પેટાચૂંટણી: માટે આજે મતદાન
સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની બે, તાલુકા પંચાયતની બે અને ચોટીલા નગરપાલિકાની બે બેઠક સહિત સાત બેઠકની પેટાચૂંટણીમાં ૮૦ જેટલા મતદાન મથકો પર ૭૧ હજારથી વધુ મતદારો આજે મતદાન કરશે. આથી ચૂંટણીપંચ દ્વારા ૪૦૦ જેટલા કર્મચારીઓ અને ૨૦૦ જેટલા પોલીસકર્મીઓને મતદાન મથક પર તૈનાત કરી દીધા છે.
સુરેન્દ્રનગર જિલ્લાની રાજસીતાપુર અને ટીકર જિલ્લા પંચાયતની બેઠક પરના ઉમેદવારનું અવસાન થતા પેટાચૂંટણી જાહેર થઇ છે. જયારે ચૂડા તાલુકા પંચાયતની ચૂડા-૨ અને નાગનેશ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. આ ઉપરાંત ચોટીલા નગરપાલિકાની વોર્ડ નં. ૬ અને ૭માં પેટા ચૂંટણી જાહેર થઇ છે. આ પેટા ચૂંટણીમાં ઉમેદવારો અને તેમના ટેકેદારો લોકસંપર્ક કરી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભર શિયાળે ચૂંટણી જાહેર થતા ગરમાવો ફેલાઇ ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાની સાત બેઠકો પર ૧૫ ઉમેદવારો મેદાનમાં હોવાથી આજે રવિવારે મતદાન થશે. સુરેન્દ્રનગર જિલ્લાની સાત બેઠક પર ૮૦ જેટલા મતદાન મથકો પર ૭૧,૬૨૬ મતદારો આજે મતદાન કરશે. આથી ચૂંટણીપંચ દ્વારા ૪૦૦ જેટલા કર્મચારીઓ અને ૨૦૦ જેટલા પોલીસકર્મીઓને મતદાન મથક પર તૈનાત કરી દીધા છે.
આ અંગે સુરેન્દ્રનગર ચૂંટણી શાખાના ચૂંટણી અધિકારી વાધેલાએ જણાવ્યું કે, જિલ્લાની સાત બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે અંતિમ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. દરેક મતદાન મથક પર પાંચ કર્મીઓ અને બે પોલીસકર્મીઓની નિમણૂક અપાઇ છે.










