બીજી મોટેલ લીધી અને તેને નવાઇની વાત કહું, એના મેનેજર તરીકે આપણો એક ગુજરાતી ડૉક્ટર છે. અહીંથી ભણીને ત્યાં ગયો પણ નોકરી મળી નહીં. અમેરિકામાં જેવા તેવાનું કામ નહીં.’

‘સાચી વાત આન્ટી, એટલે જ તો હું અહીં બેસી રહ્યો છું.’ દેવદત્તે હસીને કહ્યું.

થોડા દિવસ બાદ શામવી એની સહેલીને ઘેર મળવા ગઇ. ‘આ લે, સાયલીના હાથની બનાના વેફર્સ તને બહુ ભાવે છે ને! કાલે જ એણે બનાવી, એણે તારા માટે મોકલી છે.’ એણે ઉષ્માના હાથમાં ડબ્બો આપતાં કહ્યું.

‘અરે વાહ, કેમ છે સાયલી?’ ઉષ્માએ પૂછ્યું.

‘જલસા કરે છે. હમણાં એની એક ફ્રેન્ડ ઉદેપુરથી આવી છે તો ઓફિસમાં ત્રણ દિવસની રજા પાડી છે.’

પછી ઉષ્મા ગંભીર થઇ ગઇ. આંખ સહેજ ઝીણી કરીને એણે ધીમા અવાજે કહ્યું, ‘ તને ઘરમાં કોઇ તકલીફ છે?’

આમ જુઓ તો સીધીસાદી પૃચ્છા હતી. ઉષ્મા એની મિત્ર હોવાને નાતે ચિંતા કરી રહી હતી, એવું કોઇ કહે પણ કોણ જાણે કેમ, શામવીને એવું લાગ્યું કે ઉષ્માના સવાલમાં ચિંતા કરતાં આશાનો ભાવ વધુ હતો. શામવીના ઘરમાં કોઇ તકલીફ છે એવા સવાલનો જવાબ હકારમાં સાંભળીને એને કદાચ વધુ શાંતિ મળત.

આ વિચાર જોકે મનમાં જ દબાવી દઇને શામવી એ માથું ધુણાવ્યું, ‘ના રે, મને શું તકલીફ હોય?’

‘તો ઠીક. બાકી કંઇ હોય તો બેધડક મને કહી દેજે. હજી કાલે જ પ્રયાગે હજાર ડૉલર મોકલ્યા છે. કહ્યું છે, જરૂર પડે ત્યાં ખર્ચજો.’ ઉષ્મા બોલી.

‘ઓહો, હજાર ડૉલર્સ એટલે પચાસ હજાર રૂપિયા ને!’ જાણતી હોવા છતાં શામવીએ અજાણપણાનો ડોળ કર્યો.

‘હા. મને ફોન કરીને કહે કે હેલ્થની બાબતમાં કોઇ કોમ્પ્રોમાઇઝ નહીં કરતાં. સારામાં સારા ડોક્ટરને કન્સલ્ટ કરજો.’ ઉષ્માએ ચમકતી આંખે કહ્યું.

‘સાચી વાત કરી અને લે સારું થયું. યાદ કરાવ્યું. દેવદત્તે તારા માટે આ દવા મોકલી છે.’ શામવીએ પર્સ ખોલતાં કહ્યું.

હાથમાં દવાની સ્ટ્રિપ રમાડતાં થોડી વાર માટે ઉષ્મા ચૂપ થઇ ગઇ.

‘શું થયું. કોઇ બીજી દવા જોઇતી’તી?’ શામવીએ પૂછ્યું.

‘ના, ના.’ ઉષ્માએ માથું હલાવ્યું અને પછી સહેજ સંકોચભર્યું હસતાં બોલી, ‘આ તો હું વિચારતી હતી કે અમેરિકાથી અમને અહીં આવ્યાને છ મહિના થઇ ગયા. જ્યારે બોલાવીએ ત્યારે દેવદત્ત હાજર થઇ જાય છે. દવા તો એ જ આપે છે, પણ...’

‘બસ, બસ, આગળ બોલવાની જરૂર નથી. ઘરના ડોક્ટર હોય તો એટલું તો કરે જ ને!’ શામવીએ હસીને કહ્યું.

ઉષ્માએ ધીમેથી માથું હલાવ્યું, ‘સાયલી પણ અમારું બહુ ઘ્યાન રાખે છે.’

‘તો શું થઇ ગયું? તું યે એના માટે અમેરિકાથી કેટલું બધું લઇ આવેલી! ઉષ્માએ સહેજ ગર્વભર્યા અવાજે કહ્યું, ‘એને બીજું કંઈ જોઈતું હોય તો કહી દેજે. અમેરિકા આવતા જતાં કોઇની પાસે મંગાવી લઇશું.’

‘અહીં પણ બધું મળે જ છે ને!’ શામવી બોલી.

ઉષ્માએ મોઢું બગાડ્યું. ‘અરે, બધું ડુપ્લિકેટ. ઓરિજિનલ બ્રાન્ડને બદલે ડુપ્લિકેટ આપી દે, તોયે તમારા જેવાને ખબર ન પડે.’

શામવીના હોઠ પર સ્મિત આવી ગયું. સહેલી રંગમાં આવી ગઇ હતી અને સાચું પૂછો તો એને આ જ ઉષ્મા ગમતી હતી.

તોયે કલાક પછી શામવી ઘરે જવા ઊભી થઇ ત્યારે લિફ્ટ સુધી એને વળાવવા આવેલી ઉષ્મા ફરીથી શામવીને સાંભળવું ન ગમે એવા ટોનમાં બોલી ગઇ, ‘થેન્ક યુ!’

friends

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: