જે તાકાત, તે જ નબળાઈ!
દિવસભરની મહેનત-મજૂરી કરીને પપ્પા કે મમ્મી ઘરે આવે ત્યારે નાનકડા દીકરા કે દીકરીની કિલકારીથી ચહેકતા ઘરમાં પગ મૂકતાં જ તેમનો બધો થાક ઊતરી જાય ને બાળકો પણ એ ખુશીનો અનેરો પડઘો ઝીલે પરંતુ એ જ બાળકો મોટાં થાય એટલે તેમનાં સ્વતંત્ર રસ-રુચિ વિકસવાં લાગે. હવે તેની દુનિયા માત્ર મમ્મી-પપ્પા સુધી મર્યાદિત નથી રહેતી. દોસ્તો, સાથીઓ, ટીચર્સ, સ્કૂલ, કોલેજ, ક્લબ, પબ... કંઇ કેટલા નવા ચહેરા ને નવી પ્રવૃત્તિઓ ઉમેરાય છે. તેમની દુનિયામાં વધતી જતી ભીડમાં મમ્મી-પપ્પા એક બાજુ ધકેલાઇ જાય છે.
માણસની મોટામાં મોટી તાકાત જ તેની મોટામાં મોટી નબળાઇ
પણ છે એ કેવી વિચિત્ર વાત છે! પણ એ હકીકત છે. પોતાની જાત કરતાંય જેનું સ્થાન માણસની જિંદગીમાં આગળ છે તે સંતાન માનવીની તાકાત અને નબળાઇ બન્ને છે. બાળકનો જન્મ થાય કે મા-બાપની જિંદગીની પ્રયોરિટીઝ બદલાઇ જાય. ખાસ તો માની.
ગઇ કાલ સુધી અલ્લડ નદી-શી ઊછળતી-કૂદતી છોકરી કે યુવતી મા બને કે મા બનવાના અણસાર મળે કે કોણ જાણે ક્યાંથી તેનામાં એક ઠરેલપણું ઝળકવા લાગે. જેનો હજી આકાર પણ નક્કી નથી થયો એવા એક જીવ માટે, એ જીવનાં સ્વાસ્થ્ય માટે પોતાના શોખ, પોતાની મહત્વાકાંક્ષા, પોતાના ગમા-અણગમા, બધું જ બાજુ પર મૂકી દેવાનું તદ્દન આસાન બની જાય છે.
સ્નેહીઓ અને સ્વજનો પાસેથી જાતજાતની શિખામણો મળવા લાગે-અરે, આમ ન બેસ, તેમ નહીં ઊભી રહે, આ ખાઇ લે, પેલું નહીં ખા, અને પોતાની અંગત બાબતોમાં કોઇની જરા જેટલી પણ દખલ નહીં સહેનારી યુવતી હોંશેહોંશે આ બધી સલાહ સાંભળે છે.
એટલું જ નહીં, માને પણ છે! મારું બાળક એકદમ સ્વસ્થ અને સુંદર જન્મે એવી અપેક્ષા દરેક માને રહે છે. એ માટે પોતાની અંગત માન્યતાઓ કે જીવનશૈલી સાથે બાંધછોડ કરવી પડે તો પણ તેને કોઇ અફસોસ નથી થતો.
આટલું બધું જેને માટે કરે છે એ બાળક પાસેથી પછી તે મા કે બાપ કેવી અપેક્ષા રાખે છે? આમ તો જો કે આ બધું જ કરતી વખતે મા-બાપને એવો કોઇ ખ્યાલ કે ગણતરી હોતાં જ નથી, કેમકે પોતાના બાળક પ્રત્યેનો અનર્ગળ પ્રેમ જ તેમની પાસે આ બધું કરાવતો હોય છે. આમ છતાં પોતાને માટે ભલે નહીં પણ બાળક માટે તો તેઓ સપનાં સેવતાં હોય છે, અપેક્ષાઓ રાખતાં હોય છે.
એટલે જ બાળક તેમના જીવનનું કેન્દ્ર બની જાય છે. ઘરમાં નાનું બાળક હોય તો તેનાં સુખ-સગવડનો સૌથી વધુ ખ્યાલ માને હોય છે. બાળકની નિર્દોષ ક્રિયાઓ અને રમતો મા માટે કંઇ કેટલા નવાં અર્થ અને અર્થઘટનો લઇને આવે. બાળક અકારણ હસે કે મસ્તીમાં આંખ મીંચકારે તો માને જાણે દુનિયાનું તમામ સુખ મળી ગયું હોય તેવો રાજીપો થાય.
એની નાની-નાની જરૂરિયાતનું ઘ્યાન અને કાળજી માની પ્રકૃતિમાં અદ્રશ્યપણે વણાઇ જાય છે. દિવસભરની મહેનત-મજૂરી કરીને પપ્પા કે મમ્મી ઘરે આવે ત્યારે નાનકડા દીકરા કે દીકરીની કિલકારીથી ચહેકતા ઘરમાં પગ મૂકતાં જ તેમનો બધો થાક ઊતરી જાય ને બાળકો પણ એ ખુશીનો અનેરો પડઘો ઝીલે પરંતુ એ જ બાળકો મોટાં થાય એટલે તેમનાં સ્વતંત્ર રસ-રુચિ વિકસવાં લાગે.
હવે તેની દુનિયા માત્ર મમ્મી-પપ્પા સુધી મર્યાદિત નથી રહેતી. દોસ્તો, સાથીઓ, ટીચર્સ, સ્કૂલ, કોલેજ, ક્લબ, પબ... કંઇ કેટલા નવા ચહેરા ને નવી પ્રવૃત્તિઓ ઉમેરાય છે. તેમની દુનિયામાં વધતી જતી ભીડમાં મમ્મી-પપ્પા એક બાજુ ધકેલાઇ જાય છે.
આ પરિસ્થિતિને મા-બાપ કેટલી સહજતાથી સ્વીકારી લે છે! હજી ગઇકાલ સુધી દીકરા કે દીકરીની સ્કૂલમાં ઓપન હાઉસમાં સમયસર પહોંચવા દોડીદોડીને જતી મમ્મી, એક ને એક ઇક્વેશન કેટલી વાર સમજાવતા પપ્પાને અચાનક ‘કંઇ સમજતા નથી!’નું લેબલ સંતાનો તરફથી મળી જાય છે.
વીસ વર્ષની રચના આજના યુગની આધુનિક છોકરી છે. ભણવામાં તેજ અને ફેશનમાં પણ ફાસ્ટ છે. રચનાની મમ્મી સાધના પચીસ વર્ષથી નોકરી કરે છે, ઘર અને ગૃહસ્થી સંભાળે છે, રચના અને તેના નાના ભાઇની અભ્યાસ સહિતની બધી જ જરૂરિયાતોનું ઘ્યાન રાખે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા પતિના કામના લાંબા કલાકોનું રુટિન સાચવી પોતાની શિક્ષિકાની નોકરી ખંતથી કરે છે.
રચના બી.કોમ.ના છેલ્લા વર્ષમાં છે. એ ભણવામાં બરાબર ચિત્ત રાખે અને મહેનત કરી સારા માર્ક્સથી પાસ થઇ જાય એવી સાધનાની ઝંખના છે. એ માટે તે રચનાને ભણવાનો પૂરો સમય મળી રહે તેનો ખ્યાલ રાખે છે. બધે પહોંચી વળવા પોતે ખેંચાઇ જાય છે. ઘરકામમાંથીય શક્ય હોય ત્યાં સુધી રચનાને મુક્ત રાખે છે, જેથી તે પરીક્ષાની તૈયારી બરાબર કરી શકે.
પણ... રચનાને મમ્મીની ભણવા અને પરીક્ષાની તૈયારી અંગેની સૂચનાઓ ‘પ્લેઇન કચ-કચ’, ‘ટૂ મચ ઓફ ઇન્ટરફિયરન્સ’ લાગે છે. તે મમ્મીને એવું મોઢે કહે પણ છે. આજે તો રચનાએ મમ્મીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ‘મમ્મી લૂક, આઇ એમ એન એડલ્ટ, પ્લીઝ ડોન્ટ ટીચ મી વ્હેન ટુ ડુ વ્હોટ’! સાધના ચોંકી ગઇ!
દીકરીની કારકિર્દી માટે એક જાગ્રત અને સચિંત માં સેવે તેવી કાળજી એ રચના માટે ધરાવે છે. એ શું વધુપડતી અપેક્ષા છે? રચના પોતાની કરિયર પર પૂરેપૂરું ઘ્યાન આપી શકે તે માટે ઘરની બીજી કોઇ જવાબદારી કે કામ પણ તેણે તેના પર છોડ્યાં નથી. પચીસ વર્ષથી ઘર, નોકરી ને પરિવારની બધી જ જવાબદારી હસતે મોઢે વેંઢારતી આવી છે.
જિંદગીની મીણબત્તી બેય છેડેથી બાળી છે તેનો થાક પણ હવે તો પંચાવન વરસે વર્તાય છે. થોડો આરામ કરી લેવાની કે બે-ચાર દિવસ પિયર જઇને મા પાસે રહેવાની ઇચ્છા એને ઘણી વાર થઇ છે પણ કદી એને હોઠ પર આવવા નથી દીધી. મનોમન હસી લે છે: એવી લકઝરી લખાવીને ક્યાં આવી છું!
આ બધાના ભોગે સાધનાએ રચનાને બધી જ મોકળાશ આપી છે. બાજુવાળા માથુર આન્ટી ઘણીવાર એને કહે છે કે ‘અપને આપ કો ઇતના ટેક્સિંગ ક્યોં કરતી હો? રચના સે થોડી હેલ્પ લિયા કરો. વરના વો રિસ્પોન્સિબિલિટી લેના કબ શીખેગી? વો અબ બચ્ચી નહીં હૈ.’
આજે તેને લાગ્યું માથુર આન્ટીની વાત સાચી છે. સવારે સાધનાએ તૈયાર કરેલાં દૂધ-નાસ્તો ઝાપટી કપ-પ્લેટ સિન્કમાં મૂકયા વિના જ ભાગતી, કોલેજથી આવીને બેગ એક તરફ ફગાવી ‘સો ટાયર્ડ!’ કહેતી સોફા પર લાંબી થઇને પડતી, ટેબલ પર ચાનો કપ આવે પછી કૂદકો મારીને ખુરશી પર ગોઠવાતી, કલાકો સુધી મોબાઇલ પર વાતો કર્યા કરતી રચના જોતી નહીં હોય કે મમ્મી સ્કૂલથી આવીને એક મિનિટનો પણ આરામ કર્યા વિના રસોડામાં જઇ ચા બનાવે છે, સાંજની રસોઇની તૈયારી કરે છે!
મમ્મી નહીં થાકતી હોય વરસોથી બધા માટે બધું જ કરતાં? આવો વિચાર એને કેમ નહીં આવતો હોય? ઘરમાં પોતાને મળેલી બધી સગવડ અને ફ્રીડમ રચના પોતાનો જન્મસિદ્ધ હક્ક હોય તેમ એન્જોય કરે છે પણ એ બધી મમ્મીએ જતાં કરેલાં અને કમ્ફર્ટને ભોગે તેને મળે છે એનો ખ્યાલ તેને નથી આવતો?
રચનાના શબ્દોએ સાધનાને હચમચાવી દીધી હતી. આજે અચાનક એને યાદ આવ્યું કે નોકરીથી પાછા ફરતાં ટ્રેનમાં કેટલીય વાર એ ઝોલે ચડી જતી ને એને થતું ઊતરવાનું સ્ટેશન જ ન આવે! એ કેટલો ભયંકર થાક હશે? એલાર્મના ઓથાર વિના એ આરામથી છેલ્લે કયારે સૂતી હતી? યાદ નથી!
સ્કૂલમાં તો ક્લાસ લેતાં બધું ભૂલી ગઇ હતી પણ પાછાં ફરતાં નજર સામે ફરી ઘર ને સવારના રચનાના શબ્દો નાચવા લાગ્યા. વળી ટ્રેનમાં આજે સીટ પણ ન મળી! ઊભાં-ઊભાં આખે રસ્તે સાધનાના મનમાં ઘમાસાણ ચાલતું રહ્યું. યુવાન દીકરી હવે એ મોટી-એડલ્ટ - થઇ ગઇ છે! પણ મને કેમ એનો ખ્યાલ જ ન આવ્યો?
એને નાની ગણીને હું એની જિંદગીના કમ્ફર્ટ ઝોન્સનું રખોપું કરતી રહી અને આજે મારી એક વાત એને આટલી બધી અનકમ્ફર્ટેબલ લાગવા માંડે એટલી મોટી એ થઇ ગઇ!
સાધનાએ મનોમન કંઇક નિર્ણય કર્યો. સાંજે ઘરે પહોંચી એ રોજની જેમ રસોડામાં ખૂંપી ન ગઇ. પાણીનો પ્યાલો લઇ એ નિરાંતે આરામખુરશી પર બેઠી અને વિચારી રહી: સારું થયું આજે મને યાદ કરાવી દીધું. નહીંતર કદાચ મને ક્યારેય ન સમજાત કે માણસની મોટામાં મોટી તાકાત જ તેની મોટામાં મોટી નબળાઇ પણ છે!
થોડી વાર બાદ રચનાને તેણે બૂમ મારી, ‘રચના, બેટા કિચનમાં આવ તો, ચાલ આપણે આ બનાવીએ!’ ડાઇનિંગ ટેબલ ઉપર ચા આવે તેની રાહ જોઇ રહેલી રચના મમ્મીનો સાદ સાંભળીને ચોંકી ગઇ. કદાચ તેને સવારવાળી ઘટના યાદ નહોતી! કદાચ તેને ખ્યાલ નહોતો કે ‘પોતે હવે એડલ્ટ છે’ તે વાત હવે મમ્મીને બરાબર યાદ રહી ગઇ છે!
અહા! જિંદગી મેગેજીન ખરીદવા માટે વાર્ષિક લવાજમ ભરો... વાર્ષિક લવાજમ પેટે રૂ. ૩૫૦નો, DB Corp. Ltd. (Magazine Division)ના નામનો ચેક મોકલવા નીચે આપેલા ફોન નંબરનો સંપર્ક કરો:અમદાવાદ: જય કુમાવત (૯૬૦૧૬૦૨૬૮૯) અશ્વિન સુતરિયા (૯૮૯૮૪૫૦૩૨૧) મુંબઇ : રાજારામ (૯૯૨૦૨૨૨૧૩૧)અથવા નીચે આપેલા સરનામાં પર પત્રવ્યવહાર કરો:મુંખ્ય કાર્યાલય:મુંબઇ: જી-૩-એ, કામનવાલા ચેંબર્સ, ન્યૂ ઉદ્યોગ મંદિર-૨, મુગલ લેન, માહિમ(પ.) મુંબઇ-૧૬, ફોન: ૦૨૨-૩૯૮૮૮૮૪૦, ફેક્સ: ૨૪૪૪૫૪૬૯.ગુજરાત કાર્યાલય: અમદાવાદ: ૪૨-૪૩, સાકાર-૭, નેહરૂ બ્રીજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૬, ફોન: ૦૭૯-૨૬૫૭૯૬૭૭, ૦૭૯-૪૦૦૬૯૧૬૭.











