મારી જીંદગીમાં ‘ચીની કમ’ ફિલ્મ જેવું થયું છે, ઉકેલ જણાવશો
મારો પ્રશ્ન કહેતા મને શરમ લાગે છે. ભાવના બહેન મારા જીવનમાં ‘ચીની કમ’ જેવું થયું છે, પણ મારી ઉમર ૪૫ વર્ષની છે અને મને વીસ વર્ષનો એક છોકરો ખૂબ ગમે છે અમારાથી ન થવાનું થઇ ગયું છે. મારું કૌટુંબિક જીવન થોડું તકલીફ વાળું છે, હું શું કરું? - સંગીતા, એલ.પી.સવાણી રોડ
સંગીતા, આપને ખબર છે કે આપે શું કરવું જોઇએ. પણ આપ કદાચ એ નથી જાણતા કે કઇ રીતે કરવું. આપને ખબર છે કે આ સંબંધ આગળ જતાં સમસ્યા થઇ જવાનો છે. પણ આપ છૂટી નથી શકતા, પૂત્ર જેવડા છોકરા પ્રત્યે પ્રેમ જાગવો એ કોઇ અજાણી ઘટના નથી, કદાચ આપના જીવનનો ખાલીપો એ છોકરો ભરી રહ્યો હશે. એ છોકરા માટે કામજીવનનો પ્રથમ શારીરિક અનુભવ હશે. આથી એની પેશન તથા એનો ઉમંર સહજ તલસાટ સ્વાભાવિક છે કે પતિ તરફથી આપને નહિ મળતા હોય. જો આપ ખરેખર છુટવા માંગતા હોવ તો તત્કાળ એની સાથે ચર્ચા કરી સમજદારીથી નિર્ણય લઇ મળવાનું સદંતર બંધ કરી દો.
આ સંબંધ ધીરે ધીરે ઓછો કરી શકશો, ત્યારબાદ તમારું ઘ્યાન કોઇ અન્ય રચનાત્મક પ્રવૃત્તિ તરફ વાળો. સામાજિક પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ, અઘ્યાત્મ, જીમ, હેલ્થકલબ, મનોરંજક, સંગીત.. આપને જે ગમતું હોય તે કરો. યાદ રાખો શરૂશરૂમાં એ છોકરા વગર બધુ સુનુસુનુ લાગશે. જીવન અર્થહીન લાગશે. પણ તો ય સમય પસાર થવા દો. ધીમે ધીમે જીવન થાળે પડી જશે. ચાલીસેક વર્ષની વયમાં સ્ત્રીના જીવનમાં કોઇ અજીબ પ્રકારનો અજંપો આવતો હોય છે.
જે તેને આવા અવૈધ સંબંધો તરફ દોરી જતો હોય છે. આપના પતિ સાથેના સંબંધો મજબૂત બનાવવા કોશીશ કરો. આપની કૌટુંબિક જીંદગી ઓલરેડી સમસ્યારૂપ છે જો આ સંબંધ આગળ વધશે તો દામ્પત્યજીવન વધુ મોટા પાયે ખોરવાશે. લગ્નેતર સંબંધો કૌટુંબિક સમસ્યાનું સાચું સમાધાન નથી.












