5 વિવાદિત અને અનુત્તર સવાલો
વાદ વિવાદ અને ચર્ચા ક્યારેક સારા પરિણામો લઇને પણ આવે છે. કેટલાક એવા મામલાઓ છે જે છેવટે વાતચીતના માધ્યમ દ્વારા જ ઉકેલી શકાય છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા મુદ્દાઓ પણ છે જેના પર વર્ષોથી ચર્ચા થતી આવી છે પરંતુ આજસુધી તેનો સર્વસ્વીકાર્ય જવાબ મળી શક્યો નથી. અને શક્ય છે કે કદાચ આ સવાલોના જવાબ ક્યારેય મળશે પણ નહીં. એક નજર પાંચ વિવાદિત સવાલો તરફ...
માણસ કોની પેદાયશ ? ઉત્ક્રાંતિની અથવા ઇશ્વરની ?
ઘર્મગુરૂઓ અને વૈજ્ઞાનિકો વચ્ચે આ મામલે ચકમક ઝરતી રહે છે. માનવની ઉત્પતિ કેવી રીતે થઇ ? શું સાચે જ આદમ અને ઇવ નું અસ્તિત્વ હતું ? આ વિવાદ વર્ષો જુનો છે.
લગભગ દરેક ધર્મોમાં ઇશ્વરીય સત્તાને સર્વોચ્ચ માનવામાં આવી છે. સૃષ્ટિની સંરચના ઇશ્વર દ્વારા થઇ હોવાનું માનવામાં આવે છે. હિન્દુ ઘર્મ અનુસાર બ્રહ્મા દ્વારા સૃષ્ટિની રચના થઇ હતી જેના પાલનની જવાબદારી વિષ્ણુની છે અને નષ્ટ કરવાની શિવની. ભૂતકાળમાં દુનિયાના એક ભાગમાં ચર્ચની સત્તા કોઇ રાજા કરતા પણ વધુ હતી જ્યારે લોકો એવું માનતા હતા કે પૃથ્વી જ અંતરિક્ષનું કેન્દ્ર છે.
જ્યારે લોકો એવું માનતા હતા કે પૃથ્વી ઇશ્વરની ભેટ છે અને સાત દિવસ માટેનું નિર્માણ છે ત્યારે આદમ અને ઇવની વ્યાખ્યા અસ્તિત્વમાં આવી હતી. ઘણાખરા લોકો આજે પણ આ માન્યતામાં વિશ્વાસ ધરાવે છે.
ચાર્લ્સ ડાર્વિન અને અન્ય વૈજ્ઞાનિકોની ધારણા છે ઉત્ક્રાંતિવાદ. વિજ્ઞાન માને છે કે આજનો મનુષ્ય એ ઉત્ક્રાંતિના ક્રમિક વિકાસનું પરિણામ છે. પરંતુ સાચુ શું છે ?
મૃત્યુદંડ, હા કે ના ?
આ અન્ય એક વિવાદિત સવાલ છે. પ્રાચીન સમયમાં (અને આજે પણ કેટલાક દેશોમાં) આંખના બદલે આંખનો સિદ્ધાંત અસ્તિત્વમાં હતો. જો કોઇ વ્યકિત કોઇનો જીવ લઇ લે તો તેણો પણ તેનો જીવ આપવો પડતો હતો જેને મૃત્યુદંડ કહેવામાં આવતો હતો.
પરંતુ શું સભ્ય સમાજના કોઇ નાગરિકને કોઇનો જીવ લેવાનો અધિકાર છે, ભલેને તે કોઇ અપરાધી હોય ? દુનિયાના કેટલાક દેશોમાં મૃત્યુદંડ પર પ્રતિબંધ છે. શું આ દેશોનો પ્રતિબંધ યોગ્ય છે ? શું એક એવા વ્યકિતને જીવતો રાખવો યોગ્ય છે જેના માટે જીવનનું કોઇ મુલ્ય જ ન હોય ?
નૈતિકતા શું છે ?
આ પણ એક વિવાદીત સવાલ છે. ભલે આપણે આ વિષયને ગંભીરતાથી ન લેતા હોય પરંતુ કોઇ એક વ્યકિતની નૈતિકતા બીજા પર લાગુ નથી થતી કારણ કે બંનેના વિચારો અલગ અલગ હોય છે. તો નૈતિકતાના સર્વમાન્ય સિદ્ધાંત શું છે ? એક ચોર કોઇનું પર્સ ચોરીને ભાગે છે તો તે ચોર છે અને નૈતિક રીતે તે ખોટું છે પરંતુ આપણે પાયરેટેડ સીડી લઇને ફિલ્મ જોઇએ છીએ તો શું આપણે ચોર નથી ?
કોઇ અન્યની પત્ની સાથે સહશયનને એક સમાજમાં અનૈતિક તો બીજા સમાજમાં સામાન્ય ગણવામાં આવે છે, એટલે કે નૈતિકતાના માપદંડો પણ સમાજે સમાજે અને વ્યકિતએ વ્યકિતએ બદલાતા રહે છે. શું કોઇ સર્વમાન્ય નૈતિક માપદંડો નક્કી થઇ શકે ?
જીવનની શરૂઆત ક્યારથી ? માના પેટમાંથી કે જન્મ બાદથી ?
ગર્ભપાત સામાન્ય સ્થિતિઓમાં પ્રતિબંધીત હોય છે. ગર્ભપાત એટલે કે કોઇ જીવીત જીવની હત્યા કરવી, નૈતિક રીતે આ ખોટું છે. પરંતુ જીવને જીવતો ક્યારે માનવામાં આવે ?
ધર્મશાસ્ત્ર માના પેટમાં વિકસિત થઇ રહેલા ભ્રુણને જીવન માનવામાં આવે છે, પરંતુ ચિકિત્સક મા ના પેટથી બહાર આવેલા નવજાત શિશુને જીવનની શરૂઆત માને છે. વિચારો જ્યારે આપણે આપણા બાળકોનો જન્મદિવસ મનાવીએ છીએ તો શું આપણે એ નવ મહિનાની ગણતરી કરીએ છીએ જે તે મા ના પેટમાં વિતાવે છે ? નહીં તો પછી જીવનની શરૂઆત ક્યારથી ગણવામાં આવે ?
છેવટનો અનુત્તર સવાલ, શું ઇશ્વર છે ? ઇશ્વર શું છે ?
જ્યારથી આપણું અસ્તિત્વ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી આ સવાલ ઉદભવ્યો છે, અને આ સવાલનો જવાબ આપણી પાસે નથી. શું ઇશ્વર હકિકતે અસ્તિત્વ ઘરાવે છે કે તે નરી કલ્પના માત્ર છે ? જો ઇશ્વર છે તો તેનું સ્વરૂપ કેવું છે ?
આપણે મનુષ્યો ઇશ્વરને એજ સ્વરૂપમાં જોઇએ છીએ જેવા આપણે છીએ, કારણ કે આપણી કલ્પના તેનાથી આગળ જઇ શકતી નથી. પરંતુ શું કોઇએ સાચેજ ઇશ્વરને સાચેજ જોયો છે ? ઇશ્વરની વજુદને કેવી રીતે પરિભાષિત કરી શકાય ?
.












