દીકરી, મારી દીકરી...
રંજન સરોગેટ મધર છે. તેણે એક એનઆરઆઇ દંપતીને પોતાની કૂખ ભાડે આપી છે. ગર્ભાધાનથી માંડીને છેક ડિલિવરી સુધીનો તમામ ખર્ચ આ એનઆરઆઇ દંપતીએ ભોગવવાનો છે. ડૉક્ટરે સલાહ આપી હતી કે, પીડા ન ભોગવવી હોય તો સિઝરિયન કરાવી નાખો અને આમ પણ ડિલિવરીમાં માતાનો જીવ જોખમમાં મુકાય તેવું હું નથી ઇચ્છતો. પરેશને આ વાત ગળે ઊતરી ગઇ હતી અને બીજું એમ પણ હતું કે, કૂખ ભાડે આપવાની બાબતે રંજનનો પોતાના પ્રત્યે જે રોષ છે તે આમ પીડા ઓછી કરવાની વાતે ઓછો થઇ જશે, પણ પરેશનું આ પાનું ઊંધું પડ્યું હતું.
‘ના... મારે એમ નથી કરવું.’ રંજન એકદમ ચીસ પાડી ઊઠી. તિક્ષ્ણ ચીસ વોર્ડની ચારેય દીવાલો પર અફળાઇને પાછી પડઘાઈ. ઘડીભર સન્નાટો છવાઇ ગયો.
તેનો પતિ પરેશ પલંગ પાસે જ ઊભો હતો, પણ રંજનને આગળ બોલતી અટકાવી શકે તેમ નહોતો. બોલતી બંધ કરવાનું તો એકબાજુ રહ્યું, તે નજર મેળવી શકે તેમ નહોતો.
રંજન માટે પરેશ એક અપરાધી હતો!
‘મારે મારી રીતે જ પ્રસવ થવા દેવો છે. સિઝરિયન નથી કરાવવું.’ રંજન પથારીમાં બેઠી થઇ, બળવો પોકારતી હોય એમ બોલી : ‘કેમ? અમારામાં ગગા જણવાની તાકાત જ નથી રહી તે... ઓપરેશનની જ વાત કરો છો? લાજ-શરમ નથી આવતી, પૈસા પડાવવાના આવા પેંતરા કરતા.’
પરેશનું ચાલ્યું હોત તો તે રંજનના મોં આડે હાથ દઇ દેત, પણ અત્યારે રંજન એક આગની માફક સળગતી હતી. હાથ અડે તો પણ આખું શરીર પગથી માથા સુધી દાઝી જાય તેમ હતું.
રંજનનું રૂપ જ બદલાઇ ગયું હતું. તે એક જવાળાની જેમ ભભૂકી ઊઠી હતી. નવ, નવ માસની પીડા, બળાપો... સાગમટા ભેગા થઇ આજે આમ વિસ્ફોટના માફક ફાટયાં હતાં.
વોર્ડ નર્સ, અવાજ સાંભળીને એકદમ ધસી આવી. તેણે રંજનને કહ્યું : ‘શું છે બહેન, બરાડા કેમ પાડો છો?’
‘જા ને ચાંપલી...તું મને રોકનારી કોણ છે?’ રંજન દાંત ભીંસીને બોલી : ‘તારું દવાખાનું હોય તો, રાખ તારી પાસે.’
પલંગ પરથી ઊભી થતી રંજનને એકદમ રોકી લીધી. નાજુક સ્થિતિ સમજી નર્સ કે વોર્ડના બીજા કોઇ પેશન્ટ રંજન સામે બોલ્યા નહીં, પણ સાનમાં સમજાવી ધીમી પાડી. રંજન થોડી ઢીલી પડી. પરેશે તક ઝડપી લીધી. રંજનના ખભા પર હાથ મૂકવાનો નકામો પ્રયાસ કરતા કહ્યું, ‘ગાંડી! આ તો તને પીડા ન થાય એટલે ડૉક્ટરે આમ કહ્યું અને ખર્ચની કે બિલની ચિંતા આપણે ક્યાં કરવાની છે?’
પરેશનું આમ બોલવું સાંભળી રંજન વધુ અકળાઇ. શરીર આખું તંગ થઇ ગયું. તેનું ચાલ્યું હોત તો પરેશના મોં પર રીતસરની થૂંકી હોત. પછી તિરસ્કારની આગના અંગારા ઓકતી બોલી હોત, ‘પહેલા ખોળે ગગી જણી ત્યારે મારી પીડાની ચિંતા નહોતી થઇ? અને ખર્ચ- બિલની અત્યારે વાત કરે છે!’
રંજનને આમ બોલવું હતું, પણ સમસમી રહી. પરેશ સ્તંભવત્ ઊભો હતો.
રંજન સરોગેટ મધર છે. તેણે એક એનઆરઆઇ દંપતીને પોતાની કૂખ ભાડે આપી છે. ગર્ભાધાનથી માંડીને છેક ડિલિવરી સુધીનો તમામ ખર્ચ આ એનઆરઆઇ દંપતીએ ભોગવવાનો છે. ડૉક્ટરે સલાહ આપી હતી કે, પીડા ન ભોગવવી હોય તો સિઝરિયન કરાવી નાખો અને આમ પણ ડિલિવરીમાં માતાનો જીવ જોખમમાં મુકાય તેવું હું નથી ઇચ્છતો.
પરેશને આ વાત ગળે ઊતરી ગઇ હતી અને બીજું એમ પણ હતું કે, કૂખ ભાડે આપવાની બાબતે રંજનનો પોતાના પ્રત્યે જે રોષ છે તે આમ પીડા ઓછી કરવાની વાતે ઓછો થઇ જશે, પણ પરેશનું આ પાનું ઊંધું પડ્યું હતું.
વળી પરદેશી દંપતીનો પણ આગ્રહ એવો હતો કે બાળક આમ ઓપરેશન કરી ઉપરથી લઇ લે!
કુદરતી પ્રસવમાં દિવસોનું આઘું-પાછું થાય. બુકિંગ કરાવ્યું હોય તેમાં લોચા પડે. તેથી સારું ચોઘડિયું જોઇ સિઝરિયન કરી નાખે!
પણ રંજનને આ એક પણ વાત મંજૂર નહોતી. તેને કુદરતી રીતે પ્રસવ થાય તેમ થવા દેવો હતો. તેની પ્રસવની સઘળી પીડા ભોગવવાની તૈયારી હતી. એક વખત જીવ ચાલ્યો જાય તો ભલે...
‘માતૃત્વ ધારણ કરવા મારું અસ્તિત્વ ચાલ્યું જાય તો પણ મને વાંધો નથી.’ આમ રંજને મનમાં ગાંઠ વાળી લીધી હતી.
રંજન સાવ બદલાઇ ગઇ હતી. જેમ જેમ પ્રસવના દિવસો નજીક આવવા લાગ્યા હતા તેમ તેની માનસિક સ્થિતિમાં ફેર પડવા લાગ્યો હતો. તે કલ્પિત સવાલો સર્જીને અકળાતી હતી.
રંજનનો પ્રશ્ન સાવ જુદો હતો. સરોગસીનો કોન્ટ્રાક્ટ સ્વીકાર્યો હતો. પરપુરુષના સ્પર્મને સ્ત્રીબીજ સાથે ફર્ટિલાઇઝ કરી તેમનો ગર્ભ, રંજનના ગર્ભાશયમાં સ્થાપિત થયો હતો. પોતે માત્ર ફિઝિકલ મધર હતી. બાયોલોજિકલ માતા-પિતા તો બીજા કોઇ હતાં.
રંજનનો સીધો જ સવાલ હતો : ‘ગમે તે હોય... સ્ત્રીને શું ફેર પડે છે? તેનાં પેટમાં ગર્ભ જે રીતે વિકસે, ઉછરે તે સરખો જ હોય છે!’ આ સવાલનો જવાબ ક્યાંય જડતો નહોતો અને પોતે એકલી અકળાયા કરતી હતી. ક્યારેક હીનભાવ પણ અનુભવતી. થતું કે, મેં આ શું કર્યું? અને સૌથી વધારે પીડા તો જન્મ આપી બાળકને આપી દેવું તે છે.
ડૉક્ટરે ડિલિવરીની તારીખ આપી હતી. તે તારીખ જેમ નજીક આવતી જતી હતી તેમ રંજનનાં વાણી, વર્તન અને વ્યવહારમાં ન કળી શકાય તેવો બદલાવ આવ્યો હતો. સિઝરિયન ન કરવા દેવાના મૂળમાં એક બીજી વાત પણ છુપાયેલી હતી. જેટલા દિવસ પ્રસૂતિ મોડી થાય તેટલો સમય છોકરું સાથે તો રહે!
ક્યારેક તો રંજન પોતાના ઊપસેલા પેટ પર હાથ ફેરવતી, વહાલ કરતી અને ઝીણા ઝીણા સ્વરમાં હાલરડાં પણ ગાતી. પછી પેટ પાસે મોં લઇ જઇ કહેતી, ‘સાંભળી લે, પેટ ભરીને હાલરડાં સાંભળી લે. પછી પરદેશમાં કોણ તને સંભળાવશે!
આમ જુઓ તો રંજનની સઘળી પીડાનું આ એપીસેન્ટર હતું. વળી, એક બીજું તત્વ પણ જાણે-અજાણે તન-મન પર કબજો જમાવતું હતું. આ છેલ્લા દિવસોમાં એનઆરઆઇ નીતિનભાઇ રંજનની સેવામાં ખડે પગે ઊભા રહ્યા છે.
પોતાની લક્ઝુરિયસ કારમાં બેસાડી રંજનને દવાખાને લઇ જવી. ક્યાંક હાથનો ટેકો દેવો. ક્ષણેક્ષણની સંભાળ રાખવી. નાજુક દિવસોમાં આ સઘળું રંજનના હૃદયના એક ખાનામાં જમા થવા લાગ્યું હતું. ક્યારેક તો એમ બોલાઇ જતું, ‘તમે... સાંભળ્યું...’ સહજ ઉચ્ચારણમાં એક ભાવ હતો. પોતાના પેટમાં ઊછરતા બાળક પ્રત્યેનું મમત્વ આમ પડઘાઇ ઊઠતું હતું. અંતે તો સ્પર્મ નીતિનભાઇના હતા!
પરેશ પાસે સારસંભાળ કરવાનો સમય નહોતો. એને એમ પણ હશે કે, આમા મારું શું છે તે...
રંજન કહે પરેશ, તારું શું છે... એમ કહે તો મારે પણ કહેવું પડે કે તો પછી મારે પણ શું છે? તેં એક સાધન સમજી મારો માત્ર ઉપયોગ જ કર્યો છે. પૈસાની તો કોને જરૂર નથી હોતી? શરીરનાં અંગ વેચી નાખવાં હતાં ને? મારું માતૃત્વ શું કરવા વેચ્યું? અત્યારે મને શું શું થાય છે તે તું જાણે છે?
- - - - -
હોસ્પિટલમાં જ રંજનને કુદરતી ડિલિવરી થઇ. બાળક હેલ્ધી હતું એટલે થોડી મુશ્કેલી થઇ. શરીરે ટાંકા લેવા પડ્યા, પણ તેનો વાંધો નહોતો.
જે દિવસનો રંજનને ડર હતો તે દિવસ સામે આવીને ઊભો રહ્યો હતો. બસ હવે તો ગણતરીની મિનિટોમાં પોતાના શરીરનું એક અંગ કાયમના માટે અળગું થઇ જશે. જેને મેં મારા જીવના જોખમે ઉછેરીને અવતાર્યું છે.
આ વિચારમાત્ર રંજનને હલબલાવી નાખતો હતો. પથારીમાં લાંબા થઇ રંજને દીકરીને નજીક ખેંચી, છાતી સરખી ચાંપી. પછી હળવેકથી થાનની બુટ્ટી મોંમાં મૂકી. લસ્...લસ્... અવાજે રંજન ભાવવિભોર થઇ ગઇ. તેણે બાળકી પર હળવેકથી હાથ મૂક્યો. પછી સ્વગત્ બોલી, ‘પેટ ભરીને ધાવી લે મારા પેટ. પછી તો તને...’ તે આગળ બોલી શકી નહીં. ગળામાં ડૂમો ભરાઇ ગયો હતો. આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
અનાયાસે જ રંજનનો હાથ બાળકી પરથી નીચે પ્રસરી ગયો. બાળોતિયું કોરું હતું તેથી મનને નિરાંત થઇ.
‘આ તારા લાગણીવેડા છે, રંજન!’ અંદરથી ઉદ્ભવેલા સવાલોનો પોતે જ જવાબ આપતી હતી, ‘જનેતાની વાતને તમે લાગણીવેડા કહો છો? મા બનવું પડે આ બધું સમજવા.’
‘તું મા બની, ખબર છે અમને!’
‘અરે! આમ કહી કોણ અટ્ટહાસ્ય કરી રહ્યું છે? કોણ મારા માતૃત્વ વિશે આવું, વ્યંગસભર બોલી રહ્યું છે!’ આનો જવાબ જડવો રંજન માટે મુશ્કેલ હતો. છતાંય સ્વગત બોલી, ‘હું જનેતા છું. આ બાળક મારી કૂખમાં પાક્યું છે. તેની નસેનસમાં મારું લોહી વહે છે.’
‘તું માત્ર ફિઝિકલ માતા છો. બાયોલોજિકલ તો કોઇ બીજી.’
‘હવે જાવ, જાવ. આવા ભેદ પાડો છો તે શરમ નથી આવતી?’ કોઇ સામે આવીને કહે તો રંજન મોં પર ચોપડાવી દે, ‘આપણી મા વિશે પૂછ્યું છે? હું તારો દીકરો સાચો પણ ફિઝિકલ કે પછી બાયોલોજિકલ?’
કોણ જવાબ આપે? રંજનનો આક્રોશ સર્વ માટે સમાન થઇને ઊભો રહ્યો હતો. જાણે બધું જ બધાને લાગુ પડતું હોય!
‘મેં મારું પંડ્ય ફાડીને જન્મી છે!’ દીકરીને સહેજ પોતાની છાતી બાજુ સંકોરીને રંજન આંખો બંધ કરી ગઇ. તેના મનમાં એક બીજી પણ ધાસ્તી બેસી ગઇ હતી. આ પરદેશનું પાણી પી ગયેલા માણસોનો ભરોસો શું? જેમ રૂપિયા આપી પોતાના પાસે આમ કરાવ્યું, તેમ પૈસા આપી બીજા પાસે ઉછેર પણ કરાવશે. લ્યો, આ રૂપિયા અમને પાંચ વર્ષ મોટી કરીને આપો!
‘એ તમારે જે કરવું હોય એ કરો, પણ રૂપિયાથી લાગણી અને પ્રેમ નહીં ખરીદી શકાય.’ રંજનની કળકળતી આંતરડીનો આ આખરી આર્તનાદ હતો.
‘રંજન!’ બહારથી કશોક અવાજ આવ્યો. રંજન થથરી ગઇ. તેને આ ક્ષણો જેટલી લંબાય તેટલી લંબાવવી હતી. તે એકદમ આંખો બંધ કરી, ઊંઘી ગઇ હોય તેવો ડોળ કરવા લાગી.
રંજન સવારે વહેલી ઊઠી ગઇ હતી. આમ તો તે રાતે સૂતી જ નહોતી. દીકરીના લીધે નીંદર જ વેરણ થઇ ગઈ હતી. આંખ બંધ કરે, ઝોકું આવે અને તરત જ આંખો ઊઘડી જાય. થાય કે, દીકરી રડે છે. બાળોતિયું ભીનું કર્યું છે. તરત જ હાથ ફેરવે. ઝડપથી ઊભી થાય. બાળોતિયું બદલે ને છાતીએ વળગાડે. થાય કે એક જ અંગ છે. પહેલા પેટમાં હતી હવે છાતીએ છે.
ફરી વખત અવાજ કાને અફળાયો, ‘રંજન!’ પરેશનો અવાજ હતો. તે કહેતો હતો, ‘હમણાં એ લોકો આવીને ઊભા રહેશે અને તું હજુ તો.’
ઘડીભર સાંભળ્યું-અણસાંભળ્યું કરી રંજને આંખો ખોલી. સહેજ ઊંચે જોયું તો મોટી દીકરી વિશાખા સ્કૂલે જવા તૈયાર થઇ રહી હતી અને પરેશ કબાટ ખોલીને તેમાં કશુંક શોધતો હતો.
રંજન બેઠી થઇ. માથાના વાળને સરખા કરતા તે આંખો સહેજ ઝીણી કરીને જોવા લાગી. આ લોકોએ, બાપ-દીકરી બેઉએ મારી બાદબાકી જ કરી નાખી છે. કશું જ પૂછતા નથી. ખપ પૂરતું જ બોલે છે. કૂખની સાથે પોતાને જ સમૂળગી ભાડે આપી પરાયી કરી દીધી છે.
દંપતી કહે તેમ જ કરવાનું હતું ને? જાણે મને એક માતા કે સ્ત્રી તરીકે કંઇ જ ખબર પડતી ન હોય! એક વેળા તો રંજનના મોંએ આવી ગયું હતું, ‘તું મને શું સલાહ આપતી હતી? તને ઓધાન રહ્યું છે? ઊબકા આવ્યા છે? ખાટું ખાવાનું તને મન થયું છે? હીયળ ખમી છે? નવ-નવ માસ પેટને ઊચક્યું છે. તું કયા મોંએ સલાહ આપે છે... વાંઝણી!’
પણ સંયમ રાખવા સિવાય રંજન પાસે કોઇ વિકલ્પ નહોતો. દીકરીને સરખી કરી, રંજને ઊભાં થવાનો પ્રયાસ કર્યો. અત્યારે છેલ્લી ક્ષણોમાં દીકરીને સંભાળે કે પછી... કશું જ નક્કી થતું નહોતું. મનની સ્થિતિ હાલકડોલક થવા લાગી હતી. તેણે અરીસા સામે ઊભા રહી માથું ઓળી રહેલા પરેશ સામે ત્રાહિત નજરે જોયું, ગુસ્સો ચઢ્યો.
હાથમાં જે આવે તેનો છુટ્ટો ઘા કરી અરીસા તોડી નાખવાનું મન થયું. અરીસો તૂટ્યા પછી કહે લ્યે, લેતો જા. તારું મોં જોયા જેવું ક્યાં છે! તું... તું... અરીસાને પણ મોં બતાવવા લાયક નથી. તેં મારી કૂખ શું, મને જ ભાડે આપી દીધી હોત તો...
પરેશને ખ્યાલ જ નહોતો, રંજનના આ આક્રોશનો. તે તેની દુનિયામાં મસ્ત હતો. આજે રૂપિયા મળવાના હતા. પછી પોતાના આયોજન મુજબ જીવવાનો હતો. એક અલગ વિશ્વ ઊભું કરવાનો હતો.
આ વાતની જ્યારે સગાંસંબંધીઓને ખબર પડી ત્યારે સૌ પરેશને રીતસરના ફિટકારવા લાગ્યા હતા. ‘અમે ભૂખ્યાં રહ્યાં છીએ પણ જાતને ક્યાંય આડે ધરી નથી. તેં પૈસા માટે..’
પણ આ સઘળું જ પરેશ માટે ગૌણ હતું. તેણે ભણ્યા પછી ભારોભાર સંતાપ અનુભવ્યો હતો. રૂપિયા વગર જે હાલાકી અનુભવતો હતો, તે તેનું જ મન જાણતું હતું.
પરેશ સામે જોઇને રંજન પથારીમાંથી ઊભી થઇ. કપડાં સરખાં કર્યાં પછી કશા કારણ વગર થોડીવાર ઊભી રહી. શું કરવું. તે કશું તેને સૂઝતું નહોતું. એક વિચિત્ર હલચલ તેના તનમનને હલબલાવી રહી હતી. સ્નાનાદિથી પરવારી રંજન ફ્રેશ થઇ. કપડાં બદલાવ્યાં. અરીસા સામે ઊભી રહી. કપાળે ચાંદલો કરવાનું કે સેંથામાં સિંદૂર પૂરવાનું મન ન થયું.
‘કેમ છો, રંજનબહેન!’
રંજને દરવાજા તરફ જોયું તો નીતિનભાઇ અને તેમનાં પત્ની અંદર પ્રવેશી રહ્યાં હતાં.
જે ક્ષણ, જે ઘડીનો ડર હતો તે યમદૂતની માફક સામે આવીને ઊભી રહી હતી. રંજનના પેટમાં ધ્રાસ્કો પડ્યો. તે આખીય ઝંઝેડાઇ ગઇ.
‘આવો...આવો... નીતિનભાઇ વેલકમ.’ પરેશે ઉમળકાથી આવકારતા કહ્યું, ‘અમે તમારી જ રાહ જોઇએ છીએ!’
‘રંજનબહેન મઝામાં ને?’
રંજન રડવા જેવું હસી. મોં પર માંદલું સ્મિત ઊગે એ પહેલાં જ આથમી ગયું. તે સમસમીને ઊભી રહી. રંજને એકદમ પલંગમાં સૂતેલી દીકરીને નજર વડે વહાલ કર્યું. પછી ત્રાટક રચતી હોય એમ દીકરી ફરતે નજરનું કુંડાળું દોર્યું. તે કુંડાળામાં કોઇ પ્રવેશે નહીં તેવી તકેદારી રાખી. પણ સઘળું જ તકલાદી નીવડ્યું. કોઇ તકેદારી આડે ન આવી. પેલી સ્ત્રી પલંગના પરિઘમાં પ્રવેશી ચૂકી હતી.
રંજને પળાર્ધમાં પરિસ્થિતિને પામી લીધી. પછી વિના વિલંબે છલાંગ મારી. આડફળું બાંઘ્યું અને પેલી સ્ત્રી હજુ હાથ લંબાવે તે પહેલાં જ દીકરીને લાંબા હાથ કરી ઊચકી લીધી. પછી રંજન પલંગ પાસે જ નીચે બેસી ગઇ. છાતી પરનું કપડું ઊંચું કરી દીકરીને છાતીએ વળગાડી. ને સાડીનો છેડો માથે ઢાંકી દીધો.
પેલી સ્ત્રી તો મોં વકાસીને જોતી જ રહી. આ બાજુ પરેશ અને નીતિનભાઇ સામાન્ય વાતચીત કરીને મૂળ મુદ્દા પર આવી ગયા હતા. પરેશને પણ બીજી કોઇ વાતમાં રસ નહોતો. સામે નીતિનભાઇને પણ ઉતાવળ હતી. તેમણે બેગ ખોલીને રૂપિયાની થોકડીઓ બહાર કાઢી. પછી પરેશ સામે હાથ લંબાવીને કહ્યું : ‘ગણી લ્યો!’
‘એમાં શું ગણવાના!’ આમ કહી પરેશે રૂપિયાની થોકડીઓ એકદમ લઇ લીધી.
બારસાખ પાસે, બારણાને આડસ કરી ઊભેલી દીકરી આ સઘળું જોઇ રહી હતી. નીતિનભાઇ ઊભા થયા. બે ડગલાં ચાલીને તેમણે તેમની પત્ની સામે જોયું. પત્નીએ આંખના ઇશારા વડે કહ્યું, ‘પેટ ભરાવે છે.’
સમય થંભી ગયો હતો. એક એક ક્ષણ લાંબી લાગતી હતી, પણ રંજન તો શાંતિથી દીકરીને પેટ ભરાવતી હતી. ધીરજ ખૂટી. પેલી સ્ત્રીએ કહ્યું , ‘બહેન! હવે અમારે મોડું થશે.’
આ વાતમાં સૂર પુરાવતો હોય એમ પરેશ પણ બોલ્યો : ‘હા, તેમને પછી.’ આમ બોલવાની રંજનને જાણે કશી જ અસર ન થઇ હોય તેમ. એમ જ બેઠી રહી.
વળી ક્ષણોનો સરવાળો થવા લાગ્યો.
‘આ લોકોને મોડું થાય છે!’ ‘હા, મને ખબર છે મોડું થાય તેની.’ રંજને પરેશને વડચકું ભરી લીધું. નવું કપડું ચીરાતું હોય તેવો ચર્ર્ર્... ચીરો વાતાવરણમાં પ્રસરી ગયો. પરેશ ડઘાઇ ગયો. તેને થયું કે આ રંજન નથી બોલતી.
સમયને પારખી પરેશ રંજનની બાજુમાં નીચે બેસી ગયો. પછી મારી દીકી...મારી દીકી... કહેતા તેણે રંજનના ખોળામાં હાથ નાખ્યો. રંજન પોતાની દીકરીને છાતીએ દબાવી એકદમ ઊભી થઇ ગઇ અને છંછેડાયેલી માતાની જેમ નસકોરાં ફુલાવતી તે પરેશને તાકી રહી.
પરેશે ક્યારેય દીકરી સામે જોયું નહોતું. હાથ પણ દીધો નહોતો. તેને માટે મા-દીકરી પરાઇ હોઇ એવું લાગતું હતું.
આ ક્ષણ અને રંજનની આ ક્રિયા પરેશ માટે પડકારરૂપ હતી. તેણે થોડો ક્રોધ દાખવી ડરામણી આંખો કરી રંજનને વીંધી. સામે રંજન પણ એમ જ હતી.
‘હશે પરેશભાઇ!’ સ્થિતિ જોઇ નીતિનભાઇએ કહ્યું, ‘માનો જીવ છે.’
ઉંવા...ઉવા... અવાજ પ્રસરી ગયો. ‘ડાહી દીકરી રડે નહીં.’ કહેતા તેણે દીકરીને નીતિનભાઇની પત્નીના હાથમાં આપી દીધી અને પછી સાનમાં કહ્યું, ‘નીકળી જાવ.’
રંજને હાથ લંબાવ્યા, પણ હાથ ટૂંકા પડવા લાગ્યા. તે લાંબી ચીસ પાડી રડવા લાગી. પરેશ પારોઠ ફરી ખુરશીમાં મુકેલી રૂપિયાની થોકડીઓ ભેગી કરવા લાગ્યો. આ ક્ષણે રંજનનું રડવું નહીં પણ હસવું... કાને અફળાયું. જોયું તો રંજન હસતી હતી, ગાંડાની માફક...

.










