અડધો કલાક પણ ઉછાળો ટક્યો નહિં, હવે બજાર કંઇ બાજુ જશે
રાજીવ રંજન ઝા
ગઇકાલે બજાર ધારણા પ્રમાણે ઉપરમાં ખૂલ્યું, પણ શરૂઆતનો ઉછાળો જરા પણ ટકી શક્યો નહિં.
સેન્સેક્સ-નિફ્ટીએ લાલ નિશાની પર આવવા માટે ભલે દોઢ કલાકનો સમય લીધો હોય, પરંતુ શરૂઆતના અડધા કલાકમાં જ જોવા મળી ગયું કે બજાર ઉપરમાં ટકી શકતું નથી. એક આશા હતી કે કદાચ પ્રોફિટબુકિંગનો એક દોર પૂરો થયા બાદ બજાર ફરીથી ચઢશે, પણ તે આશા પણ બેકાર રહી. ચોક્કસ થોડાંક સમય માટે સેન્સેક્સ 16400 થી 16300ની વચ્ચે અને નિફ્ટીમાં 4910-15 થી 4870-75ની વચ્ચે તેજી-મંદીની એક રસ્સાકસી જોવા મળી. પાછું બપોરે એક વાગ્યા પછી તેજી પાછળ પડી ગઇ અને નિફ્ટી સરપટ 4814 સુધી તૂટી ગઇ.
તો મગંળવારે સવારે બજારનો ઉછાળો જરા પણ ટક્યો નહિં તેનો મતલબ શું છે? એ જ કે બજાર ઉપર જવાની હિંમત એકત્ર કરી શકતું નથી. પરંતુ તે ગઇકાલે એક મોટા મુકામ પર આવીને ટક્યું છે. જૂન-2009 અને ઓગસ્ટ 2009માં નિફ્ટીને 4700 અથવા તેની થોડીક ઉપર બાધા મળી રહી હતી. આ શિખરોને જોડી દે તો તેનાથી બનતી બજાર રેખા હજુ 4850ની નજીક છે. જો આજે નિફ્ટી આ સપાટીની ઉપર ટકતી જોવા મળે તો બજારની ફરીથી ઉપરની તરફ જવાની આશા બનશે. જ્યારે 27મી નવેમ્બરે બજાર તૂટયું હતું ત્યારે નિફ્ટીને 4800ની ઠીક ઉપર સહારો મળ્યો હતો અને તે જ રીતે તે એકદમથી ફરીથી ઉછળી હતી.
આ સપ્તાહમાં જો નિફ્ટી 4850ની ઉપર ટકતી જોવા મળે, તો તેના માટે પહેલો પડકાર મંગળવારના શિખરને પાર કરવાનું હશે. જો કે તેને પહેલાં 7 દિવસની મુવિંગ એવરેજ 4911ની પાર કરવી પડશે. તમે ઇચ્છો તો તેને 4850નું પહેલું લક્ષ્ય અને પહેલી બાધા પણ પણ માની શકો છો. તેની ઉપર નીકળી જતા 4950ની ધારણા રહેશે. આવતા 2-3 દિવસોમાં તે પણ પાર થઇ જશે, તો તે જૂલાઇ 2009 અને નવેમ્બર 2009ની તળેટીઓને જોડતી રેખા સુધી જઇ શકશે. એટલે કે 5050ની આસપાસ જવાની કોશિશ કરશે. તેની પાસે 14 દિવસની મુવિંગ એવરેજ 5067 પર છે. તેની આગળ 5100ની ઉપર જતાં 50 દિવસની મુવિંગ એવરેજ પણ પાર થઇ જશે અને ત્યારે બજારમાં નરમાઇ જોનાર લોકો ખરીદી કરતાં નજર આવશે.
પરંતુ જો નિફ્ટી વીતેલા શુક્રવાર એટલે કે 29મી જાન્યુઆરીની તળેટી 4766ની નીચે જતી દેખાશે, તો એકદમથી સાવધાન થઇ જાઓ, કારણ કે તે એક મોટા ઘટાડાનો સંકેત છે. જો કે ત્યારે પણ એક આશા બાકી રહેશે કે ઓગસ્ટ 2008 અને જૂન 2009ની ટોચની સપાટીને જોડનાર રેખા જે અત્યારે 4725ની આસપાસ છે. જો ક્યાંક આ રેખા પણ તૂટી ગઇ, તો કદાચ 200 દિવસોની મુવિંગ એવરેજ પર 4600ની આસપાસ જ તેને સહારો મળશે.










