વેલસ્પન કંપનીના કોટિંગ પ્લાન્ટમાં એકાએક આગ
દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ વેલસ્પન કંપનીના કોટીંગ પ્લાન્ટમાં મંગળવારે સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગની જવાળાઓના પગલે મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઇ હતી.
જો કે વિવિધ કંપનીઓમાંથી કુલ સાત જેટલી અગ્નિશામક ગાડીઓ આવી પહોંચતાં એક કલાકમાં જ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. મોડી રાત્રિ સુધી આગથી નુકશાનીનો કોઇ ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.
દહેજ જીઆઇડીસીમાં આવેલ વેલસ્પન કંપનીનાં કોસ્ટીંગ પ્લાન્ટમાં આજે મંગળવારે સવારના ૪:ર૦ કલાકે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગની જવાળા જોત જોતામાં આગળ કોંટીંગ પ્લાન્ટમાં પ્રસરી જતાં કામદારોમાં નાશભાગ થઇ ગઇ હતી.
આગ લાગ્યાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકોના હૈયા મોટી હોનારત સર્જાવાની ભીતિના પગલે અઘ્ધર થઇ ગયા હતા. બનાવની જાણ જીએસીએલ, બીરલા, રિલાયન્સ, એલ એન્ડ ટી, પેટ્રોનેટ, જીસીપીટીએલ તેમજ વિડિયોકોન કંપનીના લાશ્કરોને થતાં સાત જેટલાં લાઇબંબા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અંદાજે પ.૧પ કલાકે બે લાઇબંબાની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી. આગના કારણે ઇબોક્ષ ટીકીંગ રૂમમાં મુકેલ પાઇપને કાટ ન લાગે તે માટે કોટીંગમાં ઉપયોગી લેવાતો પાવડર, મશીનરી સહિત લાખોનું નુકશાન થયું હતું.
બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે જાણ થતાં એ.એસ.આઇ. ભગવાનભાઇ તથા સ્ટાફે એફ.એસ.એલની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી જઇ આગ લાગવાના મુખ્ય કારણો ની તપાસ હાથ ધરી હતી.
જો કે પ્રાથમિક તબક્કે એફ.એસ.એલ ટીમે પણ આગ લાગવા પાછળ શોટ સર્કિટ કારણભૂત હોવાનું માની રહી છે. મોડી સાંજ સુધી નુકશાનીનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. ઘટનાના પગલે કોઇ જાનહાની થઇ ન હતી.










