વાંક કોનો: સચિનનો કે કાર્તિકનો..?
ચોગ્ગો કે છગ્ગો ફટકારી ટીમને જીત અપાવનાર ખેલાડીની હંમેશા પ્રસંશા થતી રહે છે પરંતુ ભારતીય વિકેટ કિપર દિનેશ કાર્તિકે શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી મેચમાં ચોગ્ગો ફટકારીને જીત અપાવી હોવા છતાં તેની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે અને તેના પર ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે.
તેનું એક માત્ર કારણે છે કે તેના આ ફટકાથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ચાર રન માટે તેની 46મી સદી ચૂકી ગયો હતો. તેથી જ લોકોને મેચ જીત્યાનો આનંદ કરતા સચિનની સદી પૂરી ના થઈ શકી તેનો અફસોસ વધુ હતો.
તમામ લોકોનું માનવું છે કે કાર્તિકે સચિનને વધુ સ્ટ્રાઈક આપવી જોઈતી હતી. કારણ કે જે સમયે ભારત જીતની અણી પર હતું ત્યારે કટોકટી નહોતી અને જો સચિન થોડો વધારે સમય કે દડા લે તો પણ ટીમ મુશ્કેલીમાં આવવાની નહોતી છતાં દિનેશ કાર્તિકે એક છગ્ગો ફટકાર્યો હતો. જો કે પૂર્વ ખેલાડીઓએ તેમ પણ માન્યું હતું કે ટીમની જીત વધારે મહત્વની છે.
આ અંગે ભારતની પૂર્વ સ્પિનર બાપુ નાડકર્ણિએ જણાવ્યું હતું કે કાર્તિક હજુ પરિપક્વ બન્યો નથી. તેણે સચિનને વધારે સ્ટ્રાઈક આપવી જોઈતી હતી જેથી કરીને તે પોતાની સદી પૂરી કરી શકે. પરંતુ કાર્તિક મેચને ઝડપથી પતાવવા ઉતાવળો હતો.
ભારતીય સુકાની અને કિપર મહેન્દ્ર સિંહ ધોની પર બે મેચનો પ્રતિબંધ હોવાના કારણે તેના સ્થાને કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે 32 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી ત્યારે સામે છેડે સચિન તેંડુલકર 96 રન બનાવીને અણનમ ઉભો હતો.
શ્રીલંકાએ આપેલુ લક્ષ્યાંક વટાવવામાં આવે તે પહેલા કાર્તિકે છગ્ગો ફટકાર્યો તે અંગે નાડકર્ણીએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તે સમયે આ પ્રકારનો શોટ મારવાની શું જરૂર હતી?
આ અંગે પૂર્વ ટેસ્ટ ક્રિકેટર ચંદુ બોર્ડેએ જણાવ્યું હતું કે જો સચિને સદી ફટકારી હોત તો ઘણું જ સારૂ થાત. હું માનું છું કે કાર્તિકે ઉત્સાહમાં આવીને આમ કર્યુ હતું. તેણે સલાહ લીધી ન હોવાના કારણને અને અનુભવના અભાવે તેણે આવુ કર્યુ હતું.
પૂર્વ ભારતીય સુકાની અને બેટિંગ લિજેન્ડ સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે જ્યારે સચિન 80 રને હતો ત્યારે તેણે થોડી ઝડપી બેટિંગ કરવાની જરૂર હતી. તમે ગમે તે ઉંમરના હોવ પરંતુ તમને સદી ચૂકી જવાની ઈચ્છા થતી નથી.
ગાવસ્કરે વધારેમાં જણાવ્યું હતું કે આ સમયે જો તમે સદી ઈચ્છતા હોવ તો તમારે થોડા વધારે આક્રમક થવાની જરૂર રહે છે. જ્યારે તે 80 રન પર હતો ત્યારે તેણે બેટિંગ પાવરપ્લેનો ઉપયોગ કરવાની જરૂર હતી જેથી તે ફટકા મારીને પોતાની સદી પૂરી કરી શકત.
અન્ય પૂર્વ ક્રિકેટર અબ્બાસ અલી બેગનું પણ કહેવું છે કે કાર્તિકે સચિનને વધું સ્ટ્રાઈક આપવાની જરૂર હતી પરંતુ ક્રિકેટ ટીમની રમત છે અને આવી ઘટનાઓ બનતી રહે છે.
જો તમારો સાથે ખેલાડી સદી ફટકારે તો તમને ઘણો જ આનંદ થાય છે. મને ખાતરી છે કે કાર્તિકે તેના સિનિયર પાર્ટનર સચિન પાસે જઈને વાતચીત કરી હશે અને સચિને પણ તેને વ્યક્તિગત સ્કોર પર ધ્યાન આપ્યા વગર તેની રમત રમવાનું જ જણાવ્યું હશે.
દેખીતી રીતે જ તેઓ મેચ પૂરી કરવાનું વિચારી રહ્યા હશે. તેંડુલકર સ્વાર્થી ખેલાડી નથી અને કાર્તિકને પોતાને સ્ટ્રાઈક આપવાનું નહીં જણાવ્યું હોય. ઘણા લોકો કહેતા હોય છે કે તેંડુલકર રેકોર્ડ માટે રમે છે પરંતુ આ વાત સાબિત કરે છે કે સચિન સ્વાર્થી નથી અને તે ફક્ત ટીમ માટે જ રમે છે, તેમ બેગે ઉમેર્યુ હતું.
પૂર્વ ભારતીય ઓપનર ચેતન ચૌહાણે પણ જણાવ્યું હતું કે તેંડુલકરની સદી પૂરી થવી જોઈતી હતી પરંતુ કાર્તિક પર રોષ કરવો વ્યાજબી નથી.
જો કાર્તિકે સચિનને સદી પૂરી કરવા માટે વધારે સ્ટ્રાઈક આપી હોત તો તે તેના માટે વધારે સારૂં થાત. તે સમયે ઘણી બધી ઓવરો બાકી હતી પરંતુ આવી પરિસ્થિતિમાં તમે કાર્તિક કે પછી અન્ય કોઈ ખેલાડીનો વાંક કાઢી શકો નહીં.
આ અંગે બોલતા ભારતના પૂર્વ કિપર સૈયદ કિરમાણીએ જણાવ્યું આ સમયે બેટ્સમેન પાસે સંદેશો મકલવાની જવાબદારી કોચની છે.
કિરમાણીએ વધારેમાં જણાવ્યું હતું કે જ્યારે સચિન 90 પર હતો ત્યારે તે કાર્તિક પાસે ગયો હતો અને કંઈક ચર્ચા કરી હતી પરંતુ હું નથી જાણતો કે ત્યારે શું ચર્ચા થઈ હતી. કદાચ સચિને કહ્યું હોવું જોઈએ કે તને ધોનીના સ્થાને બે મેચ માટે સમાવવામાં આવ્યો હતો તેથી તારે અણનમ રહેવું જોઈએ અને અંતે બન્ને જણા અણનમ રહ્યા હતા.
- તમે શું માનો છો કે સચિન તેંડુલકર સદી પૂરી ના કરી શક્યો એમાં કોનો વાંક છે? તમારા ફિડબેક આવકાર્ય છે.
.










