પાકિસ્તાનની ડોમેસ્ટિક ક્રિકેટમાં પાણીનાં ફાંફાં
કરાચીના ઐતિહાસિક નેશનલ સ્ટેડિયમમાં યુનુસખાનને પણ મિનરલ વોટર અપાયું નહીં
એક તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિશ્વભરની ટીમોને તેમના દેશમાં રમવા આવવાની અને સુરક્ષા સહિત તમામ સવલત આપવાની ઓફર કરે છે અને બીજી તરફ કરાચીના ઐતિહાસિક નેશનલ સ્ટેડિયમ ખાતે રમાતી પાકિસ્તાનની નેશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં રમતા યુનુસ ખાન સહિતના ખેલાડીઓને પીવાનાં પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી.
કરાચી અને હબીબ બેંક વચ્ચે રમાતી કાયદે આઝમ ટ્રોફીની ફાઇનલ દરમિયાન ક્રિકેટરોને મિનરલ વોટરને બદલે વોટર કુલરમાંથી પાણી આપવામાં આવે છે. હજી તાજેતરમાં જ પાકિસ્તાની ટીમના સુકાનીપદેથી રાજીનામું આપનારા યુનુસ ખાનને પેટની બીમારી હતી અને તેણે મિનરલ વોટરની જાતે જ વ્યવસ્થા કરવી પડી હતી.
ગ્રાઉન્ડ સ્ટાફ અને સ્થાનિક સત્તાવાળાઓએ એવો દાવો કર્યો છે કે મિનરલ વોટર માટે તેમને બજેટ ફાળવાયું નથી. આ ઉપરાંત મેચમાં સ્કોરિંગ કરી રહેલા સ્કોરર્સને તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્કોરબુક પણ આપી નથી. પીસીબી કહે છે કે આ માટે તેમની પાસે બજેટ નથી. સ્કોરર્સે જાતે સ્કોરબુક પ્રિન્ટ કરાવવી પડી છે.
પીસીબી આર્થિક બાબતોને કારણભૂત દર્શાવે છે ત્યારે આ મેચ નિહાળવા આવેલા પાંચેય પસંદગીકારોને તમામ સવલત આપવામાં આવી રહી છે. આ તમામ પસંદગીકાર પાકિસ્તાનના વિવિધ રાજયોમાંથી આવેલા છે અને તેમની તમામ સગવડોનો ખર્ચ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઉઠાવી રહ્યું છે.











