બોલર્સે બેટ્સમેનનું કામ આસાન કર્યું : સહેવાગ
શ્રીલંકા પાસે મેચ જીતવા માટે પૂરતો સ્કોર નહોતો : સંગાકરા
ભારતીય સુકાની વીરેન્દ્ર સહેવાગે ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં શ્રીલંકા સામે સાત વિકેટે મળેલા શાનદાર વિજય માટે બોલર્સને જશ આપીને જણાવ્યું હતું કે સ્પિનર્સે ખાસ કરીને રવીન્દ્ર જાડેજાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને પ્રવાસી ટીમને ઓછા સ્કોરે ઓલઆઉટ કરીને બેટ્સમેનોનું કામ આસાન કર્યું હતું.
શ્રીલંકન સુકાની કુમાર સંગાકરાએ જણાવ્યું હતું કે પ્રવાસી ટીમ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ ગઇ હતી. સંગાકરાએ ભારતીય સ્પિનર્સ વિશેષ જાડેજાના પ્રદર્શનની ભરપૂર પ્રશંસા કરી હતી.
બે વન-ડેના પ્રતિબંધનો સામનો કરી રહેલા ધોનીના સ્થાને ટીમનું સુકાન સંભાળી રહેલા સહેવાગે જણાવ્યું હતું કે શ્રીલંકા ૩૫૦ સુધી ના પહોંચે તેવી મેં મેચ પહેલાં પ્રાર્થના કરી હતી. તેમને ઓછા સ્કોરે આઉટ કરવા તથા વિજય માટે મારે બોલર્સને જશ આપવો જ જોઇએ.
કટકની પિચ ધીમી હતી અને બોલ ટર્ન થતો હોવાના કારણે અમે હરભજન તથા જાડેજા પર મદાર રાખીને બેઠા હતા અને બંનેએ શાનદાર રીતે તેમની ભૂમિકા ભજવી હતી. બંનેએ પ્રવાસી બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા. સંગાકરાની વિકેટ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી અને ત્યાર બાદ શ્રીલંકાનો રકાસ થયો હતો. સચિને પણ શાનદાર બેટિંગ કરીને સતત એક છેડો જાળવી રાખ્યો હતો.
સંગાકરાએ જણાવ્યું હતું કે એક સમયે અમારો સ્કોર એક વિકેટે ૧૬૫ રનનો હતો અને અમે ઘણી સારી પરિસ્થિતિમાં હતા પરંતુ અમે ટૂંકા ગાળામાં વિકેટો ગુમાવવાનું શરૂ કર્યું હતું. ખરાબ પ્રદર્શન માટે અમે પિચ કે અન્ય કોઇને જવાબદાર ગણી શકીએ નહીં. મેચ જીતવા અમારી પાસે મોટો સ્કોર નહોતો. બોલર્સ પણ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા.












