Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Feb 10th, 2010, 11:49 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarજશના ગાનારાં

Nanabhai Jebaliya

‘બહુ સંકટમાં છું ગઢવી? દીકરીનું કન્યાદાન કરવું છે પણ ઘરમાં મુઠ્ઠી જુવાર પણ નથી.’કપાળમાં ત્રિપૂંડ અને ચહેરા પર વિદૂતાનાં તેજ ચમકાવતો એક વિપ્ર, ગઢવીના ભર્યા ખડિયા સામે મીટ માંડીને આડો ઊભો છે. ‘દેવીપુત્ર! વિદ્વાન છું એથી માગતા નથી આવડતું, પણ આ ટેકની કદર કરીને સંકટ ભાંગે એવા કોઇ દાતારની શોધમાં ભટકું છું. મારું નામ મૂળશંકર. જામનગરમાં રહું છું. nanabhai

સોપો પડી ગયો હતો. બાળકો ભૂખ્યાં ટળવળીને સૂઇ ગયાં હતાં. એક વાર સુખે છલકતો ચારણ કવિ સેંજા નાંઘુનો ઓરડો અત્યારે ભીડ અને ઉદાસીથી ભરચક હતો!

‘જાણુ છું ચારણ્ય!’ સેંજો ગઢવી ગળી પડતા સાદે બોલતો હતો : ‘બધુંય જાણું છું. મારી પાસે કહેણી અને કથની બધુંય છે. જીભે મા શારદાનો વાસ છે. પણ આ દુકાળે ભારે કરી. કોણ સાંભળે મારી કવિતા! ક્યાં છે ડાયરા! ક્યાં છે ડેલીઓ! ભલ ભલાં રજવાડાં પણ પોતાની પ્રજાને બચાવવા ઝાવાં નાખે છે એવા વસમા સમયે, કવિ ચારણોને કઇ રીતે સાચવે?’

દુકાળે બધીય આજીવિકા આંચકી લીધી. અન્ન વગર મારાં બાળુડાં તલેલાં દઇને સૂઇ ગયાં? રોટલાનું વેન કરીને એની માને રોવડાવી. બચ્ચારી ચારણ્ય સમજાવે છે કે ‘બેટા! વરસાદ નથી આવ્યો એટલે રોટલા નથી.’

‘ખોટું બોલ્યમા માડી!’ રોટલા ચૂલા ઉપર થાય છે. વરસાદે નથી પડતા.’

‘બેટા! વરસાદ નથી અટલે અનાજ નથી.’

‘અનાજ નથી પણ લોટ તો છે ને?’ અજ્ઞાન, ભોળાં બાળકો બોલે છે, ‘લોટમાંથી રોટલા ઘડી દે મા.’

‘લોટ અનાજમાંથી બને મારા પેટ!’ જનેતા અનરાધારે રડી પડે છે. ’

‘કાંઇક કરો, છોકરાની ભૂખ નથી ઝિલાતી.’ ચારણ્ય વીનવે છે.’ માતાજીનું નામ લઇને આવતી કાલે નાગનાથ મહાદેવના મંદિરે જાઓ- શ્રાવણનો સોમવાર છે એટલે રાજકુંડળ, ઠાકોરો, ગિરાસદારો મંદિર દર્શને આવશે. કવિતાનો કસબ છે. ચારણનું ખોળિયું છે. માતાજી મહેર કરશે તો કાં’ક મળશે.’ ચારણ્યએ ભાંગી પડતા પતિને બેઠો કર્યો.

વહેલી સવારે સ્નાન, ઘ્યાન કરીને સેંજા નાંધુએ જામનગરના નાગનાથ મહાદેવના મંદિર પાસે આસન વાળ્યું. શિવદર્શને આવતા ઠાકોરો, ગિરાસદારો, ભાયાતોની પ્રશસ્તિ કરી. ગઢવીના ખડિયામાં પાંચ, પચ્ચીસ, પચ્ચાસ કોરીઓ ઠલવાતી રહી. બપોર થતામાં ત્રણસો કોરીઓ થઇ ગઇ.

કવિ કૂમળાઇ ગયો. આટલી રકમમાંથી અરધા વરસનો સુખીપો રળાઇ ગયો- બાળકો નવા કપડે, નવી વાનગીઓ આરોગતાં, જામનગરની બજારમાં મહાલે છે, જાણે. ખાલી પડેલા ફળીમાં વળી પાછું ભેંશોનું દુઝાણું આવી ગયું. છાશની ગોળી ઘૂમે છે. આંગણે મહેમાનોની ધક બોલે છે. સેંજા નાંધુ ઢોલિયા પર સુખાસનમાં બેસીને હોકો ગગડાવે છે.

‘દેવી પુતર!’ ત્રણસો કારીઓ ભરેલો ખડિયો સેંજાએ ખભે મૂક્યો કે કાન પાસે કરગરાટ સંભળાયો. ‘બહુ સંકટમાં છું ગઢવી? દીકરીનું કન્યાદાન કરવું છે પણ ઘરમાં મુઠ્ઠી જુવાર પણ નથી.’

કપાળમાં ત્રિપૂંડ અને ચહેરા પર વિદૂતાનાં તેજ ચમકાવતો એક વિપ્ર, ગઢવીના ભર્યા ખડિયા સામે મીટ માંડીને આડો ઊભો છે. ‘દેવીપુત્ર! વિદ્વાન છું એથી માગતા નથી આવડતું, પણ આ ટેકની કદર કરીને સંકટ ભાંગે એવા કોઇ દાતારની શોધમાં ભટકું છું. મારું નામ મૂળશંકર. જામનગરમાં રહું છું.

‘ભૂદેવ! હવે વધારે કરગરશો નહીં.’ કહીને સેંજા ગઢવીએ ખડિયો હાથમાં લીધો. ‘તમારો છેડો પહોળો કરો.’ અને પહોળા થયેલા મૂળશંકરના છેડામાં સેંજા નાંધુએ પોતાના તમામ સપનાં ઠાલવી દીધાં!

આશીર્વાદના સુવાસી પૂંભડાં કાનમાં ધરીને સેંજો ગઢવી ખાલી હાથે ઘેર આવ્યો. ઘરની વરવી વાસ્તવિકતાએ ગઢવીની ધીરતાને ચાર ગોથાં ખવડાવી દીધાં. ‘બાપુ આવ્યા!’ કહીને આશાભર્યા છોકરાં દોડ્યાં. ધણિયાણી ઉંબરમાં ઊભી રહી ગઇ. ગઢવીએ પાણી પીને ખાલી ખડિયો ખીંટીએ ટાંગ્યો. ચતુર સ્ત્રી બધુ સમજી ગઇ. ‘કાંઇ ન મળ્યું ને?’ ધીમે સાદે પત્ની બોલી.

‘મળ્યું હતું ઘણું, ચારણ્ય!’ પતિ બોલ્યો : ‘પણ મેં આપણા જામનગરના એક ભૂદેવને આપી દીધું.’ વિસ્મયભરી નજરે પત્નીએ પતિને તાક્યો. પતિએ ચોખવટ કરી ‘બચ્ચારા જીવને કન્યાદાન કરવાનું હતું પણ વિદ્વાન, સુપાત્ર વિપ્ર ભિક્ષાવૃત્તિ કરતો નહોતો. ભારે ભીડમાં હતો. મને ત્રણસો કોરી ભેટ મળી હતી. બધી આપી દીધી. પણ.’

‘કેમ અટક્યા?’

‘બરાબર એ જ ટાણે જામનગરના રાજવી જામ સતાજી મહાદેવનાં દર્શને આવ્યા. મેં કરેલા દાનને જોઇ ગયા. હું થડકો ભરીને ઝટ આવતો રહ્યો.’

‘ભલે આપ્યું.’ બાઇ સમતાથી બોલી. ‘આપણે તો ભૂખ ભેગી ભૂખ. પણ જામબાપુ કાંઇ બોલ્યા?’

‘નથી બોલ્યા. પણ હવે બોલશે. સંકટ થાશે. જામનગરમાં જામ સતાજી જેવો રાજવી ગાદીએ હોય, હાજર પણ હોય એવા ટાણે મારા જેવા સાધારણ ચારણથી દાન થાય? મને લાગે છે કે જામથી આ સહન નહીં થાય.’

‘જેવી જોગમાયાની મરજી!’ બાઇએ આશ્વાસન ઉચ્ચાર્યું અને એ જ વેળા જામ સતાજીનો પસાયતો, સેંજા નાંધુના આંગણામાં આવ્યો ‘તમને ગઢવી! જામ સતાજી અત્યારે ને અત્યારે કચેરીમાં બોલાવે છે.’

સેંજાને પરસેવો વળી ગયો. ‘હે જોગમાયા, આ તો ધરમ કરતાં ધાડ ઊભી થઇ. યાચકનાં દુ:ખ ભાંગવાનો જામનો અધિકાર મારાથી ઝૂંટવાઇ ગયો છે. જામનગરમાંથી ઉચ્ચાળા ભરવાની વેળા તો નક્કી છે પણ ઇ સિવાય ઘણાં સંકટ ઊતરશે.’

અને ગભરાતો, પીડાતો સેંજા નાંધુ જામની કચેરીમાં હાજર થયો. ઝીણી નજરે જોયું તો જામના ચહેરા પર ક્રોધના ભડકાને બદલે ખીલેલાં ગુલાબ જેવી પ્રસન્નતા દેખાણી.‘આણીપા આવો ગઢવી!’ જામ સતાજી ઊભા થયા અને સેંજા નાંધુના હાથમાં તાંબાના પતરાનો લેખ આપ્યો. ‘લ્યો ગઢવી.’

‘પણ બાપુ!’ ગઢવીનું ગળું થથર્યું.’ ‘આ?’

‘મૂંઝાઇ ગયા દેવી પુતર!’ જામ સતાજી હસ્યા. ‘ જામનગર રાજનું પીપળિયા ગામ અત્યારથી તમારું છે.’

‘મહારાજ! મેં તો આપની કાંઇ સેવા કરી નથી. કવિતા કે પ્રશસ્તિ પણ નથી કરી.’

‘તમે જબરી પ્રશસ્તિ કરી છે ગઢવી!’ જામ સતાજી હરખથી બોલ્યા ‘મારા નગરના એક અકિંચન, વિદ્વાન બ્રાહ્મણની તમે ભીડ ભાંગી. મારે જે કામ કરવું જોઇએ એ કામ તમે કરીને રાજની મોટી સેવા કરી અને સાંભળો ગઢવી, રાજવી તો દાન કરી શકે પણ જેનાં છોકરાં અન્ન વગર ટળવળતાં હોય એવો આદમી પોતાનું સઘળું આપી દે એના જેવી મોટી કવિતા કોઇ ન હોઇ શકે.

મેં મારી સગી આંખે તમારી સખાવત અને માનવતાભરી ઉદારતા જોઇ છે ગઢવી! તમારી જેવા પરગજુ કવિઓ અમારા રાજની અને નગરની શોભા છે. તમે પીપળિયા ગામનો ભોગવટો કરો અને પ્રજાની સેવા કરો. અને પળપૂર્વે ડાળપાન વગરના ઝાડ જેવો નભરમો ચારણ સેંજા નાંધુ, ઘર તરફ પાળો વળ્યો ત્યારે કાળદુકાળને ભાંગીને ભૂક્કા કરે એવો ગામધણી થઇ ગયો હતો.

બપોરી સૂરજે ગરીબ, અમીરની એ ઉદારતા નજરે જોઇ. ભૂખ્યાં છોકરાને ખવડાવવા માટે મળેલી સંપતિ પળનાય વિલંબ વગર બીજાને આપી દેતો કવિ સેંજા નાંધુ અને પળને પારખીને રાજવીપણાને શોભાવતી જામ સતાજીની મોટપ ભરી ઉદારતા!

toranનોંધ - હવે રાજ, રાજવી નથી પણ પણ જામનગર જિલ્લાનું પીપળિયા ગામ આજે પણ સેંજા ગઢવીની અટક નાંધુની હાંસડી પહેરીને નાંધુ પીપળિયા કહેવાય છે

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: