મોંઘવારી સામે કેન્દ્ર સરકાર મૌન: મોદી
- ખંભાળિયાના ગરીબ કલ્યાણ મેળામાં યુપીએ સરકારની નીતિ-રીતિની ઝાટકણી કાઢતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી- જિલ્લાના પાંચ તાલુકાના ૩૩૩૯૦ ગરીબોને રૂ.૩૧.૧૫ કરોડના સાધન સહાયનું વિતરણ
વર્તમાન સમયમાં મોંઘવારીએ કાળો કેર વર્તાવ્યો છે છતાં કેન્દ્ર સરકાર ચુપકીદી સેવી રહી છે તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખંભાળિયામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં જણાવી યુપીએ સરકારની નિતિ-રીતિની ઝાટકણી કાઢી હતી. આ પ્રસંગે જિલ્લાના બાકીના પાંચ તાલુકાના ૩૩૩૯૦ ગરીબોને રૂ.૩૧.૧૫ કરોડના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
જામનગર જિલ્લાનો બીજો ગરીબ કલ્યાણ મેળો આજરોજ ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં યોજાયો હતો. કલ્યાણ મેળામાં ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર, કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાંથી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીના આગમન સાથે જ તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, ભુતકાળમાં ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓ, બજેટના અમલની જાહેરાતોનો જ જયજયકાર થતો રહ્યો છે પરંતુ ગરીબની સ્થિતિમાં સુધાર આવ્યો નથી. કારણ કે, પાંચ-પાંચ દાયકા સુધી ગરીબોની યોજના છેવાડાના માનવી સુધી પહોંચે છે કે કેમ? તેની સમાજના હિતોની દેખભાળ કરનારાઓએ પરવાહ કરી નથી. ગરીબ કલ્યાણ મેળો વચેટીયાઓ અને દલાલોની ગરીબોને લુંટનારી દુકાનો પર બુલડોઝર ફેરવી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.ગરીબોના હકક છીનવી લેવા માટે અનેક પ્રકારની તરકીબો અને જુઠાણા વચેટીયા કઇ રીતે ફેલાવે છે તેની સમજ મુખ્યમંત્રીએ આપી હતી.
પ્રવચનમાં તેમણે મોંઘવારી માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. ચુંટણીમાં મત માટે ૧૦૦ દિવસમાં મોંઘવારી દુર કરીશું એવું વચન કેન્દ્ર સરકારે આપ્યુ હતું. હાલમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધતી જાય છે. છતાં કેન્દ્ર સરકાર કશું સાંભળતી નથી તેમ જણાવી કેન્દ્રીય યોજનાઓને માત્ર મસમોટી જાહેરાતો ગણાવી હતી.
સાથે-સાથે વચનભંગ કરનારી કેન્દ્ર સરકાર સામે મોંઘવારી માટેની લડાઇ ચાલુ રાખવાની નેમ વ્યકત કરી હતી. કાર્યક્રમમાં નાણામંત્રી વજુભાઇ, જિલ્લા પ્રભારી મંત્રી જયનારાયણ વ્યાસ, વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ, સામાજિક કલ્યાણમંત્રી વાસણભાઇ , રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી સહિત સ્થાનિક આગેવાનો હાજર રહયા હતાં.
૬૮૫ એસટી બસ રોકાતા મુસાફરો રઝળી પડ્યા
ખંભાળિયામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં જનમેદની એકઠી કરવા અને સરકારી કર્મચારીઓની સુવિધા માટે જામનગર સહિત જુદા-જુદા ડીવીઝનની ૬૮૫ એસટી બસ ફાળવવામાં આવતા મુસાફરો રઝળી પડ્યા હતાં. મેળામાં જામનગર ડિવીઝનની ૧૦૦, રાજકોટની ૧૧૫, અમરેલીની ૬૦, ભાવનગરની ૫૦, ભુજની ૫૦ એસટી બસ રોકાઇ હતી.
આવાસની સહાયમાં જામનગર રાજ્યમાં પ્રથમ
આઝાદી પછી ઘર અને આવાસ વગરના ગરીબી રેખા નીચે જીવતા તમામ ઘર વિહોણા પરિવારોને જામનગર જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના કારણે મફત ઘરથાળના પ્લોટ અને આવાસ સહાય ફાળવી દીધા છે અને આ જિલ્લો સમગ્ર રાજ્યમાં જમીન મફતમાં ગરીબોને આપી દેનારો પ્રથમ જિલ્લો બન્યો છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.
મુખ્યમંત્રીના કાર્યક્રમની સાથે....સાથે...
- મુખ્યમંત્રી નિયત સમય કરતાં એક કલાક મોડા આવ્યા- મુખ્યમંત્રીએ વકતવ્યમાં મીડીયા પર વેધક વાકબાણો છોડાયા- મુખ્યમંત્રીનું આગમન થતાં ઝામર ચાલુ થવાથી મોબાઇલ બંધ- જનમેદની ઉમટી પડતાં સમિયાણો ટુંકો પડતા લોકો તડકે શેકાયા- કાર્યક્રમમાં પીવાના પાણી, બેઠક વ્યવસ્થાના અભાવની ફરિયાદ- આવવા-જવાના મુખ્યમાર્ગ નજીકના પાર્કીંગ સ્થળથી કાર્યક્રમનું સ્થળ ખુબ જ દુર હોવાથી લોકોને હાલાકી- સભા પૂર્ણ થતાં ટ્રાફીક જામ થતાં રસ્તાઓ બ્લોક થઇ ગયા હતાં- મુખ્યમંત્રીની સભાપૂર્ણ થતાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસતંત્રએ રાહતનો દમ લીધો










