ટાઇગરને છોડવા પત્નીએ અડધી કમાણી માગી
છેલ્લા પાંચ વર્ષની કમાણીના અડધા ભાગની માગણી કરી શકે છે તેની પત્ની
દુનિયાના નંબર એક ગોલ્ફર અમેરિકાના ટાઇગર વુડ્સને લગ્નેતર સંબંધોના પરિણામ સ્વરૂપ છેલ્લા પાંચ વર્ષની કમાણીનો અડધો ભાગ ગુમાવવો પડી શકે છે.
ઇંગ્લેન્ડના અખબાર ‘ધ મિરર’ ના રિપોર્ટ અનુસાર વુડ્સને છૂટાછેડા આપવાના બદલે તેની પત્ની અલિન નાર્ડગ્રેન તેની પાસેથી લગ્ન પછીની અડધી કમાણીની માગણી કરી શકે છે.
રિપોર્ટ અનુસાર અલિન દ્વારા છૂટાછેડાના નિષ્ણાત વકીલ સોરેલ ટ્રોપનો સંપર્ક સાઘ્યા બાદ મીડિયામાં વુડ્સ દંપતીના છૂટાછેડાની વાતો છવાઇ ગઇ છે. વુડ્સની છેલ્લા પાંચ વર્ષની કમાણી લગભગ ૩૩.૭૫ કરોડ પાઉન્ડ છે અને છૂટાછેડા માટે તેણે આની અડધી રકમ ચૂકવવી પડશે.
એલિન આવતા અઠવાડિયે કેલિફોર્નિયામાં સોરેલની મુલાકાત લે તેવી સંભાવના છે. ૮૨ વર્ષના વકીલ સોરેલ હોલિવૂડની પ્રખ્યાત હસ્તીઓ કેરી ગ્રાન્ટ, નિકોલ કિડમેન, બ્રિટની સ્પિયર્સ વગેરે તરફથી કેસ લડી ચૂકયા છે.
ઉલ્લેખનીય છે કે, પરિવારને બચાવી રાખવા માટેના પ્રયાસ કરી રહેલો ટાઇગર વુડ્સ ગોલ્ફથી અનિશ્ચિત કાળ માટે બ્રેક લઇ ચૂક્યો છે. અત્યાર સુધી વુડ્સની ૧૪ પ્રેમિકાઓએ વુડ્સ સાથેના લગ્નેતર સંબંધોનો સ્વીકાર કર્યો છે અને આ વાતથી નારાજ વુડ્સની પત્ની તેને માફ કરવા તૈયાર નથી.











