અમ્પાયરની ભૂલને કારણે સચિન સદી ચૂક્યો?
સચિનના બેટને સ્પર્શીને ગયેલા બોલમાં ઇરાસમસે વાઇડના રન આપ્યા હતા
સચિન તેંડુલકર તેની વન-ડે કારકિર્દીમાં સોમવારની મેચ અગાઉ ૧૭ વખત નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થયેલો હતો અને સદી ચૂકી જવી એ તેના માટે પહેલી ઘટના ન હતી પરંતુ સોમવારે શ્રીલંકા સામેની કટક ખાતેની વન-ડેમાં જે કાંઇ બન્યું તેમાં સચિનનો વાંક ન હતો.
ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં સચિન ૯૬ રન સાથે અણનમ રહ્યો હતો અને ભારત આસાનીથી મેચ જીતી ગયું ત્યારે દિનેશ કાર્તિકે જાણી જોઇને સચિનને સદીથી વંચિત રાખ્યો હોવાની રમતપ્રેમીઓમાં લાગણી પેદા થઇ છે. કાર્તિકે છેલ્લી ઓવરોમાં સિક્સર અને બાઉન્ડ્રી ફટકારીને ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી અને સચિન અણનમ રહી ગયો.
જોકે એક હકીકત એવી પણ છે કે સાઉથ આફ્રિકન અમ્પાયર મેરિયસ ઇરાસમસની ભૂલને કારણે સચિન સદીથી વંચિત રહ્યો હતો.
અજંતા મેન્ડીસે ફેંકેલી ૩૮મી ઓવરના છેલ્લા બોલે સચિન તેંડુલકર લેગ સાઇડમાં રમ્યો હતો અને તેના બેટને સ્પર્શીને ગયેલા બોલને અમ્પાયર ઇરાસમસે વાઇડના રન આપ્યા હતા. એ બોલે ભારતને ત્રણ રન મળ્યા હતા. આ જ રીતે એ પછી મલિંગાની ઓવરમાં સચિન રમ્યો ત્યારે પણ અમ્પાયરે લેગ બાયનો રન આપ્યો હતો.
આ બંને કિસ્સામાં ટીવી રિપ્લેમાં સ્પષ્ટ દર્શાવાયું હતું કે બોલ સચિનના બેટને અડીને ગયો હતો અને એ રન બેટ્સમેનના ખાતામાં જવા જોઇતા હતા પરંતુ બંને વખતે અમ્પાયરે વાઇડ અને લેગ બાયના રન આપી દીધા હતા.
આ પ્રકારના નિર્ણય માટે થર્ડ અમ્પાયરની મદદની જોગવાઇ નથી. આમ હોત તો કદાચ એ રન સચિનને મળ્યા હોત.
વાઇડના ત્રણ રન અને લેગ બાયનો એક રન થતાં એ ચાર રન સચિનને મળ્યા હોત તો તે ૯૬ને બદલે ૧૦૦ રને અણનમ રહ્યો હોત. આ ઉપરાંત દિનેશ કાર્તિકે પણ છેલ્લે છેલ્લે સચિનને સ્ટ્રાઇક આપી ન હતી જેને કારણે તે સદીથી વંચિત રહ્યો હતો.










