શું આ રીંગણ ઝેરી છે ?
કેન્દ્ર સરકાર એક અઠવાડિયાની અંદર એ નિર્ણય લેવાની છે કે બીટી રીંગણ જેવા જિનેટિકલી મોડિફાઈડ (જીએમ) બીજની (જેમના જીનની સંરચનામાં પરિવર્તન કરાયું છે) દેશમાં ખેતી કરવા માટે મંજૂરી આપવી કે નહીં. આ નિર્ણયથી ખેડૂતોની પેદાવારમાં વધારો થવાની સંભાવના છે તો જીએમ ખાધ પદાર્થથી તંદુરસ્તીને નુકસાન થવાની આશંકા વ્યકત કરાઈ છે. શું ઝડપથી વધતી જતી વસ્તીનું પેટ ભરવા માટેનો એકમાત્ર ઉપાય જીએમ ફૂડ જ છે? આ પદ્ધતિ કેટલી સુરક્ષિત છે ? કે પછી ખેતીને કીટાણુઓ અને રાસાયણિક કીટાણુનાશકોથી બચાવીને વધુ પાક લેવાની અન્ય પદ્ધતિઓ પણ છે ?
રીંગણની ઉત્પત્તિ
રીંગણની ઉત્પત્તિ ભારતમાં જ થઈ છે અને આજે બટાકા બાદ બીજી સૌથી વધુ વપરાતી શાકભાજી છે. દુનિયામાં ચીન (૫૪ ટકા) બાદ ભારત(૨૭ ટકા) બીજો સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. દેશમાં ૫.૫ લાખ હેકટર ક્ષેત્રફળમાં તેની ખેતી થાય છે. રીંગણ પ્રતિ હેકટર૨૦૦ થી ૩૫૦ કિવન્ટલ પાકે છે અને દેશમાં વાર્ષિક ૮૫ લાખ મેટિ્રક ટનનું ઉત્પાદન થાય છે.
જો કે જીવાત પડી જવાના કારણે રીંગણનો ૫૦ થી ૭૦ ટકા પાક બરબાદ થઈ જવાના કારણે દેશને વાર્ષિક રૂ.૧૦૧૫ કરોડનું નુકસાન થાય છે. રીંગણમાં મુખ્યત્વે શૂટ એન્ડ ફ્રુટ બોરર(એસએફબી) કીટાણુ લાગે છે. રીંગણ ઉગાડતાં મુખ્ય રાજ્યો છે : આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, મઘ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ.
કોણ કરી રહ્યું છે વિરોધ
બીટી રીંગણ માનવ આરોગ્ય, પશુઓ અને પર્યાવરણ માટે અસુરક્ષિત જણાવીને દેશની વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ, વૈજ્ઞાનિકો, પર્યાવરણશાસ્ત્રીઓ અને ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. એનજીઓ જીન કેમ્પેઈનની આગેવાનીમાં વિવિધ સંગઠનોએ જીએમ ઉત્પાદનોને અસુરક્ષિત અને ખતરનાક બતાવીને સુપ્રીમ કોટર્માં એક જાહેર હિતની અરજી પણ દાખલ કરી છે.
શું છે બીટી રીંગણ ?
રીંગણની જીન સંરચનામાં એક બેકટેરિયાનો જીન નાખી દેવામાં આવે છે જેથી તે ફળ અને તેનું થડ ખાનારા કીટાણુથી (એસએફબી) બચી જાય. નવું જીન એક અલગ પ્રોટીનનું નિર્માણ કરે છે જેનાથી રીંગણના મૂળ ગુણ બદલાઈ જાય છે. રીંગણમાં પ્રત્યારોપિત કરતું જીન જમીનમાં મળતા એક બેકટેરિયા ‘બેસિલસ થુરિન્જિએન્સિસ’ (બીટી)માંથી લેવામાં આવ્યું છે, આથી તેને બીટી રીંગણ કહેવામાં આવે છે. આ અગાઉ આ જ જીનને કપાસમાં નાખીને બીટી કોટન બનાવાયું હતું, જેની છેલ્લા આઠ વર્ષથી ભારતમાં ખેતી કરવામાં આવી રહી છે. સંશોધનકર્તાઓ રીંગણ બાદ ભીંડા, ટામેટાં, બટાકા, મકાઈ, કોબીજ, ફુલાવર, ડાંગર અને ઘઉના જીનમાં પણ પરિવર્તન કરવા માંગે છે.
કેવી રીતે કામ કરે છે બીટી
કીટાણુઓના પેટ ક્ષરીય હોય છે. જયારે બીટી રીંગણનો રસ ચૂસે છે તો તેમાં રહેલા ઝેરી પ્રોટીનની અસરથી તેમના પેટ ફાટી જાય છે અને તેમનું મૃત્યુ થઈ જાય છે. બીટી રીંગણના આ ગુણના કારણે જ ખેડૂતોને કીટાણુઓનો નાશ કરવા માટે અલગથી કીટાણુનાશકનો ઉપયોગ કરવો નહીં પડે.
કોણ બનાવી રહ્યું છે ?
અમેરિકાની કંપની મોનસાન્ટોએ એક ભારતીય કંપની મહારાષ્ટ્ર હાઈબ્રિડ સીડ્સ કંપની(માયકો) સાથે મળીને આ સંશોધન કર્યું છે. આ કંપનીઓએ જ દેશમાં બીટી કોટન લોન્ચ કર્યું હતું. ૧૯૬૬માં સ્થાપવામાં આવેલી માયકોના ૨૬ ટકા શેર હવે મોનસાન્ટો પાસે છે. આ જ રીતે બંને વરચેની ભાગીદારીમાં મોટો ભાગ (પોતાના ૧૦૦ ટકાની સાથે માયકોના ૨૬ ટકા) મોન્સાન્ટોની પાસે છે. ૨૦૦૦માં સંશોધન ચાલુ કર્યું, ૨૦૦૬માં ફીલ્ડ ટ્રાયલ કરી હતી. ૧૪મી ઓકટોબરે રેગ્યુલેટરી બોડીની મંજૂરી મળી.
સંભાવનાઓ અને આશંકાઓ
ખુશહાલ થશે ખેડૂતો
- બીટી રીંગણનો સૌથી મોટો ફાયદો એ બતાવાઈ રહ્યો છે કે તેની ખેતી કીટાણુઓથી સંપૂર્ણપણે મુકત હોવાના કારણે ખેડૂતોએ કીટાણુનાશકો પાછળ ખર્ચ કરવો નહીં પડે.
- તેના કારણે પાક (હાલમાં ૭૦ ટકા સુધી) બરબાદ નહીં થાય. પરિણામે ઉત્પાદન વધશે. ખેડૂત નફામાં રહેશે કેમકે ઓછા ખર્ચમાં દોઢ ગણો પાક પેદા થશે.
- (બીટી કોટન માટે પણ આવા જ દાવા કરાયા હતા, પરંતુ તે બધા જ પોકળ પુરવાર થયા છે.)
પરંતુ આ સવાલોનું શું?
- બીટી પાક માનવ આરોગ્ય માટે સુરક્ષિત નથી.
- પ્રારંભમાં તેમાં નફો મળે છે, પરંતુ પાછળથી ખાતર અને કીટાણુનાશકો બંનેનો ઉપયોગ વધી જાય છે.
- બીટી બિયારણોને વ્યાપક અને નિષ્પક્ષ પરીક્ષણ કર્યા વગર જ મંજૂરી આપવામાં આવી રહી છે.
- બીટી બિયારણના બદલે દેશમાં વિકસિત બિન બીટી સંકર પ્રજાતિઓને પ્રોત્સાહન શા માટે નથી આપવામાં આવી રહ્યું છે, જે સુરક્ષિત છે.
કોણ આપી શકે છે મંજૂરી
સમગ્ર મામલો કેન્દ્ર સરકારના કૃષિ, પર્યાવરણ અને આરોગ્ય મંત્રાલય હેઠળ આવે છે. દેશમાં જીએમ ઉત્પાદનોના વિકાસ અને પરીક્ષણ માટે કૃષિ મંત્રાલય હેઠળ આવતા બાયોટેકનોલોજી વિભાગને તેના માટે ધારા-ધોરણ નક્કી કર્યા છે. તેના પર પર્યાવરણ મંત્રાલયની ‘જીનેટિક એન્જિનિયરિંગ એપ્રૂવલ કમિટી’ (જીઈસી) નજર રાખે છે. આ રીતે દેશમાં જીએમ ઉત્પાદનોના ઉપયોગ અને વ્યવસાયિક ઉત્પાદન પર નજર રાખનારી આ સર્વોરચ નિયામક સંસ્થા છે.
રાજ્ય સરકારોનું વલણ
અત્યાર સુધી ૧૧ રાજ્યો - કેરળ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, ઓરિસ્સા, પિશ્ચમ બંગાળ, મઘ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાંચલે પોતાના ત્યાં બીટી બિયારણના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. લગભગ તમામ રાજયોએ બીટી બિયારણ, ખાસ કરીને બીટી કોટનને લઈને ખેડૂતોના વિરોધ અને તેના અસુરક્ષિત હોવા અંગે વિવિધ વૈજ્ઞાનિક અહેવાલોના આધારે તેનો અસ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે.
શું છે સરકારનું વલણ
જીઈસીએ બીટી રીંગણ અંગે માયકોના પરીક્ષણ અહેવાલો પર સ્વયંસેવી સંસ્થાઓના વિરોધને જોતાં નિષ્ણાતોની એક સબ કમિટી બનાવી હતી. તેના રિપોટર્ના આધારે કમિટીએ બીટી રીંગણના વ્યવસાયિક ઉત્પાદનને મંજૂરી આપી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર કમિટીના નિર્ણયને મંજૂરી આપી ચૂકયા છે. પર્યાવરણ મંત્રી જયરામ રમેશે દરેક વર્ગના પ્રતિનિધિ સાથે વાત કર્યા બાદ ૨૦મી ફેબ્રુઆરી પહેલાં નિર્ણય લેવાની જાહેરાત કરી છે.
અહીંયા પ્રતિબંધ
- ઓસ્ટિ્રયા, હંગેરી, આયરલેન્ડ સહિત યુરોપીય સંઘના ૨૪માંથી ૨૦ દેશ. તેમાં જર્મનીનો પણ સમાવેશ થાય છે.
- ચાર દેશો- બ્રિટન, ફિનલેન્ડ, સ્વીડન અને નેધરલેન્ડે જીએમનું સમર્થન કર્યું છે.
- એશિયામાંથી શ્રીલંકા, થાઈલેન્ડ, અિલ્જરિયા અને જાપાને જીએમનો વિરોધ કર્યો છે.
કયાં છે બીટી
- અમેરિકા - ૬૨૫
- આર્જેન્ટીના - ૨૧
- બ્રાઝિલ - ૧૫૮
- ભારત અને કેનેડા - ૭૬
- ચીન - ૩૮
- પૈરાગ્વે-દ. આફ્રિકા - ૧૦











