‘પા’ કરતાં ઊલટો રોગ લાગુ પડે તો...
ઓમ પુરીની પત્ની લેખિકા છે અને એક્ટર પતિ જેટલી કમાણી નથી. એને તો એક્ટરની ફિલ્મો લખવા જેટલી પણ કમાણી નથી, એટલે એણે પતિને ઉઘાડો પાડી રોકડી કરી લીધી. આ બદલો નથી, શાણપણ છે. ઘરડા પતિની નવી ઇમેજથી રોકડી કરવામાં ખોટું શું છે? બન્નેનાં હાથમાં લાડુ.
ભગવાન કંઇ કર્યા વગર જ તમારી પર પ્રસન્ન થાય તો તમે એમની પાસેથી શું માગો? - લક્ષ્મીશંકર ઠક્કર, મહેમદાવાદ
કાંઇ પણ કર્યા વગર પ્રસન્ન થનાર ભગવાનની નજરે ન ચઢવું એટલું હું માગું છું. એમની પાસે માગણહારોનો તોટો નથી. એમાં ક્યાંક ગોટો વળી જાય. જેમ છે તેમ ઠીક છે.
આમ તો ઘરમાં મોટેભાગે સ્ત્રીઓ જ રાંધતી હોય છે પણ હોટલોમાં કૂક કે શેફ તરીકે પુરુષોની પસંદગી કેમ?- હંસાબેન ભરૂચા, મુંબઇ
કારણ કે પુરુષો ફકત હાથથી નહીં, દિમાગથી રાંધતા હોય છે. ગ્રાહકોની રુચિની એમને વધારે જાણ હોય છે. હોટલોનાં રસોડાની મજૂરી પણ પુરુષો વધારે કરી શકે છે. ગ્રાહકોની દાદાગીરી પણ પુરુષ રસોઇયા વધારે સહન કરે છે.
એક સમયે સીતાનો સ્વયંવર રચાયો હતો, જ્યારે આજે રાખી સાવંત અને રાહુલ મહાજન જેવા છેલબટાઉ લોકોના સ્વયંવર ટીવી પર રચાય છે, તમારી ટિપ્પણી? - તન્વી ખાંડવાલા, રાજકોટ
એકમાં હાર તમારે પહેરાવવાનો. બીજામાં હાર તમને પહેરાવવામાં આવશે. સોરી, મેં આવા કોઇ છેલબટાઉ સ્વયંવર જોયા નથી. તમારા જેવા કુતૂહલથી હું પીડાતો નથી. એ બન્ને જણ એકબીજાને હાર પહેરાવી દે તો પણ મને કે માનવજાતને કશો ફરક પડવાનો નથી.
ઓમ પુરીની વાઇફે જ એની જીવનકથા લખીને પતિની આબરૂના લીરા ઉડાડ્યા. તમને શું લાગે છે, મિસિસ પુરી કઇ વાતનો બદલો લઇ રહી છે?- રીના શાહ, મુંબઇ
ઓમ પુરીની પત્ની લેખિકા છે અને એક્ટર પતિ જેટલી કમાણી નથી. એને તો એક્ટરની ફિલ્મો લખવા જેટલી પણ કમાણી નથી, એટલે એણે પતિને ઉઘાડો પાડી રોકડી કરી લીધી. આ બદલો નથી, શાણપણ છે. ઘરડા પતિની નવી ઇમેજથી રોકડી કરવામાં ખોટું શું છે? બન્નેનાં હાથમાં લાડુ.
‘પા’માં અમિતાભ બચ્ચન દુર્લભ રોગથી પીડાતા તેર વર્ષના ટકલા તરુણ બન્યા. તમને આનાથી ઊલટું દરદ લાગુ પડે અને તમારી ઉંમર ધડાધડ ઘટવા લાગે તો? - કલ્પના શાહ, ભાવનગર
તો હું અમિતાભનાં બરડે લટકું - ધડાધડ.
જુવાનીમાં તમે રાજ કપૂરના ડુપ્લિકેટ જેવા દેખાતા. આજકાલ આરકેનો ગ્રાન્ડ સન રણબીર કપૂર બરાબરનો ફાટ્યો છે. એમાં તમને કોઇક એંગલે તમારી યુવાનીનું પ્રતિબિંબ દેખાય છે? - રાહુલ શેઠ, વડોદરા
ભાઇ, રણબીરની ઉમ્મરે હું પણ ફાટ્યો હતો પણ એ જમાનામાં ફાટવાથી કશું ઊપજતું નહોતું. સંધાતા સંધાતા ઘરડા થઇ ગયા. હવે પ્રતિબિંબો જોઇને શું કરવાનું? પ્રતિબિંબો પણ ફાટી ગયાં છે.
પોતે પચ્ચીસ હજાર ગીતો ગાયાં છે એવું ડિંડવાણું લતા મંગેશકર જેવી લતા મંગેશકરે ક્યાંય સુધી ચલાવ્યું હતું, એના લેવલના કલાકારે આવું કરવાની શી જરૂર હતી? - ભૂમિ, વલસાડ
ભૂમિબહેન, આવાં ડિંડવાણા માર્કેટિંગવાળા બબુચકો પબ્લિસિટી માટે કરતા હોય છે. લતાનાં ગીતોની સંખ્યાથી એને કે આપણને શો ફરક પડે છે? છાનામાના સાંભળ્યા કરોને.
કાયાકલ્પની દવા બનાવીને વેચતા મુંબઇના એક લેભાગુ ડોકટરનું કરોડો રૂપિયાનું કૌભાંડ વચ્ચે બહાર આવ્યું હતું. તમે ક્યારેય જુવાન થવાની જડીબુટ્ટી ટ્રાય કરી છે ખરી? - સોમચંદ, રાજકોટ
લેભાગુ ડોક્ટરની નહીં. વ્યવસ્થિત વૈદ્યની આયુર્વેદિક જડીબુટ્ટીઓ અજમાવી જોવા જેવી છે. ટ્રાય કરો, કામ લાગશે.
ધારો કે કશોક જાદુ થાય અને તમે રાતોરાત પતંગ બની જાઓ તો મકરસંક્રાંતિના દહાડે કયા રાજકારણીના હાથે ઊડવાનું અને કપાવાનું પસંદ કરો? - જાગૃત પટેલ, ઊંઝા
એ દહાડે રાજકારણીઓ જ પતંગ બની ઊડતા હોય છે. હું તો આશારામનો પતંગ બની ચગું તો મને કોઇ કાપી ના શકે.
શિયાળાની સવારે તમને રજાઇ ઓઢીને સૂતા રહેવાનું મન થાય કે જોગિંગ કરવા જવાનું? - ઇલેશ મહેતા, લંડન
મારી ઉમ્મરે રજાઇ ઓઢીને પથારીમાં જ પગ ઉછાળવાનું ડહાપણભર્યું છે.
શિયાળાની ઠંડી ઉડાડવા અમે તો ઘણી વાર તમારાં હાસ્ય-લખાણોનાં વાંચનની ‘સગડી’ પેટાવીએ છીએ. તમે કઇ સગડી પેટાવો છો? - રોહિત ઉદવાડિયા, આણંદ
સગડીની જવાબદારી મે પત્નીને સોપી છે ત્યારે તો તમારી સગડીને લાયક લખાણો લખી શકાય છે.
બરડો ફાડી નાખતી મોંઘવારીમાં સામાન્ય માણસે કુટુંબનું જીવન ટકાવી રાખવા કઇ આશાની ખીંટી પર ટીંગાઇ રહેવું જોઇએ? - મેધા મોરપરિયા, સુરત
ક્યારેક તો ફાટેલો બરડો સંઘાઇ જશે એવા દિવસો આવશે એવી સસ્તી આશાની ખીટીં ઉપર ઝૂલ્યા કરવું.
તમે ક્યારેય શેરબજારમાં રોકાણ કર્યું છે? જવાબ હા કે ના હોય તો પણ એ વિશે કારણો-વિગતો સાથે વાત કરશો તો તમારો ખૂબ ખૂબ આભાર. - કાર્તિક ગોસ્વામી, જામનગર
જુવાનીમાં થોડું રોકાણ કરેલું અને ડિવિડન્ડમાં ઉજાગરો મળેલો. શેરબજારમાં કમાવા કે ગુમાવવા બન્ને માટે છાતી જોઇએ. કાચાપોચાએ શિયાળામાં ઠંડે પાણીએ નાહવું જોઇએ.
ઓબામા આપણા માટે અંબામા પુરવાર થશે કે પછી આપણા ભાગે ઓ...બા ...ઓ...મા કરવાનું જ રહેશે? - ગિરીશ દેસાઇ, અમદાવાદ
આપણે માટે અંબામા ક્યાં નવા છે. અમેરિકાનો કોઇ પણ પ્રેસિડેન્ટ આજ સુધી ભારત ઉપર વરસ્યો નથી અને વરસવાનો પણ નથી. આ સવાલ આસારામબાપુને પૂછી જુઓ એ ઓબામા પર ભૂરકી છાટશે. એ સર્વશક્તિમાન છે.
અહા! જિંદગી મેગેજીન ખરીદવા માટે વાર્ષિક લવાજમ ભરો... વાર્ષિક લવાજમ પેટે રૂ. ૩૫૦નો, DB Corp. Ltd. (Magazine Division)ના નામનો ચેક મોકલવા નીચે આપેલા ફોન નંબરનો સંપર્ક કરો:અમદાવાદ: જય કુમાવત (૯૬૦૧૬૦૨૬૮૯) અશ્વિન સુતરિયા (૯૮૯૮૪૫૦૩૨૧) મુંબઇ : રાજારામ (૯૯૨૦૨૨૨૧૩૧)
અથવા નીચે આપેલા સરનામાં પર પત્રવ્યવહાર કરો:
મુંખ્ય કાર્યાલય:મુંબઇ: જી-૩-એ, કામનવાલા ચેંબર્સ, ન્યૂ ઉદ્યોગ મંદિર-૨, મુગલ લેન, માહિમ(પ.) મુંબઇ-૧૬, ફોન: ૦૨૨-૩૯૮૮૮૮૪૦, ફેક્સ: ૨૪૪૪૫૪૬૯.ગુજરાત કાર્યાલય: અમદાવાદ: ૪૨-૪૩, સાકાર-૭, નેહરૂ બ્રીજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૬, ફોન: ૦૭૯-૨૬૫૭૯૬૭૭, ૦૭૯-૪૦૦૬૯૧૬૭.










