સોનામાં રૂ.૧૩૦, ચાંદીમાં રૂ.૧૦૦ વઘ્યા
ગઇકાલની નરમાઇ બાદ આજે ઘરઆંગણે બુલિયન બજારમાં સુધારા તરફી ચાલ જોવાઇ હતી. સોનામાં રૂ.૧૩૦ અને ચાંદીમાં રૂ.૧૦૦ વઘ્યા હતા. સામાન્ય સુધારા સાથે વિશ્વ બજારમાં સોનું ૧૧૧૨ ડોલર પ્રતિ ઔંશ નજીક જોવાયું હતું.
સપ્તાહ દરમિયાન કિંમતી ધાતુઓમાં ઉથલ પાથલ જોવાઇ હતી. આજે રાજકોટ ખાતે સોનું રૂ.૧૩૦ વધી રૂ.૧૭૨૦૦, સોનું બિસ્કિટ રૂ.૧૩૦૦ વધી રૂ.૨,૦૧,૪૦૦ અને ચાંદી રૂ.૫૦ વધી રૂ.૨૭૩૦૦ના મથાળે હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૭૫ વધી રૂ.૧૭૨૫૦ અને ચાંદી રૂ.૧૦૦ વધી રૂ.૨૭૫૦૦ જોવાઇ હતી. દિલ્હી ખાતે સોનું રૂ.૧૧૦ વધી રૂ.૧૭૧૧૦, કોલકત્તા ખાતે સોનું રૂ.૭૦ વધી રૂ.૧૭૨૨૫ અને ચાંદી રૂ.૧૦૦ વધી રૂ.૨૭૫૦૦ થઇ હતી.
વિશ્વ બજારમાં નાયમેકસ ખાતે કોમેકસ સોનું ૪.૧૦૦ ડોલર વધી ૧૧૧૧.૫૦૦ ડોલર અને ચાંદી રૂ.૧૩ સેન્ટ વધી ૧૭.૩૨૦ ડોલર પ્રતિ ઔંશ હતી. હાજરમાં સોનું ૧૧૧૨.૯ ડોલર, ચાંદી ૧૭.૩૨ ડોલર અને પ્લેટીનમ ૧૪૩૨ ડોલર પ્રતિ ઔંશ જોવાઇ હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો ૩૮ સેન્ટ વધી ૭૩.૭૫૦ ડોલર પ્રતિ બેરલ થયો હતો. કિંમતી ધાતુઓમાં સુરક્ષિત રોકાણ વધતા સામાન્ય ભાવ વધારો હતો.
લેવાલીના અભાવે ખાધતેલમાં નરમાઇ હતી. કપાસિયા તેલમાં રૂ.૧૦ અને સીંગતેલમાં રૂ.પાંચ ઘટયા હતા. મર્યાદિત ડિમાન્ડ વચ્ચે એરંડા વાયદા અને હાજરમાં સતત બીજા દિવસે ભાવઘટાડો હતો. સોયા ઓઇલ વાયદો પણ ઘટયો હતો. સીંગતેલમાં સતત બીજા દિવસે નરમાઇ હતી. આજે સીંગતેલમાં ૧૦-૧૫ ટેન્કર અને કપાસિયા તેલમાં ૧૫-૨૦ ટેન્કરના કામકાજ હતા. આ સમયગાળામાં ડિમાન્ડ સારી હોય છે પરંતુ હાલમાં ઘરાકીનો અભાવ છે. સીંગતેલ લુઝ રૂ.પાંચ ઘટી રૂ.૬૬૫-૬૭૦, તેલિયા રૂ.૮ ઘટી રૂ.૧૦૩૭-૧૦૩૮, નવા ટીન ૧૫ લિટર રૂ.પાંચ ઘટી રૂ.૧૦૭૦-૧૦૭૫, નવા ટીન ૧૫ કિલો રૂ.પાંચ ઘટી રૂ.૧૧૬૦-૧૧૬૫, ૧૫ કિલો લેબલ ટીન રૂ.પાંચ ઘટી રૂ.૧૦૩૫-૧૦૪૦, અમદાવાદ તેલિયા ટીન રૂ.૧૧૩૦-૧૧૪૦ અને લેબલ ટીન રૂ.૧૨૧૦-૧૨૨૦ના ભાવે હતું.
કપાસિયા વોશ રૂ.પાંચ ઘટી રૂ.૪૧૭-૪૨૦, કપાસિયા ટીન રૂ.૧૦ ઘટી રૂ.૭૫૫-૭૬૫, કપાસિયા ૧૫ લિટર રૂ.૧૦ ઘટી રૂ.૭૦૦-૭૦૫, અમદાવાદ કપાસિયા જૂના ટીન રૂ.૭૭૦-૭૭૫, નવા ટીન રૂ.૮૨૫-૮૩૫ અને પામોલિન રૂ.૬૪૦ના મથાળે જોવાયું હતું.એરંડા વાયદા અને હાજરમાં ભાવ ઘટાડો હતો. આજે સપ્તાહને અંતે ગુજરાતમાં ૧૫૦૦૦ ગુણી આવક-ભાવ રૂ.૫૬૦-૫૭૦ અને સૌરાષ્ટ્રમાં ૫૦૦-૬૦૦ ગુણી આવક-ભાવ રૂ.૫૪૦-૫૬૦ હતો. રાજકોટ ડિસેમ્બર એરંડા વાયદો ૨૮૫૦, માર્ચ વાયદો રૂ.૨૯ ઘટી ૨૯૨૨ અને હાજર એરંડા રૂ.૪૪ ઘટી રૂ.૨૮૧૧ અને અમદાવાદ ફેબ્રુઆરી વાયદો રૂ.૨૦ ઘટી ૨૯૩૦ના સ્તરે હતો. ઘઉમાં ગઇકાલની નરમાઇ બાદ સુધારો હતો. આજે રાજકોટમાં ૧૦૦૦-૧૨૦૦ ગુણી આવક હતી. લોકવન નીચા માલના રૂ.૨૮૫-૩૦૦, લોકવન સારા માલના રૂ.૩૦૦-૩૨૦ અને ટુકડા સારા માલના રૂ.૩૧૦-૩૬૫ના ભાવ જોવાયા હતા.
નેશનલ બોર્ડ ઓફ ટ્રેડ ખાતે સોયા ઓઇલ જાન્યુઆરી વાયદામાં ૩૪૮૪૦ મેટ્રિક ટન કામકાજ અને વાયદો ૪૭૮.૪૦ અને ફેબ્રુઆરી વાયદામાં ૧૭૨૦ મેટ્રિક ટન કામકાજ અને વાયદો ૪૭૯.૩૦ હતો.












