૩૪ મહિના બાદ ઇડન ગાર્ડન્સમાં વન-ડે રમાશે
સચિને આ મેદાન પર ૧૨ મેચમાં ૪૮૮ રન નોંધાવ્યા છે
ઇંગ્લેન્ડમાં લોર્ડ્સ અને ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડનું જેટલું મહત્વ છે તેટલું જ ભારતમાં કોલકાતાના ઇડન ગાર્ડન્સનું મહત્વ છે. ઇડન ગાર્ડન્સ ૨૦૦થી વધારે વર્ષથી ક્રિકેટનું આયોજન કરી રહ્યું છે પરંતુ બીસીસીઆઇના રાજકારણ અથવા તો અન્ય બાબતોને કારણે આ મેદાનને ઘણા સમય બાદ વન-ડે મળી રહી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ગુરુવારે અહીં શ્રેણીની ચોથી વન-ડે રમાશે એ અગાઉ ૩૪ મહિના પહેલાં અહીં વન-ડે રમાઇ હતી અને એ વખતે પણ આ જ બે ટીમ ટકરાઇ હતી. ૨૦૦૭ના વર્લ્ડ કપ અગાઉ ફેબ્રુઆરીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે અહીં વન-ડે રમાઇ હતી પરંતુ કમનસીબે વરસાદને કારણે માત્ર ૧૮ ઓવરની રમત બાદ મેચ પડતી મુકાઇ હતી. એ અગાઉ છેક ૨૦૦૫ના નવેમ્બરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેદાન પર મેચ રમાઇ હતી.
આ દરમિયાન ૨૦૦૬ના અંતમાં યોજાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની એકેય મેચ ઇડન ગાર્ડન્સને ફાળવાઇ ન હતી. હવે ૩૪ મહિનાના લાંબા ગાળા બાદ અહીં મેચ રમાશે. ઇડન ગાર્ડન્સ પર ભારત ૧૫માંથી આઠ મેચ જીત્યું છે અને છ મેચમાં તેનો પરાજય થયો છે તો શ્રીલંકા છમાંથી ત્રણ મેચ જીત્યું છે અને બેમાં તેનો પરાજય થયો છે. અંગત રેકોર્ડમાં સચિન તેંડુલકર કોલકાતામાં પણ તમામ કરતાં આગળ છે. આ મેદાન પર તેણે ૧૨ મેચમાં ૫૪.૨૨ની સરારેશથી ૪૮૮ રન નોંધાવ્યા છે જેમાં એક સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે.












