ચરક: કોણ, ક્યાં, ક્યારે
એકવાર શેષનાગ ભૂલોકની દશાના અવલોકન માટે ચર(યાત્રી)ની જેમ અવતરિત થયા. તેઓ પ્રાણીમાત્રને રોગોથી પીડાતા અને વ્યાકુળ જોઇ દુ:ખી થયા અને સૌને રોગોથી મુક્ત કરાવવાનો ઉપાય વિચારવા લાગ્યા. પછી તેઓ કોઇ સુપ્રસિદ્ધ વેદજ્ઞ ઋષિને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. તેઓ ચરની જેમ આવ્યા એટલે એમનું નામ ચરક પ્રસિદ્ધ થઇ ગયું. તેઓ જ કાળાંતરે ચરકાચાર્ય નામથી સુવિખ્યાત થયા. તેઓ શેષનાગના અંશાવતાર હતા. એમણે ચરકસંહિતાની રચના દ્વારા પ્રાણીઓના રોગોનો નાશ કર્યો, જે અત્યારે અગ્નિવેશ કૃત તંત્ર ચરક દ્વારા પ્રતિસંસ્કૃતરૂપે ઉપલબ્ધ છે.’
‘આયુષો વેદ: = આયુર્વેદ’ અર્થાત્ જે આયુષ્યનો વેદ છે એને આયુર્વેદ કહે છે. ચરકની ધારણા આ છે: શરીર, ઇન્દ્રિય (કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય), મન અને આત્માનાં મિલનને આયુષ્ય કહે છે. એના સમાનાર્થી શબ્દો છે - ધારિ, જીવિત, નિત્યતા અને અનુબન્ધ.
બીજો શબ્દ છે વેદ. જે આયુષ્ય સંબંધે જાણે, વિચાર કરી શકે, જે આયુષ્ય માટે છે અને જેનાથી આયુષ્યને લાભ થાય એને આયુર્વેદ કહે છે. આ બધી વ્યાખ્યાઓનું સમર્થન ચરક સૂત્રસ્થાનમાંથી ટાંકવામાં આવેલી આ પંક્તિઓ કરે છે :
હિતાહિતં સુખં દુ:ખમાયુસ્તસ્ય હિતાહિતમ્ |માનંચ તચ્ચ યત્રોત્કમાયુર્વેદ: સ ઉચ્યતે | |
મહર્ષિ ચરકે આયુર્વેદને શાશ્વત કહ્યો છે, કારણ કે એનો સંબંધ મનુષ્યજીવનના આરંભથી અંત સુધી છે. આચાર્ય સુશ્રુતની માન્યતા આવી છે: ‘આયુર્વેદ અથર્વવેદનું ઉપાંગ છે. એની રચના સ્વયંભૂ (બ્રહ્મા)એ માનવજાતને ઉત્પન્ન કરતાં પહેલા જ કરી દીધી હતી.’
ઇતિહાસનો અભ્યાસ કરતાં એ સારી રીતે સમજી શકાય છે કે આયુર્વેદની વિભિન્ન પરંપરાઓ છે - ૧. ભાસ્કર સંપ્રદાય, ૨. ધાન્વંતર સંપ્રદાય તથા ૩. આત્રેય સંપ્રદાય. આ સૌના આદિમ ઉપદેશક હતા બ્રહ્મા.
ત્રિદોષ સિદ્ધાંત
ર્ભૂ:, ભુવ:, સ્વ:, આ ત્રણ શબ્દો અનુક્રમે પૃથ્વી, અંતરિક્ષ અને ધૌસ્ના ધોતક છે. એના દેવતા અગ્નિ, વાયુ અને આદિત્ય છે. આ તત્વો આપણે વેદોમાં જોઇ શકીએ છીએ. અન્યત્ર પણ દેવત્રય (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) તથા અગ્નિત્રય વગેરેનાં દર્શન થાય છે. ક્રમશ: સોમ, સૂર્ય, વાયુને આધાર માનીને કફ, પિત્ત, વાતરૂપે આયુર્વેદીય ત્રિદોષ સિદ્ધાંતની રચના થઇ.
જોકે ત્રિદોષ સિદ્ધાંત પહેલાં આપણને અગ્નિષોમિય સિદ્ધાંતનાં દર્શન થાય છે. એનો સમન્વય પ્રાણીઓનાં જીવનમાં એ રીતે લેવામાં આવે છે કે આર્તવ - આગ્નેય અને શુક્ર-સૌમ્ય હોય છે. આ ઉપરાંત ચતુષ્પાદ સિદ્ધાંત અને પંચમહાભૂત સિદ્ધાંતની વિગતો પણ રસપ્રદ છે.
ઐતરેય બ્રાહ્મણ, ઇશાવાસ્યોપનિષદ, કઠોપનિષદ તથા મહાભાષ્યમાં માણસનું મહત્તમ આયુષ્ય ૧૦૦ વર્ષનું હોવાનો નિર્દેશ છે. જ્યોતિષશાસ્ત્ર પણ માનવીનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોવાનું જણાવી જુદાં જુદાં પ્રાણીઓની જુદી જુદી સરેરાશ ઉમ્મર બતાવે છે. માણસના ૧૦૦ વર્ષના આયુષ્ય સાથે ચરક પણ સમ્મત છે. ભારતીય ઐતિહાસિક કાળગણના અનુસાર ચરકસંહિતાની રચના ઇસુ ખ્રિસ્ત કરતાં ૩,૦૦૦ વર્ષ પહેલાં થઈ ચૂકી હતી.
ચરક
ચરક શબ્દ અથવા નામ સંબંધે જેટલી વાજબી થિયરીઓ હોઈ શકે છે તે વિશે નેપાળના રાજ્યગુરુ પંડિત હેમરાજ શર્માએ ‘કાશ્યપસંહિતા’ની પ્રસ્તાવનામાં લખ્યું છે. તેઓ કહે છે કે ગોત્ર અથવા શાખાના નામથી પણ ચરક શબ્દ પ્રસિદ્ધ થયો હોઇ શકે છે અથવા ચરક નામ સંજ્ઞા તરીકે રૂઢ થયું હોય તેમ પણ બને.
‘બૃહદ્જાતક’ના વ્યાખ્યાકાર રુદ્રના મતાનુસાર ચરક વૈદ્યવિદ્યાના નિષ્ણાત હતા. તેઓ ભિક્ષાવૃત્તિથી જીવન ચલાવતાં, ગામેગામ ફરીને વૈદ્યવિદ્યાનો ઉપદેશ આપતા અને ચિકિત્સા દ્વારા લોકોની સેવા પણ કરતા. એટલે ‘ફરતા ભિક્ષુરૂપ’ એવા અર્થના આધારે એમનું ચરક નામ પ્રસિદ્ધ થયું હોઈ શકે.
આચાર્ય વરાહમિહિર, ભટોત્પલ અને રુદ્ર સહિતના વિદ્વાનોએ ચરક શબ્દનો પ્રયોગ ઘણાં સ્થળે કર્યોછે. હાલ જે ચરકસંહિતા ઉપલબ્ધ છે તે સંસ્કૃત કૃતિ છે, જેમાં અગ્નિવેશ અને દ્રઢબલનું પણ અવિસ્મરણીય પ્રદાન છે.
ચરકે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, વિષ્ણુ, પ્રજાપતિ, કાર્તિકેય, શિવ, માતૃગણ, ગંગા વગેરેનાં પૂજાવંદનાને પોતાના ગ્રંથમાં સાદર સ્થાન આપ્યું છે. જવર(તાવ) શાંતિ માટે બીજી ચિકિત્સાઓની સાથે શિવપૂજનનો પણ નિર્દેશ કર્યો છે. ચરકે ધન્વંતરિને દેવ તરીકે પ્રસ્થાપિત કર્યા છે.
આયુર્વેદની જેટલી પણ સંહિતાઓ આજે પૂર્ણ કે અપૂર્ણ સ્વરૂપમાં ઉપલબ્ધ છે એ બધાંમાં કાયચિકિત્સાના ક્ષેત્રે ચરકસંહિતાનું મહત્વપૂર્ણ સ્થાન છે. ચરકના પોતાના કાળ અને પછીના કાળના બધા આચાર્યો સ્વીકારે છે કે ચિકિત્સા ક્ષેત્રમાં ચરકસંહિતા સર્વોપરી છે.
આયુર્વેદના સુપ્રસિદ્ધ ગ્રંથોના ઉત્તમ અંશોનો સંકેત કરતાં કોઇ ટીકાકારે લખ્યું છે —
નિદાને માધવ : શ્રેષ્ઠ : સૂત્રસ્થાને તુ વાગ્ભટ: |શારીરે સુશ્રુત : શ્રેષ્ઠ : ચરકસ્તુ ચિકિત્સિતે | |
સુશ્રુતે પોતાની સંહિતાના આરંભમાં ‘ભૂયોડષ્ટધા પ્રણીતવાન’ લખીને આઠ અંગોનો નામોલ્લેખ કર્યો છે અને ચરકસંહિતામાં સૂત્રસ્થાનના અંતે થોડા ફેરફાર સાથે એ જ અંગોનો ઉલ્લેખ છે. આના પરથી એવું લાગે છે કે આ અષ્ટાંગ વિભાગ ચરકે પછીથી ઉમેર્યો હશે. ચરકસંહિતામાં ગ્રંથકારે દેશ-કાળ વગેરેના ઉલ્લેખોની એટલા માટે ચિંતા નથી કરી કે એમને વિશ્વાસ હતો કે જો મારી રચના સત્વશીલ હશે તો જરૂર એનું સન્માન થશે. પ્રાચીન લેખકોનો આમેય હંમેશાં આવો જ અભિગમ રહ્યો છે.
ચરકનો પ્રાદૂર્ભાવ
ભાવપ્રકાશ આયુર્વેદ પ્રકરણના પૂર્વ ખંડમાં બ્રહ્મા, દક્ષ, અશ્વિનીસુત, ઇન્દ્ર, આત્રેય, ભારદ્વાજ, ચરક, ધન્વંતરિ તથા સુશ્રુતના પ્રાદૂર્ભાવની ચર્ચા છે. ચરક વિષે ભાવમિશ્રે લખ્યું છે - ‘ભગવાન વિષ્ણુએ મત્સ્યાવતાર ધારણ કરી વેદોનો ઉદ્ધાર કર્યો ત્યારે શેષનાગે સાંગોપાંગ વેદની સાથે અથર્વવેદના અંગ એવા આયુર્વેદનું વિષદ અઘ્યયન કરી લીધું હતું.
એકવાર શેષનાગ ભૂલોકની દશાના અવલોકન માટે ચર(યાત્રી)ની જેમ અવતરિત થયા. તેઓ પ્રાણીમાત્રને રોગોથી પીડાતા અને વ્યાકુળ જોઇ દુ:ખી થયા અને સૌને રોગોથી મુક્ત કરાવવાનો ઉપાય વિચારવા લાગ્યા. પછી તેઓ કોઇ સુપ્રસિદ્ધ વેદજ્ઞ ઋષિને ત્યાં પુત્ર તરીકે અવતર્યા.
તેઓ ચરની જેમ આવ્યા એટલે એમનું નામ ચરક પ્રસિદ્ધ થઇ ગયું. તેઓ જ કાળાંતરે ચરકાચાર્ય નામથી સુવિખ્યાત થયા. તેઓ શેષનાગના અંશાવતાર હતા. એમણે ચરકસંહિતાની રચના દ્વારા પ્રાણીઓના રોગોનો નાશ કર્યો, જે અત્યારે અગ્નિવેશ કૃત તંત્ર ચરક દ્વારા પ્રતિસંસ્કૃતરૂપે ઉપલબ્ધ છે.’
- ડો. બ્રહ્માનંદ ત્રિપાઠી ડો. બ્રહ્મનંદ ત્રિપાઠી લિખિત વિખ્યાત કૃતિ ‘ચરકસંહિતા’ બે ભાગોમાં ચૌખંભા સૂરભારતી પ્રકાશન, વારાણસીથી પ્રકાશિત થઇ છે.
અહા! જિંદગી મેગેજીન ખરીદવા માટે વાર્ષિક લવાજમ ભરો... વાર્ષિક લવાજમ પેટે રૂ. ૩૫૦નો, DB Corp. Ltd. (Magazine Division)ના નામનો ચેક મોકલવા નીચે આપેલા ફોન નંબરનો સંપર્ક કરો:અમદાવાદ: જય કુમાવત (૯૬૦૧૬૦૨૬૮૯) અશ્વિન સુતરિયા (૯૮૯૮૪૫૦૩૨૧) મુંબઇ : રાજારામ (૯૯૨૦૨૨૨૧૩૧)
અથવા નીચે આપેલા સરનામાં પર પત્રવ્યવહાર કરો:
મુંખ્ય કાર્યાલય:મુંબઇ: જી-૩-એ, કામનવાલા ચેંબર્સ, ન્યૂ ઉદ્યોગ મંદિર-૨, મુગલ લેન, માહિમ(પ.) મુંબઇ-૧૬, ફોન: ૦૨૨-૩૯૮૮૮૮૪૦, ફેક્સ: ૨૪૪૪૫૪૬૯.ગુજરાત કાર્યાલય: અમદાવાદ: ૪૨-૪૩, સાકાર-૭, નેહરૂ બ્રીજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૬, ફોન: ૦૭૯-૨૬૫૭૯૬૭૭, ૦૭૯-૪૦૦૬૯૧૬૭.










