વસંત પંચમી : નિસર્ગનો છલકાતો વૈભવ
સૌંદર્ય અને તારુણ્યથી છલકાતા ઋતુરાજ વસંતના વધામણાં લઇને આવતી વસંત પંચમીનો ઉત્સવ સમાજના જુદા જુદા લોકોમાં વિવિધ રીતે પ્રચલિત હતો. તે વેદકાલીન પર્વ છે અને શ્રુતિ પ્રમાણે વસન્તે બ્રાહ્મણમુપનયેત્ | એ દિવસે બ્રાહ્મણ બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજનનું મહાન પર્વ ગણાય છે. આ અવસર પર ભગવતી સરસ્વતીનું પૂજન કરી સંગીત, નાટક વગેરે કલામય ઉપહારો દ્વારા કલાદેવી સરસ્વતીની આરાધના થતી.
આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. નિસર્ગ સાથે સંકળાયેલો માણસ તેનાથી અલિપ્ત કેમ રહી શકે? તેથી માનવ સમાજ પણ વસંત પંચમીનો ઉત્સવ, ઉલ્લાસ અને ઉમંગથી ઊજવે છે.
સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે અને જાણે કહેતી હોય છે ‘આવો અને જુઓ તો ખરા કિરતારની કરુણાને. વર્ષા વિના પણ તરુવરો નવપિલ્લત થાય છે. તેથી તો કવિએ કહ્યું છે...
‘ઋડો જુઓ આ ઋતુરાજ આવ્યો.
વસંત એણે વનમાં જમાવ્યો.
તરુવરોએ શણગાર કીધો..!
વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે.
તેથી તો ગીતામાં વર્ણન કરતાં ઋતૂનાં કુસુમાકર: | (ભ.ગી.૧૦/૩૫) ‘ઋતુઓમાં વસંત ઋતુ હું છું.’ એમ ભગવાને કહ્યું છે.
વનસ્પતિ સૃષ્ટિની જેમ માનવ જીવનમાં પણ પાનખર આવે જ છે ત્યારે ઇશશ્રદ્ધા રાખી પોતાના પુરુષાર્થમાં મક્કમતાથી મંડ્યા રહીશું તો પ્રભુ આપણું જીવન ખીલવશે જ, એવો આશાદીપ સતત પ્રજવલિત રાખવાનું સૂચન વસંત કરે છે. તે આપણું જીવન હરિયાળું બનાવશે જ, તેની ખાતરી રાખવાની છે.
સમત્વનું પ્રતીક
વસંત એટલે સમત્વનું પ્રત્યક્ષ દર્શન. એ ઋતુકાળ જ એવો છે કે ત્યારે શરીરને ધ્રુજાવતી કડકડતી ઠંડી પણ હોતી નથી અને દઝાડતી ગરમી પણ હોતી નથી. જીવનમાં વસંત ખીલવવી હોય તો જીવનમાં આવનારાં સુખદુ:ખ, જયપરાજય, યશઅપયશ ઇત્યાદિ દ્વન્દ્વોમાં સમવૃત્તિ કેળવતાં આવડવી જોઇએ.
તેથી તો સમત્વનો મહિમા ગાતા ભગવાને ગીતામાં કહ્યું છે સમત્વં યોગ ઉચ્યતે | આ યોગનું લક્ષણ છે. આ હોય તો જ જીવન ખીલે- તો જ જીવનમાં સૌંદર્ય નિર્માણ થાય.
વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે. તેને જરૂર માણીએ, માણીએ પચાવીએ અને તે પચાવવા માટે સંયમની આવશ્યકતા છે, નહીં તો સંયમહીન જીવન વિલાસીનતાને નોંતરશે.
વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ
આવા સૌંદર્ય અને તારુણ્યથી છલકાતા ઋતુરાજ વસંતના વધામણાં લઇને આવતી વસંત પંચમીનો ઉત્સવ સમાજના જુદા જુદા લોકોમાં વિવિધ રીતે પ્રચલિત હતો.
તે વેદકાલીન પર્વ છે અને શ્રુતિ પ્રમાણે વસન્તે બ્રાહ્મણમુપનયેત્ | એ દિવસે બ્રાહ્મણ બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજનનું મહાન પર્વ ગણાય છે. આ અવસર પર ભગવતી સરસ્વતીનું પૂજન કરી સંગીત, નાટક વગેરે કલામય ઉપહારો દ્વારા કલાદેવી સરસ્વતીની આરાધના થતી.
પ્રાચીનકાળમાં રાજાઓ આ દિવસે વિદ્વત્ ગોષ્ઠિઓનું આયોજન કરતાં. ગ્રંથકાર, કવિ, લેખક વગેરે પોતપોતાની કૃતિઓ જનતા તથા સર્વજ્ઞ મનીષીઓ સમક્ષ મૂકતા. તેની આલોચના થતી અને શ્રેષ્ઠ કૃતિને પુરસ્કૃત કરવામાં આવતી.
કાલિદાસ, ભવભૂતિ ઇત્યાદિ નાટ્યકારોનાં નાટકો વસંતોત્સવ નિમિત્તે જનતા સમક્ષ રજૂ થતાં.
જીવન ખિલવવાનો ઉત્સવ
ગૃહસ્થી વર્ગ માટે વસંત પંચમી આમોદ અને ઉલ્લાસનું પર્વ છે. આ અવસર પર પ્રકૃતિ સ્વયં નવપલ્લવિત થઇ મહેકી ઊઠતી હોય, રંગબેરંગી પુષ્પોથી આચ્છાદિત થઇ આનંદવિભોર થઇ ઝૂમી ઊઠતી હોય, ત્યારે માનવનો ઉલ્લાસ પણ હાથમાં ક્યાંથી રહે?
તે કાળમાં નવાં વસ્ત્રો ધારણ કરી સજીધજી લોકો એકબીજાને અભિનંદન અને આલિંગન આપતા. આબાલવૃદ્ધ સહુમાં ઉલ્લાસ અને ઉમંગ છવાઇ જતો. આજે તો પ્રકૃતિનું સૌંદર્ય માણવાની લોકોને ક્યાં પડી છે? તેથી જ તો સમાજ જીવનનું સૌંદર્ય ખોઇ બેઠો છે.
વસંત એ તો ઋતુરાજ છે. બીજી ઋતુઓના આગમનથી મનુષ્યો, પશુપક્ષીઓ એક યા બીજી રીતે ત્રસ્ત થાય છે. ગરમીમાં લૂ, અળાઇ અને ગડગૂમડથી અકળાઇ જાય છે અને ઠંડીમાં ઠૂઠવાઇ જાય છે. વર્ષામાં કાદવકીચડથી અને પૂરથી ત્રસ્ત થતી પ્રજા, વસંતમાં રાહતનો શ્વાસ લે છે અને રમણીય રૂપ ધારણ કરેલી પ્રકૃતિ પણ મોકળા હાથે તેનાં સૌંદર્ય અને પ્રસન્નતાની લહાણી કરે છે.
વસંતપંચમી, વસંતઋતુના આગમનથી સાથે આહારવિહારમાં યોગ્ય પરિવર્તનનો સંદેશ પણ આપે છે. ઋતુપરિવર્તનની સાથે સાથે માણસે પણ ઋતુચર્યામાં આવશ્યક પરિવર્તન લાવવું જરૂરી છે.
વસંતના આગમનથી સાથે શરીરના રક્તભિસરણમાં ફરક પડે છે. તે હલકું થાય છે. જીવનમાં નવો ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચેતનાનો ઉમંગ ખૂબ છલકે છે.
ટૂંકમાં, ભારતીય સંસ્કૃતિએ બધી જ દ્રષ્ટિથી વસંતને આવકારી છે, અને તેના વધામણા રૂપે વસંતપંચમીનો ઉત્સવ મન મૂકીને માણ્યો છે. સાથે સાથે પ્રેરક નિર્દેશ કર્યો છે કે જીવનમાં વસંતને ખિલાવવી હશે તો આશાદીપ સતત પ્રજ્વલિત રાખીને સંયમ અને સમત્વ વૃત્તિ કેળવવી પડશે.
સંત થવું છે ને? તો જીવનમાં વસંતને ખીલવા દો. વસંતમાંથી પ્રેરણા લઇ પોતાની જાતને કંડારી એક સુંદર આકૃતિ નિર્માણ કરી વસંતને વધાવીએ.
.












