જીપભ્રમણ દ્વારા વિશ્વભ્રમણ
મોટર ગેરેજ અને એલ્યુમિનિયમના વ્યવસાય સાથે સંકળાયેલા આ બંને મૂળ કચ્છી વ્યાપારીઓએ જ્યારે માદરેવતન છોડ્યું ત્યારે જ નક્કી કરી લીધું હતું કે પાછા પોતાની ગાડીમાં જ ઘરે આવીશું. આ સંદર્ભે ચંદુલાલભાઇ કહે છે, ‘જીવનમાં ગમે ત્યારે ગાડી દ્વારા જ કચ્છ પાછા ફરવાનું નક્કી કરી લીધું હતું. જો કે જ્યારે પણ નીકળવાનું આયોજન કર્યું ત્યારે કોઇ અવરોધના કારણે પ્રવાસમાં અડચણ ઊભી થતી હતી. છેવટે થોડાં મહિના પહેલાં બધું સમુસૂતરું પાર પડ્યું.’
કચ્છમાં બંદરીય પ્રવૃત્તિ માટે જેનું ભૂતકાળમાં મોટું નામ હતું એવા માંડવી તાલુકાના નાગલપુર ગામના બે પાટીદાર યુગલ દસ દેશોની સફરે પોતાની ટોયોટા જીપમાં નીકળી પડ્યા અને મન ભરીને સફર માણી. કોઈ રેકોર્ડ સ્થાપવા માટે નહીં, પણ માત્ર સાહસ અને આનંદ ખાતર પોતાની જીપમાં ૧૧,૫૦૦ કિ.મી.ની મુસાફરી કરીને વિશ્વપ્રવાસ ખેડ્યો હતો.
એમ કહેવાય છે કે માંડવી બંદરે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા. આવી ધમધમતી બંદરીય પ્રવૃત્તિવાળા માંડવીના ચંદુલાલ રાબડિયા અને દેવજીભાઇ વરસાણી આશરે ત્રણ દાયકા પૂર્વે લંડનમાં સ્થાયી થયા હતા.
મોટર ગેરેજ અને એલ્યુમિનિયમના વ્યવસાય સાથે સંકળાયેલા આ બંને મૂળ કચ્છી વ્યાપારીઓએ જ્યારે માદરેવતન છોડ્યું ત્યારે જ નક્કી કરી લીધું હતું કે પાછા પોતાની ગાડીમાં જ ઘરે આવીશું.
આ સંદર્ભે ચંદુલાલભાઇ કહે છે, ‘જીવનમાં ગમે ત્યારે ગાડી દ્વારા જ કચ્છ પાછા ફરવાનું નક્કી કરી લીધું હતું. જો કે જ્યારે પણ નીકળવાનું આયોજન કર્યું ત્યારે કોઇ અવરોધના કારણે પ્રવાસમાં અડચણ ઊભી થતી હતી. છેવટે થોડાં મહિના પહેલાં બધું સમુસૂતરું પાર પડ્યું.’
તેમનો બ્રિટિશ પાસપોર્ટ હોવાથી ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, સ્વીત્ઝર્લેન્ડ અને ઇટાલી માટે વિઝાની જરૂર ન પડી. જ્યારે તુર્કસ્તાન, ઇરાન, પાકિસ્તાન અને ભારત માટે તેમને ઇમિગ્રેશનની વિધિ કરવી પડી.
ચંદુલાલભાઇ તેમના પત્ની રામબાઇ તથા દેવજીભાઇ વરસાણી અને તેમના અર્ધાંગિની ઇલાબેન વરસાણી આ અઘરો અને અનેરો નિર્ણય લઇને ૧૭મી માર્ચે લંડનથી પોતાની ટોયોટા કે ડબલ્યુ ઓ ૦૩ યુયુએસ જીપમાં નીકળી પડ્યા.
લંડનથી ફ્રાન્સ સુધી પહોંચવા વચ્ચે દરિયો હોવાથી ફેરીબોટ સર્વિસમાં પોતાની જીપ મૂકી દીધી હતી. બે કલાકની મુસાફરી બાદ ફરીથી રસ્તા પરનો પ્રવાસ શરૂ થઇ ગયો.
ફ્રાન્સથી ગ્રીસ-તુર્કસ્તાનમાં પહોંચતા જ પાટીદાર પરિવારોને બરફની સમસ્યા નડી. બરફની મોસમ હોવાથી રસ્તો કાપવો મુશ્કેલ બન્યો હતો, તો ઇરાકમાં પ્રવેશ કરતાં જ ટોયોટામાં ડીઝલ ખલાસ થઇ ગયું. રસ્તો લાંબો હતો અને ઇંધણ હતુ નહીં.
ગમે તેમ કોઇ પમ્પ સુધી ગયા પણ ત્યા ડીઝલ જ ખલાસ! આ મુસીબત વેળાએ ભગવાનને ભજતા રહ્યા. ત્યારે ઇરાકના મિલિટરી મેન ત્યાંથી પસાર થયા અને તેમની પૂછપરછ કરી. એટલે તેમને થયું કે, આ પ્રવાસીઓને કંઇક મુસીબત છે.
તેમણે ડીઝલ માટેની તાકીદે વ્યવસ્થા કરી આપી. પૈસા ન લેવા ઉપરાંત માનવતાના ધોરણે તેમની સાથે હોટલ સુધી જવાન સાથે આવ્યો અને બીજા દિવસે જોવાલાયક સ્થળો બતાવવા માટે મિલિટરીના વાહને એસ્કોર્ટ કર્યું.
આટલું ઓછું હોય એમ જ્યારે અહીંનો પ્રવાસ પૂરો થયો ત્યારે સરહદ સુધી મૂકવા સુધીનો ઉત્તમ સહકાર પૂરો પાડ્યો. આ તેમના માટે અવિસ્મરણીય બનાવ બની રહ્યો.
વિદેશમાં પણ કરછી ભાણું
ચંદુભાઈ કહે છે, ‘ફેમિલી વર્લ્ડ ટૂર’માં સવાર - સાંજ હોટેલમાં ‘બેસ્ટ ટેસ્ટ’ ન હોવા છતાં દેશ-પરદેશની વાનગી આરોગી લેતા, પણ સાંજના સમયે ગાડીમાં જોડે રાખેલા ગેસ ચૂલા અને કચ્છી ભાણાની સામગ્રીનો સદુપયોગ થતો. અમારા બંનેની પત્ની સરસ રસોઇ બનાવતી. આમ અમે વિદેશી ધરતી પર દેશી ખાણું ખાતા.’
પાકિસ્તાન પ્રવેશ મુશ્કેલ
પાડોશી દેશ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો, ત્યારે પ્રવેશ માટે જ સમસ્યા સર્જાઇ હતી. ઇસ્લામાબાદમાં ફિદાઇન હુમલામાં આઠના મોત થયા હતા અને રસ્તા બંધ હોવાથી મુશ્કેલી ઊભી થઇ.
પાકિસ્તાની ફોજને જાણ થઇ કે મૂળ ભારતીયો ફસાયા છે તો તેમણે જ અમારી મુશ્કેલી હળવી બનાવી દીધી. ભારતના નાગરિક હોવા છતાં પાકિસ્તાનીઓ દ્વારા કોઇપણ ભેદભાવ વિના તમામ મદદની તૈયારી દર્શાવાઇ હતી.
વાઘાબોર્ડરથી ‘વતન’માં...
પ્રવાસનો છેલ્લા તબક્કો એટલે પોતાના દેશમાં પ્રવેશ, દસમો દેશ અને આપણું વતન. વાઘાબોર્ડરમાં પ્રવેશતાં જ ફરજ પરસ્ત જવાનોએ સેલ્યુટ કરીને સ્વાગત કર્યું હતું.
વિશ્વપ્રવાસ દરમિયાન ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, ગ્રીસ, ઇરાન, પાકિસ્તાનનું ભ્રમણ કર્યા પછી ‘ભારતભ્રમણ’ શરૂ કર્યું.
પંજાબના અમૃતસરમાં સુવર્ણમંદિરે માથું ટેકવી, હરદ્વારમાં ગંગાસ્નાન કરીને રામનવમીના પવિત્ર દિવસે ‘ગાડીથી ઘેર પહોંચવાનો’ સંકલ્પ પરિપૂર્ણ કર્યો. કુલ ૧૧,૫૦૦ કિ.મીની યાત્રામાં ૧૨૦૦ લિટર ડીઝલ વપરાયું હતું.
સાડાત્રણ લાખનો ખર્ચ
દશ દેશોના પ્રવાસમાં ડોલર, યુરો, પાઉન્ડ અને ટ્રાવેલિંગ ચેકનો ઉપયોગ કરાયો હતો. ચાર જણ વચ્ચે ૩૫૦૦ પાઉન્ડ એટલે કે સાડાત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.











