Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Saturday, Jan 16th, 2010, 3:58 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarરાજેન્દ્ર શાહ ગયા, પણ હૃદયમાં રહ્યા

Suresh Dalal

પ્રેમમાં ક્રીડા પણ છે અને પીડા પણ છે. વિષય બદલાય પછી પણ એનો એ લય પરંપરાનો લય પણ કેવું કામ આપી શકે છે એ જોવા જેવું છે. ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે’ એ જ લય અહીં પ્રેમના વિષયમાં જુદી રીતે ઉદય પામ્યો છે. પ્રેમ થયો છે. આ પ્રેમ એ કેવડિયાનો કાંટો છે. એની મદહોશ સુવાસ મૂર્છિત કરે છે. પણ કાળજામાં દાવાનળ છે. આ બેહોશ કરી મૂકતી મહેક ગમે છે તો ખૂબ, પણ ખૂબ ગમે છે એમ સીધું કહેવાને બદલે નાયિકા ‘મૂઈ રે એની મ્હેક’ કહીને છેવટે તો ઓવારી જતી હોય એવો અનુભવ સહૃદયને આપે છે. suresh dalal



કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે
કેવડિયાનો કાંટો અને વનવગડામાં વાગ્યો રે
તાવ હોય તો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ
રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહીં કહીં ભાંગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
- રાજેન્દ્ર શાહ



પ્રેમની લાગણી સનાતન છે. ગામડાગામમાં રહેતી કોઈ સ્ત્રી હોય તો એની અભિવ્યક્તિ જુદી હોય. શહેરમાં રહેતી કોઈ સ્ત્રી હોય તો એની અભિવ્યક્તિ જુદી હોય, આદિવાસી કે વનવાસીની અભિવ્યક્તિ જુદી હોય. અભિવ્યક્તિ જુદી હોઈ શકે પણ મૂળ વાત તો પ્રેમની છે. પ્રેમમાં ક્રીડા પણ છે અને પીડા પણ છે.



કેટલીક પીડા મનગમતી હોય છે. દેખાવ ફરિયાદનો હોય પણ એ ઉપર ઉપરની ફરિયાદને હઠાવી દઈએ તો નર્યો આનંદનો લય હોય. વિષય બદલાય પછી પણ એનો એ લય પરંપરાનો લય પણ કેવું કામ આપી શકે છે એ જોવા જેવું છે. ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે’ એ જ લય અહીં પ્રેમના વિષયમાં જુદી રીતે ઉદય પામ્યો છે.



પ્રેમ થયો છે. આ પ્રેમ એ કેવડિયાનો કાંટો છે. એની મદહોશ સુવાસ મૂર્છિત કરે છે. પણ કાળજામાં દાવાનળ છે. આ બેહોશ કરી મૂકતી મહેક ગમે છે તો ખૂબ, પણ ખૂબ ગમે છે એમ સીધું કહેવાને બદલે નાયિકા ‘મૂઈ રે એની મ્હેક’ કહીને છેવટે તો ઓવારી જતી હોય એવો અનુભવ સહૃદયને આપે છે.



જે ખૂબ ગમે છે એને અણગમતું કરીને પ્રગટ કરવું અને એ દ્વારા પોતાના મનોભાવ પ્રગટ કરવા એમાં કવિતા અને કળા, વિસ્મય અને આનંદ-આ બધું એકરસ થતું જાય છે.



બાવળની શૂળ હોય તો એક ક્ષણનો વિચાર કર્યા વિના એને મૂળમાંથી કાઢી નાખીએ, પણ આ તો કેવડિયાનો કાંટો છે. આ કાંટા વિના ચાલે એવું નથી. અને આ કાંટા સાથે ચાલવાનું પણ છે અને મહાલવાનું પણ છે.



કેરથોરના કાંટા કે કાંકરિયાળી ધૂળ હોય એ તો દેખાય એવાં છે. જે દેખાય એનો તો ઉપાય પણ હોય. પણ આ તો અણદીઠાનો ખટકો છે. ભલે કહે કે જાલિમ ખટકો છે, પણ એ ખટકો જિગરજાન છે.



તાવ હોય તો એનો ઉપાય છે. તાવને કાઢવા માટે કવાથનો પણ ઉપચાર છે. આ કંઈ શરીરનો રોગ નથી. હૃદયનો રોગ છે, જેનો ઈલાજ હોય તો પણ કરવો નથી. ખરેખર તો આ પ્રેમનો વળગાડ છે. ગમી જાય એવો વહાલનો વળગાડ છે.



બહારનો વળગાડ હોય તો ભૂવાને પણ બોલાવીએ. આની પીડા તો રોમેરોમમાં છે અને આ કાંટો તો સીધો, સોંસરવો અને અખંડ ઊતરી ગયો છે. આપણા લોકગીતમાં ‘કેર કાંટો વાગ્યો રે’ આવે છે. રાજેન્દ્ર શાહનું અતિપ્રસિદ્ધ ગીત છે. રાજેન્દ્ર શાહે આ પ્રકારનાં બીજાં પણ ગીતો લખ્યાં છે દા.ત.:



મને જરા ઝૂંક વાગી ગઈ
માલતીની કૂલકોમળી તોયે ડૂંખ લાગી ગઈ.
થલ મહીં મેં જલ ને વળી જલને થાનક વ્યોમ
એક ઘડીમાં જોઈ લીધા મેં હજાર સૂરજ સોમ
સોણલાંને દોર દુનિયા નવી ગૂંચવાતી ગઈ
ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનો ઉતારનાર
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલ-ઝાર
મોહન એના મુખની એમાં ભૂગ જાગી ગઈ
મને જરા ઝૂંક વાગી ગઈ



hayati

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: