Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 16th, 2010, 2:09 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarશરીરને ફોસલાવવાની કળા

Amrit Sadhna

શરીર સાથેની લડત હિંસક અને કદરૂપી છે. શરીર સાથે કોઈ પણ પ્રકારની લડાઈ દુર્ભાવ અને સ્ટ્રેસ પેદા કરે છે. માટે, સ્ટ્રેસ પેદા ન કરો. બહુ શાંતિથી, પ્રેમથી, જેવી રીતે એક પ્રેમી તેની પ્રેમિકા પાસે જાય છે એ રીતે શરીરથી નિકટતા સાધો. શરીર તો કુદરતની સુંદર ભેટ છે. તેની સામે લડવું મતલબ આપણા અસ્તિત્વ સામે લડવું. આવું કરવાને બદલે શરીરની પોતાની જે કુદરતી ઉપચારશક્તિ છે તેને સક્રિય કરવામાં આવે તો ગાઢ વિશ્રામનો અનુભવ થઈ શકે.

manસ્ટ્રેસનો જમાનો છે. આ જમાનામાં ભાગ્યે જ એવો કોઈ માણસ હશે જેને શરીર કે હૃદયમાં કોઈ તકલીફ નહીં હોય. સૌને એવું લાગે છે કે આમ તો બધું બરાબર છે, છતાં કંઈક લોચો છે. કશુંક ખૂટે છે. શું ખૂટે છે? ખૂટે છે સ્વાસ્થ્ય એટલે કે મન અને શરીર વચ્ચે સૂરીલો તાલમેળ.

મનોવિજ્ઞાનીઓ કહે છે કે મગજના જે ભાગમાં આપણે બુદ્ધિના સ્તરે વાતોને સમજીએ છીએ એ ભાગ તો એકદમ પાતળા પડ જેવો છે. એ તો મનનો માંડ દસમો ભાગ છે. એ સિવાયનું જે અવચેતન મન છે, જેના વિશે આપણને કશી જ ખબર નથી, એ આપણા જીવનનો અસલી ડ્રાઈવર છે. એ અવચેતન મનની પ્રચંડ શક્તિને ઘ્યાનમાં રાખીને ઓશોએ તિબેટની એક ઘ્યાનપદ્ધતિને પુનર્જીવિત કરી છે.

આ ઘ્યાન તન-મનની નાનીમોટી બીમારીઓનો ઇલાજ કરે છે અને એ પણ એટલી નજાકતથી કે ઘ્યાનીને તો પોતે ક્યારે સ્વસ્થ થઈ ગયો તેની તેને ખબર પણ ન પડે. ઓશોએ આ વિધિને દિલચસ્પ નામ આપ્યું છે: ‘ખુદનાં શરીર અને મન સાથે વાત કરવાની વિસરાયેલી ભાષા’.

આપણા જીવનમાં એટલો ઘોંઘાટ છે કે આપણને શરીરના સૂક્ષ્મ સંદેશા સંભળાતા નથી. જ્યાં સુધી કેન્સર કે હૃદયરોગ જેવો મોટો ધમાકો ન થાય ત્યાં સુધી આપણને શરીરની વાત નથી સંભળાતી. આ ઘ્યાનપ્રક્રિયા આપણને શરીરની વાત સાંભળવાની ‘-વણશક્તિ’ આપે છે. આ પદ્ધતિ આપણને એક એવી ભાષાની યાદ અપાવે છે, જે આપણે ભૂલી ગયા છીએ. આ પ્રાચીન તિબેટી પદ્ધતિ શરીર સાથે વાત કરવાનું, શરીરની વાતો સાંભળવાનું શીખવે છે.

શરીર અને મન અલગ જણસ નથી. બન્ને એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. શરીરની અસર મન પર પડે છે અને મનની શરીર પર. એક વાર શરીર સાથે સંવાદ શરૂ થઈ જાય પછી જીવન એકદમ સહજ થઈ જાય છે. તમને સૌથી મહત્વની એવી એક વાત સમજાઈ જાય કે શરીર પર બળજબરી ન થઈ શકે, બહુ બહુ તો તેને ફોસલાવી શકાય.

શરીર સાથેની લડત હિંસક અને કદરૂપી છે. શરીર સાથે કોઈ પણ પ્રકારની લડાઈ દુર્ભાવ અને સ્ટ્રેસ પેદા કરે છે. માટે, સ્ટ્રેસ પેદા ન કરો. બહુ શાંતિથી, પ્રેમથી, જેવી રીતે એક પ્રેમી તેની પ્રેમિકા પાસે જાય છે એ રીતે શરીરથી નિકટતા સાધો. શરીર તો કુદરતની સુંદર ભેટ છે. તેની સામે લડવું મતલબ આપણા અસ્તિત્વ સામે લડવું. આવું કરવાને બદલે શરીરની પોતાની જે કુદરતી ઉપચારશક્તિ છે તેને સક્રિય કરવામાં આવે તો ગાઢ વિશ્રામનો અનુભવ થઈ શકે.

ઘ્યાન આ રીતે કરવું. કોઈ શાંત સ્થળે લંબાવી દો. ગાદલું-ઓશિકું હોય તો વધુ સારું. કોઈ મૃદુ સંગીત વગાડો. ઓશો ઇન્ટરનેશનલનું હિપ્નોટિક મ્યુઝિકનું આલબમ પણ વગાડી શકો. પોતાની જાતને થોડો સમય આપો. એ વાતે સભાન બનો કે જ્યાં શરીર છે ત્યાં જ જીવન છે.

આંખો બંધ કરી દો. શરીરને ઢીલું કરવાનું શરૂ કરો. બહારની દુનિયાની કામકાજ-ચિંતાઓને પડતાં મૂકીને ફક્ત અને ફક્ત શરીર પર ઘ્યાન આપો. પછી સ્નાયુઓ, હાડકાં અને ઇવન હૃદયમાં જ્યાં ક્યાંય સ્ટ્રેસ અનુભવાય તેનાથી છૂટતા જાવ, કારણ કે એ સ્ટ્રેસ બિનજરૂરી છે. એ બધી તંગદિલીની આ ઘડીએ તમારે કોઈ જરૂર નથી.

હવે તમારી અંદરથી એક અવાજ ઊઠવા દો, ‘હા’નો અવાજ. ‘હા’, ‘હા’, ‘હા’... પ્રત્યેક ‘હા’ સાથે તમારું રિલેક્સેશન વધુ ગાઢ બનતું જશે. આ સ્વીકારભાવ સાથે તમારા શરીર સાથે વાત કરવાનું શરૂ કરો. શરીરને કહો: ‘હું તારી નિકટ આવવા માગું છું.

તારી સાથે દોસ્તી કરવા માગું છું. હું ક્યારેય એ ન સમજ્યો કે તું આટલા લાંબા સમયથી મારું ઘ્યાન રાખે છે છતાં મેં ક્યારેય તારો આભાર નથી માન્યો.’ પછી શરીરને પૂછો: ‘દોસ્ત, શું એવું કંઈ છે હું તારા માટે કરી શકું? પહેલા કરતાં વધુ સારી રીતે કરી શકું?’

હવે શરીર તમને જે જે અંગ પાસે બોલાવે ત્યાં જાઓ, તેનો આભાર માનો. શરીર સાથેના આ પ્રેમાળ વાર્તાલાપથી કેવી ગાઢ શાંતિનો અનુભવ થઈ શકે છે એ તો અનુભવવાની વાત છે. શરીરમાં જાણે સ્વાસ્થ્યનું ઝરણું ફૂટી નીકળ્યું હોય એવી લાગણી થશે.

વિધિ શરૂ કરતાં પહેલાં ખાસ ઘ્યાન રાખો

- પીડા કે શારીરિક બેચેનીના અવારનવાર જોવાં મળતાં લક્ષણો કોઈ ગંભીર બીમારીનું પ્રતીક હોઈ શકે. તમને આવું કંઈ જો થતું હોય તો ડોક્ટર પાસે તપાસ કરાવી લો.- તમારી બીમારી કે દર્દ સાથે સીધી વાત ન કરો. કારણ કે કોઈ પણ બીમારી તમારા ‘ઘર’નો આંતરિક હિસ્સો નથી. એ તો મહેમાન છે, મતબલ કે બાહ્ય પરિબળ છે. તમે બીમારી કે પીડા સાથે વાત કરવાને બદલે ખુદનાં જ મન-શરીર-અંગ સાથે વાત કરો અને પછી બીમારી દૂર થયા બાદ તેનો આભાર માનો કે તેણે બીમારીને જવા દીધી.

આ વિધિ દ્વારા વજન ઘટાડવા કે માઇગ્રેન મટાડવા ઓશોએ કરેલાં કેટલાંક સૂચન:

વજન ઘટાડો: પહેલા મનને કહો કે શરીરને હું એક સંદેશો આપી રહ્યો છું. પછી શરીરને કહો કે ‘દોસ્ત, પાંચ કિલો વજન ઘટે તો બહુ સારું પડે.’ આખી વાતમાં ભોજનને વચ્ચે લાવશો જ નહીં. ફક્ત શરીરને જ કહો કે પાંચ કિલો ઘટાડવાથી કામ ચાલી જશે. અને એટલું ઘટે પછી ત્યાં જ રહેજે. પછી વધઘટની જરૂર નથી.

માઈગ્રેન: શરીર સાથે બે રીતે વાત કરો. પહેલા આખા શરીર સાથે વાત કરો. એને કહો કે માથાનો આ દુખાવો દૂર કરવા તમારે એની મદદ જોઈએ છે. શરીરને સમજાવો કે પીડા કુદરતી નથી, એને ઊંચકીને ફરવાની જરૂર નથી. પછી મનને જ સીધું કહો: ‘હું તને પ્રેમ કરું છું. આ પીડા તારો સ્વભાવ નથી. હવે એ સમય આવી પહોંચ્યો છે કે તારે આ પીડાને વિદાય આપવી રહી.’ પીડા દૂર થયા પછી મનને કહો કે હવે એને ફરી ન આવવા દઈશ.

એક કલાકનું ઘ્યાન, ત્રણ પગલાં

૧. તમે તમારા શરીરનાં વિવિધ અંગો સાથે વાત કરશો. ૨. પછી તમે સમગ્ર શરીરને એક એકમ ગણીને તેની સાથે વાત કરશો. એકદમ ધીમા સાદે, પૂરી જાગૃતિ અને સતર્કતા સાથે વાત કરવી. ૩. ત્રીજા તબક્કામાં તમે અવચેતન મન સાથે વાત કરશો. તમે એને શરીરની સમસ્યા વિશે પણ જણાવશો. શક્ય છે કે તમને કોઈ બીમારી હોય કે નાનીમોટી સમસ્યા હોય અથવા તો બીજી બધી રીતે સ્વસ્થ હોવા છતાં તમને વધુ સ્ફૂર્તિ અને ઉત્સાહની જરૂર હોય.

ગાઢ વિશ્રામની અવસ્થામાં અવચેતન મન સાથે તમારો સંપર્ક થશે. આ એ જ અવચેતન મન છે, જેને લીધે તમારું શરીર અત્યારે જેવું છે તેવું છે. માનો કે કોઈનું વજન વધી રહ્યું છે. એ માટે અવચેતન મનનો એક હિસ્સો જવાબદાર છે. એ તમારો દુશ્મન નથી. એ તમારો હિતેચ્છુ જ છે.

એટલે, એની સાથે વાત કરશો તો એ જ તમને એવા રસ્તા સૂચવશે જેની મદદથી તમે ફરી ફિટ એન્ડ સ્લિમ, ચુસ્ત-દુરસ્ત બની શકો. આ વિધિ દ્વારા તમારાં પોતાના દેહ-મનની રચના વિશે તમારી અંદર એક સમજણ પેદા થશે.

અહા! જિંદગી મેગેજીન ખરીદવા માટે વાર્ષિક લવાજમ ભરો... વાર્ષિક લવાજમ પેટે રૂ. ૩૫૦નો, DB Corp. Ltd. (Magazine Division)ના નામનો ચેક મોકલવા નીચે આપેલા ફોન નંબરનો સંપર્ક કરો:અમદાવાદ: જય કુમાવત (૯૬૦૧૬૦૨૬૮૯) અશ્વિન સુતરિયા (૯૮૯૮૪૫૦૩૨૧) મુંબઇ : રાજારામ (૯૯૨૦૨૨૨૧૩૧)અથવા નીચે આપેલા સરનામાં પર પત્રવ્યવહાર કરો:મુંખ્ય કાર્યાલય:મુંબઇ: જી-૩-એ, કામનવાલા ચેંબર્સ, ન્યૂ ઉદ્યોગ મંદિર-૨, મુગલ લેન, માહિમ(પ.) મુંબઇ-૧૬, ફોન: ૦૨૨-૩૯૮૮૮૮૪૦, ફેક્સ: ૨૪૪૪૫૪૬૯.ગુજરાત કાર્યાલય: અમદાવાદ: ૪૨-૪૩, સાકાર-૭, નેહરૂ બ્રીજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૬, ફોન: ૦૭૯-૨૬૫૭૯૬૭૭, ૦૭૯-૪૦૦૬૯૧૬૭.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: