ફાર્માસ્યૂટિકલ ઉધોગમાં વધતી તકો
સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે બેચલર ઓફ ફાર્મસી ડિપ્લોમા બાદ કાં તો મેડિકલ રિપ્રેઝન્ટેટિવ બની શકાય છે અથવા તો કેમિસ્ટની દુકાનનું લાઇસન્સ મેળવી શકાય છે. ફાર્મસી ઇન્ડસ્ટ્રી આજે વિશ્વ વ્યાપી બનીને વિશાળ ઉધોગનું રૂપ ધારણ કરી ચૂકી છે અને આવનારા સમયમાં તેની ગતિ વધવાની સંભાવના વિશેષજ્ઞો દ્વારા વ્યકત કરવામાં આવી છે.
દેશમાં દરેક મલ્ટીનેશનલ ફાર્માસ્યૂટિકલ કંપનીઓના અમેરિકન એફડીઆઈથી સર્ટિફાઇડ ફાર્માસ્યૂટિકલ પ્લાન્ટ્સ છે, જયાં વિશ્વની સૌથી ઉત્તમ કવોલિટીની દવાઓ તૈયાર કરવામાં આવે છે. એક સર્વેક્ષણ અનુસાર આપણા દેશમાં સ્વાસ્થ્ય જાગરૂકતા ઝડપથી વધી રહી છે અને અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ પણ વિસ્તરી રહી છે. જોકે તો પણ દેશમાં ૭૦ ટકા લોકો એલોપેથિક દવાઓનો ઉપયોગ કરતા નથી.
ફાર્માસ્યૂટિકલ ઇન્ડસ્ટ્રીમાં ડિગ્રી મેળવનારને જ નોકરી નથી મળતી, પરંતુ કેમેસ્ટ્રી, જયૂલોજી અને બોટનીમાં ડિગ્રી મેળવી ચૂકેલા યુવાઓ માટે વિભિન્ન પ્રકારની રોજગારની તકો રહેલી હોય છે. ફાર્મસીના ડિગ્રીધારકો સરકારી હોસ્પિટલ્સ અને પ્રાઇવેટ હોસ્પિટલ્સના ફાર્મા વિભાગમાં પણ નોકરી મેળવી શકે છે. ફાર્માસ્યૂટિકલ સાયન્સમાં ઉરચ અભ્યાસ કરવા માટે વિદેશમાં સ્કોલરશિપ તથા રોજગારની તક પણ રહેલી છે. આ ઉપરાંત યુનિવર્સિટી અઘ્યાપન અને રિસર્ચ સેન્ટરમાં પણ તકો રહેલી છે.
જાણીતી દવા કંપનીઓના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિંગ જેવા ક્ષેત્ર દિવસે ને દિવસે વિસ્તરી રહ્યા છે. જો કે બાયોટેકનોલોજી વિષયમાં ડિગ્રી મેળવી ચૂકેલા વિધાર્થીઓ પણ આવી કંપનીઓમાં અલગ અલગ જગ્યાએ નોકરી મેળવી શકે છે. એવા વિધાર્થીઓ કે જેઓ એમબીબીએસમાં કોઈ કારણસર એડ્મિશનથી વંચિત રહી ગયા હોય, તેઓ ફાર્મસીના ક્ષેત્રમાં કરિયર બનાવી શકે છે.










