ભ્રષ્ટાચારની રાઠોડબ્રાન્ડ જુગલબંધી
હરિયાણાના માજી પોલીસવડા રાઠોડ હોય કે ઝારખંડના શિબુ સોરેન હોય, ગુનેગાર હોવા છતાં આવા લોકો સજા પામતા નથી. આપણી સડી ગયેલી વ્યવસ્થાના આ ચોંકાવનારાં ઉદાહરણ છે. રાઠોડ જેવાઓના ભરપૂર આત્મવિશ્વાસનું કારણ એ છે કે ભ્રષ્ટ રાજપુરુષો અને ભ્રષ્ટ અધિકારીઓ એકબીજાનાં કુકર્મોને ઢાંકવા સતત દોડતા રહે છે. જ્યારે રુચિકાના પિતા જેવાઓ વર્ષો સુધી આંસુ સારતા બેઠા રહે છે.
ઝારખંડના શિબુ સોરેન અને હરિયાણાના માજી પોલીસ વડા રાઠોડ એ સડી રહેલી આપણી વ્યવસ્થાના ચોંકાવનારાં ઉદાહરણો છે. ભ્રષ્ટાચારના કાળા ડિબાંગ ધબ્બાઓથી રંગાયેલા રહેતા અને આ કારણે ત્રણ વખત કેન્દ્રના મંત્રીપદેથી અને બે વખત મુખ્યમંત્રીપદેથી ફારેગ થવું પડ્યું હોવા છતાં હવે ત્રીજી વખત તેઓ ઝારખંડના મુખ્યમંત્રી બની રહ્યા છે. તો ૧૪ વર્ષની ગભરુ બાળા રુચિકાને પીંખવાનો પ્રયાસ કરવા માટે છ મહિનાની સજાનો ચુકાદો સાંભળ્યા પછી હસતા મોંએ અદાલતમાંથી બહાર નીકળી પોલીસ વડા રાઠોડ જણાવી રહ્યા છે, ‘આ ચુકાદા સામે હું અપીલમાં જવાનો છું... અને સત્યનો વિજય થવાનો છે, હું જીતવાનો છું...’ અંતિમ જીત માટે રાઠોડના આ ભરપૂર આત્મવિશ્વાસનું કારણ એ છે કે ભ્રષ્ટ રાજપુરુષો અને ભ્રષ્ટ અધિકારીઓ એકબીજાના દુષ્કત્યો પર પડદો નાખવા એકબીજાની સહાયે સતત દોડતા જ રહ્યા છે.
ચાલતી રહેલી આ જોગવાઈને કારણે લટકતા ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે પણ શિબુ હોય કે લાલુ હોય સત્તાના સિંહાસને બેસતા કોઈ રોકી શકતું નથી તેમ ગુનેગાર રાઠોડ પણ આ જ વ્યવસ્થાના લાભાર્થી થઈ અંતે નિર્દોષ છૂટી જવાની આશા રાખી રહ્યા છે. પરંતુ જોવાની વાત એ છે કે આખરે એમની સામે ગુનો નોંધાયો છે. અલબત્ત રાઠોડનો આ આત્મવિશ્વાસ આધાર વગરનો પણ નથી. ઓગસ્ટ,૧૯૯૦માં ૧૪ વર્ષની રુચિકાને પીંખવાનો જે પ્રયાસ રાઠોડે કર્યો હતો તેનો અદાલતી ફેંસલો આવતા પૂરા ૧૯ વર્ષ વીતી ગયા છે. ત્રણ વર્ષ તો રાઠોડ સામે એફઆઈઆર નોંધવામાં થયા. ચંડીગઢની સીબીઆઈ કોટર્માં ચાલતા આ કેસમાં ૪૦૦ તો મુદતો પડતી રહી છે.
દરમિયાન રાઠોડનો જે દબદબો હતો તેનો પૂરો ઉપયોગ કરી તેઓએ રુચિકાના ભાઈને બેડીઓ પહેરાવી તેના મોહલ્લામાં ફેરવ્યો હતો, રુચિકાને તેની શાળામાંથી બરતરફ કરાવી હતી. તેના પિતા તથા પરિવારને ત્રાહિમામ્ કરવામાં કોઈ કસર છોડી ન હતી. ત્રાસ અને અસા યાતનાઓથી તંગ આવી જઈ ડિસેમ્બર,૧૯૯૩માં રુચિકાએ આત્મહત્યા કરી હતી.
તો બીજી બાજુ હરિયાણાના મુખ્યમંત્રીપદે ભજનલાલ હોય કે ચૌટાલા હોય, રાજયસત્તા કોંગ્રેસના હાથમાં હોય કે વિપક્ષના હાથમાં હોય રાઠોડની પ્રગતિ એક સરખી ચાલુ રહી. રુચિકાનો કિસ્સો બન્યો ત્યારે ૧૯૯૦માં તેઓ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પદે હતા અને ૨૦૦૨માં જ્યારે તેઓ નિવૃત્ત થયા ત્યારે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસપદે પહોંચી ચૂક્યા હતા. આટલું કમ હોય તેમ રાઠોડને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસપદક પણ ઉરચ સેવાઓ માટે મળી ચૂકયો છે. સત્તાનો વ્યાપક દુરુપયોગ કરી આ કિસ્સાને રફેદફે કરવાના રાઠોડના પ્રયાસો બહાર આવ્યા પછી દેશભરમાં પ્રવર્તમાન વ્યવસ્થા સામે ભારે રોષ પ્રગટ થવા લાગ્યો છે. ઉપરાંત ૧૯ વર્ષના લાંબા વિલંબ પછી અદાલતે ગુનેગાર રાઠોડને માત્ર છ માસની સજા ફટકારતાં આ ન્યાય છે કે ન્યાયને નામે મજાક છે તેવા પ્રશ્નો ઊઠવા લાગ્યા છે.
૧૯ વર્ષોપછી જે ચુકાદો આવ્યો છે તેનો અમલ પણ શક્ય નથી કારણ કે રાઠોડ હવે અપીલમાં જવાના છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીના દરવાજાઓ ખુલ્લા હોવાથી કમોતે મરનાર રુચિકાને ક્યારે ન્યાય મળશે તે કોઈ જાણતું નથી. રાઠોડ અને શિબુ સોરેનકમજોર વ્યવસ્થાતંત્રનોલાભ લઈ રહ્યા છે અને ભ્રષ્ટ રાજપુરુષો તથા ભ્રષ્ટ અધિકારીઓ વચ્ચે ચાલતી જુગલબંધીને પરિણામે એવી પરિસ્થિતિ જન્મી ચૂકી છે કે જેમાં ફરિયાદીને ફાંસી,સાક્ષીને સજા અને ગુનેગારને લીલા લહેર થઈ રહી છે!
સવાલ માત્ર શિબુ સોરેન કે રાઠોડ જેવા ભ્રષ્ટ રાજપુરુષો કે અધિકારીઓ પૂરતો હવે મર્યાદિત રહ્યો નથી. છેલ્લાં ૬૨ વર્ષ દરમિયાન કષ્ણમેનનના જીપકૌભાંડથી માંડી છેલ્લે બોફર્સ સહિતના કોડીબંધ કિસ્સાઓ બનતા રહ્યા છે. આવું જ વડાપ્રધાન નરસિંહરાવના કાળમાં લખુભાઈ પાઠકનો કિસ્સો હોય કે વિશ્વાસના મત વખતે લાંચ આપી સાંસદોના મત ખરીદવાના કિસ્સા હોય, કોઈ પણ ગુનેગાર પકડાતો નથી કે કોઈને સજા થતી નથી. સંરક્ષણ સોદાઓમાં કટકી લીધાના કોડીબંધ કિસ્સાઓ બહાર આવતા રહ્યા છે, પરંતુ રાજપુરુષ હોય કે સનદી અધિકારી હોય કોઈને સજા થતી નથી. સતત બનતા રહેલા આવા ઇતિહાસને પરિણામે આમજનતામાં એવી હતાશા ફેલાતી ચાલી છે કે વ્યવસ્થાતંત્રમાં ઊડે સુધી વ્યાપી ચૂકેલા આ સડાને દૂર કરવો આસાન રહ્યો નથી. સંભવત: આ હતાશાના પ્રત્યાઘાતમાંથી દેશભરમાં નક્સલવાદ આગની જેમ પ્રસરવા લાગ્યો છે.
‘સત્યમેવ જયતે’ આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે, પરંતુ હજુ પણ રુચિકા કેસના આરોપી એમ કહે કે, ‘સત્યનો વિજય થવાનો છે અને હું છૂટી જવાનો છે...’ ત્યારે પ્રશ્ન એ થાય છે કે આપણી અત્યારે સત્ય કોણ નક્કી કરે છે? ભ્રષ્ટ અધિકારીઓની સાઠગાંઠ દ્વારા સર્જવામાં આવેલું સત્ય કે રુચિકા તથા તેના પીડિત પરિવારની વેદનાઓમાંથી ઉદભવેલું સત્ય? અત્યાર સુધી જે અનુભવો થતા રહ્યા છે તેમાં ભ્રષ્ટ રાજપુરુષો તથા ભ્રષ્ટ અધિકારીઓએ જે ‘સત્ય’નું સર્જન કરે રાખ્યું છે તેનો સ્વીકાર દેશે કરવો પડ્યો છે.
રુચિકાના પરિવાર જેવાઅસંખ્ય માનવીઓ જે યાતનાઓ વેઠતા આવ્યા છે તે સત્ય પર સતત પડદા પડતા રહ્યા છે. પરિણામે સોરેન હોય કે રાઠોડ હોય ગુનેગારો હોવા છતાં તેઓ સજા પામતા નથી અને હસતા ચહેરે ફરતા રહે છે જ્યારે રુચિકાના પિતા ૧૯ વર્ષોપછી પણ આંસુ સારતા હજુ બેઠા છે!
.










