તમારા પેટ્રોલના અડધા પૈસા સરકારની તિજોરીમાં
રાજીવ રંજન ઝા
ફરી એક વિદ્વાન સમિતિ બની, સરકારે ઢંઢેરો પીટાવીને આ સમિતિનો રિપોર્ટ પોતાના હાથમાં લીધો અને પેટ્રોલ, ડિઝલ, રસોઇ ગેસ (એલપીજી)ના ભાવ વધારવાની ભૂમિકા તૈયાર થઇ ગઇ.
આ સમિતિ અને સરકાર આપણને બતાવી રહી છે કે જ્યારે આપણે આપણી જિંદગીની ગાડી ચલાવીએ છીએ, આપણી રસોઇ બનાવીએ છીએ તો મજબૂર સરકારને કેટલી સબ્સિડી આપવી પડે છે. પરંતુ સરકારે પેટ્રોલિયમ કિંમતોના પૂરા મામલા પર એક મુદ્દાને મોટી ચુપકીથી કિનારે રાખી મૂકયો છે. સરકારે પેટ્રોલ-ડિઝલ પર વસૂલવામાં આવતી તમામ ડ્યૂટીનો મુદ્દો કિનારે મૂકી રાખ્યો છે.
કિરીટ પારેખ સમિતિએ તેલ ક્ષેત્રની હરિફાઇ, ટકાઉ, સ્વસ્થ બનાવા માટેની બધી વાતો કરી, પરંતુ આ મુદ્દાને જરા પણ છેડયો નથી. તમને સમજાવામાં આવી રહ્યું છે કે તમે એક લિટર પેટ્રોલ ખરીદો છો તો તેના પર તેલ કંપનીઓને રૂ.3ની ખોટ થાય છે, કારણ કે તેઓ ખર્ચ કરતાં ઓછી કિંમત તમારી પાસેથી લઇ રહ્યા છે. પરંતુ તમને એ નથી બતાવવામાં આવી રહ્યું કે તમે આ એક લિટર માટે રૂ.44-50 આપી રહ્યા છો, તેનો અંદાજે અડધો હિસ્સો સરકારની તિજોરીમાં જાય છે - કેટલોક કેન્દ્ર સરકારના હિસ્સામાં અને કેટલોક રાજ્ય સરકારના હિસ્સામાં. તમને એ ન કહ્યું કે જો પેટ્રોલની કિંમત રૂ.3 વધશે તો, પણ તેલ કંપનીઓને તેમાંથી રૂ.1.5 મળશે. તેલ કંપનીઓની ખોટ તો પૂરી થવાની નથી, પરંતુ સરકારની કમાણી જરૂર વધી જશે! પેટ્રોલ પરની સંપૂર્ણ ખોટ પૂરી કરવી હોય તો પ્રતિ લિટર કિંમત રૂ.3 નહિં, રૂ.6 વધારવા પડશે.
એક ગ્રાહકે તો એક લિટરના રૂ.44-50 આપી દીધા. તેમાંથી તેલ કંપનીને ફકત રૂ.22-25 મળ્યા અને બાકીનો હિસ્સો સરકારે રાખી લીધો તો તેમાં ગ્રાહકની શું ભૂલ છે. જો તેલ કંપનીઓને રૂ.3ની ખોટ જઇ રહી છે તો સરકાર પોતાની કિંમત ઘટાડીને તે પૈસા તેલ કંપનીઓને આપી દે.
તમને સમજાવામાં આવી રહ્યું છે કે તમારી ગાડી સરકારી સબ્સિડી પર ચાલી રહી છે. પરંતુ તમને એ નથી બતાવામાં આવતું કે સરકારને મળનાર એક્સાઇઝ ડ્યૂટીનો અડધો હિસ્સો પેટ્રોલિયમ પદાર્થોમાંથી મળે છે. પેટ્રોલિયમ પદાર્થો પર લગાવામાં આવેલ સેલ્સ ટેક્સ પૂરો કરી દેવામાં આવે તો રાજ્ય સરકારો દિવાળીયું ફૂંકવા લાગે. સાહેબ જી, સરકાર અમારી ગાડી ચલાવી રહી નથી, આપણે આપેલ ડ્યુટી સરકારની ગાડી ચલાવી રહી છે. તેમાંથી કેટલાંક પૈસા સરકારી તેલ કંપનીઓને આપીને પૂરી પ્રજા પર અહેસાન કરે છે. જો ખરેખર મનમોહન સરકાર તેલ ક્ષેત્રમાં સુધારા માટે ઇચ્છુક છે તો સૌથી પહેલાં આ ક્ષેત્ર પર લાદવામાં આવેલ મોટી ડ્યૂટીને ઘટાડવાની શરૂઆત કરે.










