વિજયકૂચ જારી રાખવાનું લક્ષ્ય
કોલકાતામાં આજે ભારત-શ્રીલંકા વચ્ચે મેચ, નિયો-ડીડી પરથી બપોરે ૨.૩૦ કલાકે પ્રસારણ
મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજસિંઘની ગેરહાજરીથી બેટિંગમાં થોડી નબળી પડી ગયેલી ભારતીય ટીમ શ્રેણીમાં ૨-૧ની સરસાઇના માનસિક લાભ સાથે ગુરુવારે અહીં રમાનારી ચોથી વન-ડે ક્રિકેટ મેચમાં પ્રવાસી શ્રીલંકા સામે રમશે. નિયો ક્રિકેટ અને દૂરદર્શન પરથી બપોરે ૨.૩૦ કલાકથી મેચનું જીવંત પ્રસારણ કરાશે.
કટકમાં રમાયેલી ત્રીજી વન-ડે જીતીને ભારતે સરસાઇ હાસંલ કરી લીધી છે અને ધોની-યુવરાજ જેવા સ્ટાર ખેલાડીની ગેરહાજરીમાં પણ ભારતની બેટિંગ મજબૂત છે અને તેના સહારે ગુરુવારે વીરેન્દ્ર સેહવાગની ટીમ અહીંના ઇડન ગાર્ડન્સ ખાતેની મેચ જીતવા માટે સક્ષમ હોવાનો દાવો થઇ રહ્યો છે. ભારત આ મેચ જીતીને શ્રેણીમાં અજેય સરસાઇ હાંસલ કરવાનો પ્રયાસ કરશે.
નિયમિત સુકાની ધોની પર ધીમા ઓવરરેટને કારણે બે મેચનો પ્રતિબંધ લદાયો છે અને યુવરાજસિંઘ આંગળીની ઇજાને કારણે શ્રેણીની બાકીની બંને મેચમાંથી આઉટ થઇ ગયો છે. આ બંને ખેલાડી તાજેતરના ગાળામાં સારા ફોર્મમાં હતા પરંતુ ભારતે બંને વિના રમવાનું છે.
છેલ્લે કટકમાં યુવરાજ માત્ર ૨૩ રન નોંધાવી શકયો હતો તેમ છતાં ભારતે સાત વિકેટે આસાનીથી મેચ જીતી લીધી હતી. સચિન તેંડુલકરે અણનમ ૯૬ રન ફટકાર્યા હતા તો સેહવાગે તેની આદત મુજબ આક્રમક શરૂઆત કરીને ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો.
બીજી તરફ શ્રીલંકા પણ ઇજાની સમસ્યાથી પરેશાન છે અને શ્રેણી સરભર કરવા આતુર છે. શ્રીલંકાએ તિલકરત્ને દિલશાન, ઉપુલ તરંગા અને સુકાની કુમાર સંગાકરાની મદદથી કટકમાં સારી શરૂઆત કરી હતી પરંતુ એ પછી ટીમનો ધબડકો થયો હતો અને બે વિકેટે ૧૬૫ રનના સ્કોરથી ૨૩૯ રનમાં તેના બાકીના તમામ ખેલાડી આઉટ થઇ ગયા હતા.
ભારત પાસે મજબૂત બેટિંગ છે તેમ છતાં ગુરુવારની આ ડે-નાઇટ મેચમાં સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ પાસેથી ફરી એક વાર ઝંઝાવાતી પ્રારંભની અપેક્ષા રખાશે, કેમ કે આ શ્રેણીની અગાઉની બે મેચમાં પુરવાર થઇ ગયું છે કે દિલશાન, તરંગા અને સંગાકરા જેવા મોખરાના બેટ્સમેન સામે ગમે તેવો મોટો સ્કોર પણ વામણો બની જાય છે. રાજકોટમાં ભારતના ૪૧૪ રનના સ્કોર અને નાગપુરમાં ૩૦૧ રનના સ્કોર સામે દિલશાને જે રીતે બેટિંગ કરી હતી તે જોતાં ઇડન ગાર્ડન્સ પર પણ ભારતે ફરીથી જંગી સ્કોર નોંધાવવો પડશે.
સચિન, સેહવાગ અને ગંભીર પછી કોહલી કે દિનેશ કાર્તિક અથવા તો યુવરાજના સ્થાને આવનારા કોઇ પણ બેટ્સમેને ભારતને જંગી સ્કોર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવવી પડશે. પાંચમી વન-ડેમાં ધોની ફરીથી ટીમમાં આવે એ અગાઉ સેહવાગ પણ ભારતને શ્રેણી જિતાડી આપવાનો પ્રયાસ કરશે.
આજે જયસૂર્યા રમે તેવી સંભાવના
સળંગ બે વન-ડેમાંથી બાકાત રખાયા બાદ શ્રીલંકાનો અનુભવી ઓપનર સનત જયસૂર્યા ગુરુવારની ચોથી વન-ડેમાં ભારત સામે રમે તેવી સંભાવના છે. એંજેલો મેથ્યુઝ ઘાયલ થઇને વતન પરત ફરી જતાં કટકમાં શ્રીલંકાને બેટિંગમાં ઝઝૂમવું પડયું હતું અને હવે તેઓ ફરીથી જયસૂર્યાને ઓપનિંગમાં મોકલે તેવી શક્યતા વધી ગઇ છે. શ્રીલંકન ટીમ મેનેજમેન્ટે જયસૂર્યાની બેટિંગ તરફ વધારે ઘ્યાન કેન્દ્રિત કર્યું હતું.












