ઓસી.-વિન્ડીઝ ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ત્રીજી અને અંતિમ ટેસ્ટ જીતવા ઓસ્ટ્રેલિયાને એક વિકેટની તથા વેસ્ટ ઇન્ડીઝને વધુ ૫૧ રનની જરૂર, ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ ૧૫૦ રનમાં સમેટાયો, ૩૫૯ રનના લક્ષ્યાંક સામે વેસ્ટ ઈન્ડીઝ નવ વિકેટે ૩૦૮, દેવનારાયણ ૧૭૧ બોલમાં ૮૨, નેશ ૬૫ રન, જ્હોન્સને ત્રણ તથા બોલિંગરે બે વિકેટ ખેરવી
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અહીં રમાતી ત્રીજી અને અંતિમ ટેસ્ટ અત્યંત રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઇ છે. ઓસ્ટ્રેલિયાને ૨-૦થી શ્રેણી જીતવા માટે વધુ એક વિકેટની તથા વેસ્ટ ઇન્ડીઝને ૧-૧થી શ્રેણી સરભર કરવા માટે વધુ ૫૧ રનની જરૂર છે.
ત્રીજી ટેસ્ટ જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપેલા ૩૫૯ રનના લક્ષ્યાંકની સામે વેસ્ટ ઇન્ડીઝે ચોથા દિવસની રમતના અંતે નવ વિકેટે ૩૦૮ રન બનાવી લીધા હતા. આ સમયે નીચલા ક્રમના બેટ્સમેન રોચ ૧૩ તથા ટોંગે ૧૨ રને રમી રહ્યા હતા.
આ જોડી વેસ્ટ ઇન્ડીઝને વિજય અપાવે છે કે નહીં તે રસપ્રદ બની ગયું છે. ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ ૧૫૦ રનના સ્કોરે સમેટાઇ ગયો હતો. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ આપેલા કપરા લક્ષ્યાંક સામે મેદાને પડેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૫૨ રનના સ્કોરે તેના બંને ઓપનર ક્રિસ ગેઇલ (૨૧) તથા ડાવલિન (૨૨)ની વિકેટ ગુમાવી દીધી હતી.
મઘ્યમ હરોળના બેટ્સમેન દેવનારાયણે ધૈર્યપૂર્ણ બેટિંગ કરીને ૧૭૧ બોલમાં દસ બાઉન્ડ્રી તથા બે સિકસર વ઼ડે પ્રવાસી ટીમ તરફથી સર્વાધિક ૮૨ રન ફટકાર્યા હતા. દેવનારાયણે નેશ સાથે ચોથી વિકેટે માટે ૧૨૩ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી.
નેશે ૧૮૩ બોલમાં ઉપયોગી ૬૫ રનનું યોગદાન આપ્યું હતું. બે મેચ માટે પ્રતિબંધિત થયેલા સુલિમાન બેને ૨૮ બોલમાં બે બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૩૩ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જ્હોન્સને ૬૭ રનમાં ત્રણ તથા બોલિંગરે ૬૨ રનમાં બે વિકેટ તથા વોટસને બે વિકેટ ખેરવી હતી.










