Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Feb 10th, 2010, 3:50 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarશિમિત અમીન : હું પવનની લહેરખી જેવો છું

Rekha Khan

‘અબ તક છપ્પન’, ‘ચક દે ઇન્ડિયા’ અને હવે ‘રોકેટ સિંહ - સેલ્સમેન ઓફ ધ યર’. એકબીજાંથી ભિન્ન એવી ત્રણ અતિસુંદર ફિલ્મો બનાવનાર મૂળ ગુજરાતી ડિરેક્ટર શિમિત અમીન દિલ ખોલીને વાત કરે છે.

shimit aminશિમિત, તમારો ઉછેર ફ્લોરિડામાં થયો હતો, ખરું?

હા, બિલકુલ સાચું છે. મારો જન્મ યુગાન્ડામાં થયો, પણ પછી અમે અમેરિકાના ફ્લોરિડામાં શિફ્ટ થઇ ગયાં. ઘરમાં મમ્મી-પપ્પા અને એક મોટો ભાઇ છે. મમ્મી-પપ્પા બંને વ્યવસાયી છે. ઉછેર ફ્લોરિડામાં થયો હોવા છતાં ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે મને વિશેષ આકર્ષણ રહ્યું છે. હિંદી ભાષા મને ક્યારેય મુશ્કેલ નથી લાગી.

આજે જ્યારે પાછો ફરીને જોઉં છું તો લાગે છે કે ફ્લોરિડામાં હું એકદમ સામાન્ય અને સાધારણ છોકરા તરીકે જ ઊછર્યો હતો. ભણવામાં હું કંઇ ખાસ નહોતો ઉકાળતો. મમ્મી-પપ્પા બંને કામ પર ચાલ્યા જતાં અને હું ભણવા-ગણવાનું છોડી ફિલ્મો જોયા કરતો. ફિલ્મો જોવાનો એટલો શોખીન કે ચાન્સ મળે તો દિવસની ચાર-પાંચ ફિલ્મ પણ જોઇ નાખું!

સીધો-સાદો છોકરો હતો એટલે મને યાદ નથી આવતું કે મેં ક્યારેય ચોરી કરી હોય કે ધમાલમસ્તી કર્યા હોય. હા, ફિલ્મો જોવા માટે સ્કૂલ બંક કરતો, પણ એ તો હાઇસ્કૂલમાં ગયા પછી. કમાલની વાત તો એ છે કે મને ફ્રેન્ચ, ઇટાલિયન, અમેરિકન આવી વિદેશી ફિલ્મોની સાથે હિન્દી ફિલ્મોનો પણ જબરજસ્ત ક્રેઝ હતો. ૬૦-૭૦ના દાયકાની તમામ ફિલ્મો મેં જોઇ છે.

એટલે તમે હાઇસ્કૂલથી જ નક્કી કરી લીધું હતું કે તમારી મંજિલ બોલીવુડ હશે?

સાચું કહું તો હાઇસ્કૂલમાં મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું શું બનીશ, શું કરીશ. ફિલ્મોનો મને ચસકો પણ હતો અને શોખ પણ. અલબત્ત, ત્યારે તો કલ્પના સુઘ્ધાં નહોતી કે ભવિષ્યમાં હું બોલિવુડ જઇશ.

કોલેજજીવનનો તબક્કો મારે માટે સખત દ્વિધાનો હતો. હું દિશાહીન હતો. સમજાતું નહોતું કે શું કરું. હાઇસ્કૂલ કર્યા પછી મેં ઘણી જગ્યાએ પાર્ટ-ટાઇમ નોકરી કરી, પણ કંઇ વળ્યું નહીં. કોલેજનો આ દ્વિધાકાળ દરેકનાં જીવનમાં આવતો હોય છે. એ સમયે દરેક પોતાની સાચી અને એમને યોગ્ય લાગે તેવી સલાહ આપતા રહેતા હોય છે, પણ તમે તમારી દુનિયામાં જ ગુંચવાયેલા રહો છો.

જો કે એ તબક્કો મારા જીવનનો લો-ફેઝ પણ હતો. એ વખતનું કન્ફ્યૂઝન, આસપાસનું સ્ટ્રોંગ વાતાવરણ એ બધાથી હું તંગ આવી ગયો હતો. અને એ વખતે પણ મને રાહત આપનારી કોઇ ચીજ હતી તો એ ફિલ્મો જ હતી.

પછી જિંદગી અને કારકિર્દીની દિશા કેવી રીતે નક્કી થઇ?

કોલેજમાં થોડો વખત ગાળ્યા પછી મને સમજાયું કે સિનેમાનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. હું એનો એક ભાગ બની શકીશ એમ વિચારીને લોસ એન્જલસ આવી ગયો. ખાસ કરીને એડિટિંગના પાસાથી હું વધુ આકર્ષાયો હતો. હું હંમેશાં વિચારતો હતો કે ફિલ્મ પૂરેપૂરી શૂટ થઇ જાય પછી એને અઢી-ત્રણ કલાકની કેવી રીતે બનાવાતી હશે?

કેવી રીતે રજૂ (પ્રેઝન્ટ) કરાતી હશે? તમામ દ્રશ્યોને કેવી રીતે રી-અરેન્જ કરાતા હશે? ફિલ્મ નિર્માણ અને એડિટિંગની ઝીણી વાતો અને ખૂબીઓ હું હોલીવુડમાં શીખ્યો. સ્ક્રીપ્ટ રાઇટિંગ, કેમેરા આસિસટન્સ, એડિટિંગ જેવી તમામ ચીજો પર નજર રાખી. ‘એસ એલ સી પંક’ જેવી ઘણી ફિલ્મો માટે મેં કામ કર્યું, જેનું નામ પણ કોઇએ સાંભળ્યું નહીં હોય.

મોટેભાગે આવી ફિલ્મો પ્રયોગિક રહેતી. આ ’૯૦ના દાયકાની વાત છે, જ્યારે એક્શન સિનેમાની ખાસ બોલબાલા હતી. મેં એવી ઘણી ફિલ્મો માટે કામ કર્યું છે, જે ફિલ્મ ફેસ્ટિવલોમાં પણ બતાવાઇ છે. જો કે એ કોઇ મોટી ફિલ્મો નહોતી, છતાં એમાંથી ઘણું શીખવા મળ્યું. મેં રોબર્ટ એલ્ટમેનની ફિલ્મ ઉપરાંત ‘જિંજર બ્રેડ’ માટે પણ કામ કર્યું હતું.

લોસ એન્જલસથી મુંબઇ આવવાની સફર સરળ હતી?

હા, મુંબઇ આવવાની પહેલી તક સહજતાથી મળી ગઇ. લોસ એન્જલસમાં હતો ત્યારે જ મારો સમીર શર્મા નામનો એક મિત્ર, જે રામ ગોપાલ વર્માની ‘ભૂત’ ફિલ્મના લેખકોમાંનો એક હતો, એણે મને રામ ગોપાલ વર્માની ‘ભૂત’ ફિલ્મનું એડિટિંગ કરવાની ઓફર કરી.

રામુજીનો તો હું ચાહક હતો. મેં એમની ‘કંપની’ જોઇ હતી, એટલે મોકો મળતા જ હું આકાશમાં ઊડવા લાગ્યો અને રામુજીની ‘ભૂત’ ફિલ્મના એડિટિંગના કામમાં વ્યસ્ત થઇ ગયો. એ દિવસોમાં અનેક પ્રોજકટ્સ અને વિષયો પર અમારી ચર્ચા થતી રહેતી.

આ ચર્ચાઓ દરમિયાન જ એમણે મને ‘અબ તક છપ્પન’નું નિર્દેશન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. વિષય ડાર્ક હતો પણ એ મને ખૂબ રોચક લાગ્યો હતો.

માયાનગરી મુંબઇનો અનુભવ કેવો રહ્યો?

શરૂઆતમાં તો હું લોસ એન્જલસથી મુંબઇ આવ-જા કરતો, પણ પછી મેં મુંબઇમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો ત્યારે એના ઘણા રંગથી વાકેફ થયો. મુંબઇની એક ખાસ વાત હંમેશાં મને આકર્ષે છે અને આશ્ચર્યમાં મૂકી દે છે અને એ છે એની પલ્સ, એની એનર્જી. એ ક્યારેય, ક્યાંય પણ ઓછાં નથી થતાં.

મુંબઇ મને હંમેશાં પોતીકું લાગ્યું છે. અહીં મારા ઘણા મિત્ર છે. શરૂઆતમાં હું એમની સાથે ફ્લેટ શેર કરીને રહેતો. અહીંનો વરસાદ, ટ્રાફિક, ભીડ, વડા પાંઉ બધું કમાલનું છે. મુંબઇમાં રહેવાનું મને ગમવા લાગ્યું. હું તમામ વસ્તુને નવા દ્રષ્ટિકોણથી જોતો હતો અને એ મજેદાર રહ્યું.

તમે કોઇ પણ ચીજને, પછી ભલેને એ સિનેમા હોય કે જીવન, એને દિલચસ્પ બનાવી શકો છો. શરત એટલી છે કે એને નવા અંદાજથી જુઓ. મુંબઇનો હું આભારી છું કે એણે બોલિવુડમાં મને પહેલી તક આપી. સાચું કહું તો લોસ એન્જલસમાં નાની નાની ફિલ્મો માટે મેં ઘણું કામ કર્યું હતું, પણ મુંબઇમાં બોલીવુડની ‘ભૂત’ ફિલ્મના એડિટિંગનો અનુભવ સંતોષકારક રહ્યો.

પહેલાં રામગોપાલ વર્માની ‘ભૂત’, ‘અબ તક છપ્પન’ અને ત્યાર પછી યશરાજની ‘ચક દે ઇન્ડિયા’ સાવ જુદા જ પ્રકારની ફિલ્મોથી તમે ટ્રેન્ડ સેટર સાબિત થયા. મતલબ કે લોસ એન્જલસમાં કરેલી ફિલ્મો ફાયદાકારક સાબિત થઇ?

ના, બિલકુલ નહીં. મને અહીં જે કામ મળ્યું એ ફક્ત એટલા માટે જ કે એ કામ હું કરી શકતો હતો. લોસ એન્જલસની ફિલ્મો અને અહીંની ફિલ્મો ઘણી અલગ છે. અહીંની ટિપિકલ હિન્દી ફિલ્મ બનાવવા માટે તમારે અહીંના વાતાવરણ અને ઓડિયન્સને સમજવાં અત્યંત જરૂરી છે.

તમને અહીંના કલ્ચર વિશે ખબર હોવી જોઇએ. મારા વિશે ઘણાને એવું લાગતું હતું કે આ માણસ હિંદી ફિલ્મ બનાવવાનો? ‘ચક દે...’ સમયે આદિત્ય (ચોપડા)એ મને બોલાવ્યો. એમણે મારી ‘અબ તક છપ્પન’ જોઇ હતી. રાઇટર જયદીપ સાહનીએ કમાલની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી.

જ્યાં સુધી ટ્રેન્ડ સેટરની વાત છે તો હું નથી માનતો કે મેં કોઇ યુનિક ફિલ્મ બનાવી હોય. ઊલટું મને હંમેશાં એક ડર, એક આશંકા રહેતી કે હું સારી હિંદી ફિલ્મ નહીં બનાવી શકું તો? ભારતીય દર્શકોને સંતુષ્ટ નહીં કરી શકું તો? સાચું કહું તો હું નખશિખ હિંદી ફિલ્મો બનાવવા ઇચ્છું છું, મારી તથાકથિત વિદેશી વિચારધારાવાળી વેસ્ટર્ન ફિલ્મો નહીં. હું એવી ફિલ્મો બનાવવામાં વિશ્વાસ ધરાવું છું જેને જોઇને ઓડિયન્સ પૈસા વસૂલ માને.

જિંદગીની સૌથી સુખદ પળ કઇ?

(શરમાતાં) મારી પત્ની મેઘાએ લગ્ન માટે હા કહી, એ. હું મેઘાને એક સેમિનારમાં મળ્યો હતો. મેઘા સામે મારી લાંબી કોર્ટશિપ ચાલી અને પછી અમે પ્રેમલગ્ન કર્યા. તે સ્ક્રિપ્ટ રાઇટર છે. એણે એફટીઆઇઆઇમાંથી ટ્રેનિંગ લીધી છે. તે શેખર કપૂરની આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકી છે.

મેઘા પાસેથી લગ્ન માટેની હા સાંભળવી મારા માટે અત્યંત ગૌરવભરી પળ હતી. કારર્કિદીની વાત કરું તો હોકી જેવા વિષય પર અમે મહિલા હોકી ટીમ પર ફિલ્મ બનાવી... અને એ ફિલ્મ જોઇને યશજીએ કહ્યું: ‘આઇ ફીલ વેરી પ્રાઉડ ઓફ યુ’. તો મારી છાતી ગજગજ ફૂલી ગઇ.

સ્વભાવિક છે યશજી (યશ ચોપડા) ક્લાસિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે અને એમની પાસેથી પ્રશંસા સાંભળવી એ ગર્વની વાત હતી. આમ તો ‘ચક દે...’ને ઘણા એવોર્ડ મળ્યા પણ પહેલો એવોર્ડ મળ્યો એની અનુભૂતિ કંઇક જુદી જ હતી.

ફિલ્મો બનાવવા માટે તમે શામાંથી પ્રેરણા મેળવો છો?

આસપાસની ચીજો, પરિસ્થિતિઓ, સંજોગો અને લોકોમાંથી. નાનો હતો ત્યારે ક્યાંક વાંચ્યું હતું કે વાંચી-લખીને તમે કોઇ ફિલ્મ બનાવો તો તમારા વિચાર સીમિત થઇ જાય છે. એટલે બહેતર છે કે બીબાંઢાળને બદલે કંઇક અલગ વિચારો. તમારી આસપાસ નજર ઘુમાવો.

સાહિત્ય વાંચો, વિજ્ઞાન વાંચો કે કંઇ બીજું વાંચો, પણ તમારા વિચારો જરૂર મૂકો. આજે આપણી આજુબાજુ ફિલ્મમેકિંગની ટ્રેનિંગ માટેની ઘણી સંસ્થા છે, પણ તમે જ જુઓ કે જૂના જમાનાના ફિલ્મમેકર્સ આપણાથી સારી ફિલ્મ બનાવતા હતા. તેઓ તો કોઇ ફિલ્મ સ્કૂલમાં નહોતા ગયા.

તેઓ કદાચ રંગમંચ પરથી આવ્યા હતા કે પછી અન્ય વ્યવસાયમાંથી, પણ જિંદગીના અનુભવોથી તેઓ સમૃદ્ધ હતા. એમની ફિલ્મોમાં એમના અનુભવો, સમજણ અને વિચારોના પ્રતિબિંબ પડતાં હતાં. વળી, જિંદગી અને ફિલ્મો પ્રત્યે એમનું પેશન પણ અનોખું હતું. હું માનું છું કે વાંચી-વાંચીને ફિલ્મ બનાવવી ભયંકર ખતરનાક છે.

સ્ટાર સિસ્ટમ વિશે શું માનો છો? તમે નાના પાટેકર અને શાહરૂખ પછી રણવીર કપૂર પાસેથી કામ લીધું...

લોસ એન્જલસ હોય કે મુંબઇ, સ્ટાર સિસ્ટમ દરેક જગ્યાએ છે. હું ઘણો ભાગ્યશાળી છું કે કારકિર્દીના આરંભમાં જ મને નાના પાટેકર અને શાહરૂખ સાથે કામ કરવાનો મોકો મળ્યો. તેઓ પોતાની અદાકારીથી કોઇપણ પાત્રને વિશિષ્ટ બનાવી દે છે. એમની સાથે કામ કરતાં બહોળો અનુભવ મળ્યો.

ઘણીવાર લોકો પૂછતા હોય છે કે તૂંડમિજાજી કે મિજાજી એક્ટર્સ સાથે તમે કેવી રીતે કામ કરી શક્યા? હું એટલું જ કહીશ કે આવો મિજાજ ફક્ત ઇમેજ છે. ‘ચક દે...’ વખતે લોકોએ મારી અને શાહરૂખની વચ્ચે અણબનાવ બન્યાની ઘણી ખબરો છાપી, જે સદંતર અફવા હતી.

શાહરૂખ વિશે તો એમ સુઘ્ધાં છાપી માર્યું કે વારંવાર રિટેક્સને લીધે તે સેટ પરથી ચાલ્યો ગયો હતો. એ બધી વાહિયાત વાત હતી. શાહરૂખ એટલો પ્રોફેશનલ અને સમર્પિત કલાકાર છે કે તમે એને બરફ પર સુવાડો કે આગમાં કૂદવાનું કહો તો પણ એ તૈયાર થઇ જશે- જો, એ ફિલ્મના હિતમાં હશે તો.

એ માણસ તરીકે પણ કમાલનો છે. રણવીર વિશે કહું તો ‘રોકેટસિંહ’માં અમારી ધારણા કરતાં રણવીર ઘણો સારો સાબિત થયો. એણે સખત મહેનત કરી. સરદારના ગેટ-અપ માટે સાચી દાઢી પણ ઉગાડી.

શિમિત, આ તો તમે તમારા કલાકારો વિશે જણાવ્યું. તમે પોતાની જાતને કેવી રીતે ડિફાઇન કરશો?

(વિચારતા) આના વિશે મેં ક્યારેય વધુ વિચાર્યું જ નથી. હા એટલું કહી શકું કે કામ કરવાથી સંતોષ મળે છે. દરેક પ્રકારની ફિલ્મ બનાવવા માગું છું. હું ખુદને એક સ્ટોરી ટેલર તરીકે જોઉં છું. મને લાગે છે કે મારી અંદર ઘણા પ્રકારની શૈલી છુપાયેલી છે, જેને મારે બહાર કાઢવી છે.

ઘરમાં (પત્ની) મેઘા રાઇટર હોવાને લીધે મને એના ક્રિટીસીઝમનો ઘણીવાર સામનો કરવો પડે છે, જે મારે માટે ઘણો લાભદાયી પુરવાર થાય છે. મૂળમાં તો હું સીધો સાદો કૌટુંબિક માણસ છું. માતા-પિતા બંનેની નજીક છું. પત્નીને પ્રેમ કરું છું. બીજું શું કહું?

લોકો પૂછે છે કે તમે તમારી મંજિલ મેળવી લીધી? તો એટલું જ કહું છું - હજુ તો શરૂઆત છે. મંજિલ આટલી જલદી કેવી રીતે મળે? તમે જ જુઓ, હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો! ખબર નથી કાલે ક્યાં હોઇશ? કંઇ પણ થઇ શકે છે. હું પવનની લહેરખી જેવો છું.

આજે ફિલ્મ-નિર્માણની રીતો બદલાઇ રહી છે. ફિલ્મ મેકિંગમાં જેટલો પૈસો લાગે છે એટલો જ માર્કેટિંગમાં પણ.

ખરી રીતે તો અમારી ઇન્ડસ્ટ્રીમાં માર્કેટિંગ એક એવું પાસું છે, જેમાં મને અતિશય ભ્રષ્ટાચાર નજરે પડે છે. અમારા ક્ષેત્રમાં જે ફિલ્મોમાં મોટા કલાકાર અને ફોરેન લોકેશન હોય એવી જ ફિલ્મોને મહત્વ અપાય છે. સ્ટોરી સાથે એને કોઇ લેવાદેવા નથી હોતી. અમે ઘણી એવી ફિલ્મો જોઇએ છીએ જેનું માર્કેટિંગ જોરશોરથી થાય છે પણ છેવટે ફિલ્મ બોક્સ ઓફિસ પર પટકાઇ જાય છે.

અમારી ફિલ્મ ‘રોકેટસિંઘ...’ ઓછી પ્રમોટ થઇ, કારણ કે એમાં ગીતો નહોતાં અને ફિલ્મનાં વધુ દ્રશ્યો ફિલ્મ રિલીઝ થતાં પહેલાં અમે દેખાડી શકીએ એમ નહોતાં. મને લાગે છે ફિલ્મના માર્કેટિંગ પર ઘ્યાન આપવાને બદલે દર્શકો ફિલ્મને રહસ્ય ઊઘડતું હોય એ રીતે જ જુએ તો વધુ મજા આવે. વણકહી વાતો વધુ અસરકારક રહે છે.

અહા! જિંદગી મેગેજીન ખરીદવા માટે વાર્ષિક લવાજમ ભરો... વાર્ષિક લવાજમ પેટે રૂ. ૩૫૦નો, DB Corp. Ltd. (Magazine Division)ના નામનો ચેક મોકલવા નીચે આપેલા ફોન નંબરનો સંપર્ક કરો:અમદાવાદ: જય કુમાવત (૯૬૦૧૬૦૨૬૮૯) અશ્વિન સુતરિયા (૯૮૯૮૪૫૦૩૨૧) મુંબઇ : રાજારામ (૯૯૨૦૨૨૨૧૩૧)અથવા નીચે આપેલા સરનામાં પર પત્રવ્યવહાર કરો:મુંખ્ય કાર્યાલય:મુંબઇ: જી-૩-એ, કામનવાલા ચેંબર્સ, ન્યૂ ઉદ્યોગ મંદિર-૨, મુગલ લેન, માહિમ(પ.) મુંબઇ-૧૬, ફોન: ૦૨૨-૩૯૮૮૮૮૪૦, ફેક્સ: ૨૪૪૪૫૪૬૯.ગુજરાત કાર્યાલય: અમદાવાદ: ૪૨-૪૩, સાકાર-૭, નેહરૂ બ્રીજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૬, ફોન: ૦૭૯-૨૬૫૭૯૬૭૭, ૦૭૯-૪૦૦૬૯૧૬૭.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: