શહેરમાં નવું ઉધોગનગર બનાવાશે
સુરેન્દ્રનગર -વઢવાણ શહેરમાં જીઆઈડીસી એકમો આવેલા છે. પરંતુ જમીનના અભાવે નવા ઉધોગ એકમો સ્થાપી ન શકાતા અનેક બેકાર યુવાનોને રઝળપાટ કરવો પડે છે ત્યારે વઢવાણ તાલુકાના રાજપર ગામની સીમમાં નવું ઉધોગનગર બનાવવાના ચક્રો ગતિમાન થયા છે. આ ગામની સીમની સર્વે નં. ૫૧૪ જગ્યા પર ૩૦૦ એકમો સ્થાપવા માટેનું આયોજન થઇ રહ્યું છે. આ નવું ઉધોગનગર આકાર લેશે તો સુરેન્દ્રનગર અને વઢવાણ પંથકના ૬ હજાર લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
સુરેન્દ્રનગર-વઢવાણ વચ્ચે બે જી.આઇ.ડી.સી. કાર્યરત છે. આ જીઆઈડીસીમાં અનેક એકમો બંધ હાલતમાં હોવાથી હજારો કારીગરો બેકાર બન્યા છે.
ઉધોગનગર માટે પુરતી જમીન ઉપલબ્ધ
સુરેન્દ્રનગર જીનતાન ઉધોગનગર સહકારી મંડળીના પ્રમુખ ભરતભાઇ કોઠારીએ જણાવ્યું કે, રાજપર ગામની સીમમાં નવું ઉધોગનગર બની શકે તેટલી જમીન ઉપલબ્ધ હોવાથી નવું ઉધોગનગર બનાવવાની માગ કરાઇ છે. આ નવા ઉધોગનગરનું ખાતમુહૂર્ત તા. ૨૬ જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે થાય તેવા પ્રયાસો પણ કરાઇ રહ્યાં છે.










