ગોલમાલ પર ગાળિયો
ગેસ કંપનીઓ કેવી રીતે ગેસમાં ગોલમાલ કરીને શહેરીજનોને છેતરે છે તે અંગે ‘ડીબી ગોલ્ડે’ ૧૬ નવેમ્બરના રોજ અગાઉ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડાફોડ કર્યોહતો. શહેરમાં સામાન્ય નાગરિકને સ્પર્શતી રાંધણ ગેસની સમસ્યા અંગે ‘ડીબી ગોલ્ડ’ની ટીમ સતત પ્રયત્નશીલ હતી. દરમિયાનમાં લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં ગેસ સિલિન્ડરના કાળા બજાર કરતા માતાજી સ્ટોર્સનું સ્ટિંગ ઓપરેશન હાથ ધરાયું હતું.
સ્ટિંગ માટેની વોચ દરમિયાન ડીએસઓ મકવાણાનો સંપર્ક કરતા તેમણે હકારાત્મક અભિગમ દાખવી તાબડતોબ તેમની ટીમ દરોડા માટે મોકલી હતી. બપોરે બે વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહી અંતર્ગત માતાજી સ્ટોર્સનું નામ ધરાવતી બે દુકાનો પર તપાસ કરતા ગેસના ગેરકાયદે ૧૨ સિલિન્ડરો મળી આવ્યાં હતાં.
ગોડાદરા નહેર પાસે આવેલી ભકિતનગર સોસાયટી અને તેનાથી થોડેક આગળ આવેલી ગંગાસાગર સોસાયટીમાં આવેલાં ‘માતાજી’ કરિયાણા સ્ટોર્સના માલિકો રાંધણ ગેસના કાળાબજાર કરતા હોવાની માહિતીને આધારે જયારે ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે ત્યાં આખો દિવસ કાળાબજારમાં સિલિન્ડર લેવા આવનારાઓનો ધસારો રહેતો હતો અને દરેક કંપનીની એજન્સીના ડિલિવરીમેન માતાજી સ્ટોર્સના માલિક ભગવાન અને ગીતા સિલિન્ડરનો જથ્થો પૂરો પાડતાં હતાં.
સરકારી રાહતદરના રાંધણગેસના સિલિન્ડરોના કાળાબજાર થતા હોવાની માહિતીને આધારે ‘ડીબી ગોલ્ડે’ ગોડાદરા નહેર પાસેની ભકિતનગર સોસાયટી અને ગંગાસાગર સોસાયટી ખાતે આવેલા ‘માતાજી કિરાણા સ્ટોર્સ’ પર સતત ત્રણ દિવસ વોચ ગોઠવી હતી.
અહીં રહેતા જેઠ ભગવાન અને ભાભી ગીતા દ્વારા એક ગેસ એજન્સીમાંથી જે રીતે ગેસ બોટલની ડિલિવરી આપવામાં આવે છે તે જ રીતે ડિલિવરી આપવામાં આવતી હતી અને આ કામ તદ્દન ગેરકાયદે કોઈ પણ જાતની પેટા એજન્સી વિના કે એકસપ્લોઝિવ લાઇસન્સ લીધા વિના બેફામ થઈ રહ્યું હતું.
એવું નથી કે જુદીજુદી ગેસ કંપનીના એજન્સીધારકો ગ્રાહકોની સવલત માટે ભાવોભાવ અહીંથી સિલિન્ડરની ડિલિવરી કરાવતા હતા. આ કામ થતું હતું એક બોટલ પાછળ રૂ.૪૦૦થી ૫૦૦ વધુ લઈને. આખો દિવસ અહીં તમામ ગેસ કંપનીનાં સિલિન્ડર્સ અપાતા હતા. રખે વરાછા જેવી ઘટના અહીં બને અને આસપાસની વસતી ગેસ બ્લાસ્ટમાં સ્વાહા થઈ જાય તે માટે ‘ડીબી ગોલ્ડે’ આ તમામ બાબત આબાદ પોતાના છૂપા કેમેરામાં કેદ કરી હતી.
આ એજન્સીના ડિલિવરીમેન કાળાબજારીયા સાથે ટેમ્પો મળેલા
માતાજી કિરાણા સ્ટોર્સ ચલાવતા જેઠ અને ભાભી દ્વારા તમામ કંપની આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ કંપનીની એજન્સીઓના ડિલિવરીમેનને ફોડી નાંખ્યા હતા. એજન્સી પરથી સીધો જ ટેમ્પો આ દુકાન પર આવી જતો હતો અને ભરેલા સિલિન્ડર ઉતારી ખાલી સિલિન્ડર લઈ જતો હતો.
ડિલિવરીમેનોને આ જોડી પાસેથી રૂપિયા સ્વીકારતા પણ કેમેરામાં ‘ડીબી ગોલ્ડે’ કેદ કર્યા હતા. અમારા કેમેરામાં આવેલા ટેમ્પોના નંબર જીજે-૫યુ, ૩૧૬૭ અને જીજે-૧૫એકસ, ૩૫૨૫ તથા જીજે-૫યુ,૨૭૬૨નો સમાવેશ થાય છે. જયારે દરેક કંપનીના લોગોવાળા કપડાં ધારણ કરેલા ડિલિવરીમેન પણ આબાદ ઝડપાયા હતા.
રોજ ૩૫ બોટલનું વેચાણ
ભગવાન ભાઇ અને ગીતા બંને મળી રોજ ૩૦થી ૩૫ ગેસ સિલિન્ડર કાળાબજારમાં વેચતાં હતાં. વિવિધ ગેસ એજન્સીના ડિલિવરી ટેમ્પોવાળા અહીં બેનંબરમાં સિલિન્ડર સપ્લાય કરી જાય કે તરત જ કાળાબજારમાં સિલિન્ડર ખરીદવા ગ્રાહકોની ભીડ આ જેઠ-ભાભીની જોડીની દુકાને જમા થઇ જતી હતી. દિવસ દરમિયાન ૫૦ કરતા પણ વધુ વ્યકિતઓ માતાજી કિરાણા સ્ટોર્સ પર રાંધણ ગેસની બોટલ લેવા માટે ઇન્કવાયરી કરતા હતા.
સિલિન્ડરની ઓફર અમને પણ કરાઈ
અમને પણ બોટલની જરૂર છે તેમ કહીને રાંધણ ગેસની માગણી કરતા પહેલા તો બોટલ આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ બાદમાં અમારી પાસે ખાલી બોટલ નહીં જોવા મળતાં તેમણે બાદમાં ટેમ્પોવાળા આવશે ત્યારબાદ સિલિન્ડર આપવાની બાંયધરી આપીને ગ્રાહક સાચવવાનું વલણ અપનાવ્યું હતું. ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૮૦૦ કહ્યો હતો. અમે તેઓ કયાંથી લાવે છે તે પૂછવાનો પ્રયાસ કર્યોહતો પણ તેઓ કંઇ બોલ્યા ન હતા.
બમણા ભાવે કાળાબજાર
આમ તો રાંધણ ગેસ ઉપર સરકાર સબસિડી આપતી હોવાને કારણે તે ગ્રાહકને ૩૨૦ રૂપિયામાં એજન્સીધારક મારફત મળે છે, પરંતુ માતાજી કિરાણા સ્ટોર્સ ચલાવતા ભગવાન અને ગીતા તથા અગ્રવાલ દ્વારા તો તેની બમણી રકમ વસૂલાતી હતી. ગ્રાહકોની મજબૂરી પ્રમાણે એક સિલિન્ડર પર ૪૦૦થી ૫૦૦ રૂપિયા વધુ વસૂલાતા હતા એટલે કે એક સિલિન્ડર રૂ. ૮૦૦માં વેચતા હતા.
આગ પર આખી સોસાયટી
આ જોડીને કરિયાણું કરતા વિસ્ફોટક સામાન વેચવામાં વધુ રસ હોય તેમ રાંધણ ગેસ અને કેરોસીન બંને ગેરકાયદે વેચતાં હતાં. જે દુકાનમાં ગેસના સિલિન્ડર રાખવામાં આવતા હતા, તે જ દુકાનમાં કેરોસીનનો જથ્થો પણ રાખવામા આવતો હતો. માતાજી કિરાણા સ્ટોર્સની બહાર જ કેરોસીન મળશે તેવું બોર્ડ મારવામાં આવ્યું હતું. કિરાણા સ્ટોરના માલિકો દ્વારા કોઇપણ જાતનો ફાયરસેફટીનો બંદોબસ્ત કરાયો ન હતો.
પુરવઠા વિભાગ સાથે લાઇવ રેડ
આ રીતે થયું ઓપરેશન
કદાચ અહેવાલ છપાઇ જાય અને બીજા દિવસે ચેતીને આ દુકાનદારો તંત્ર કોઇ કાર્યવાહી કરે તે પહેલાં જ રાંધણગેસના બાટલા સગેવગે કરી નાંખે અને મામલો શાંત થતા ફરીને એ જ ગોરખધંધા શરૂ કરી દે તેમ હોઇ અમે આ અંગેની જાણ તંત્રને કરવાનું નક્કી કર્યું હતું.
સાફ છબિ ધરાવતા જિલ્લા પુરવઠા અધિકારી એમ. એમ. મકવાણાને આ અંગે અમે જાણ કરીને માહિતગાર કરવાની તૈયારી સાથે તેમને ફોન કરતા તેઓ ચૂંટણી કામમાં બહારગામ હોવા છતાં પણ પોતાનો સ્ટાફ મોકલવાની તૈયારી દર્શાવી અને અમે આ ગોરખધંધાના સ્થળના એડ્રેસ આપી દીધાં હતાં. પુરવઠાની ટીમના ઇન્સ્પેકટર પ્રવીણભાઈ પટેલ, એ.ડી. લોઢે સહિતના કર્મચારીઓ સાથે અમે પણ પહોંચી ગયા હતા.
પહેલા ગંગાસાગર સોસાયટીમાં આવેલા માતાજી કરિયાણાની સ્ટોર્સના નામે ધંધો કરતા ૬૦ વર્ષીય રાજકુમાર અગ્રવાલને ત્યાંથી તો દુકાનમાં જ રાંધણગેસની છ બોટલો મળી આવી હતી,પણ ભકિતનગરમાં આવેલા માતાજી કરિયાણા સ્ટોર્સ ચલાવતી ગીતા નામની મહિલા ભારે ઉસ્તાદ હતી. દુકાન અને તેણીના ઘરમાં પુરવઠાની ટીમને કોઇ જ સિલિન્ડર જોવા મળતા ન હતા. છેવટે અમારે પુરવઠાની ટીમનું ઘ્યાન દોરવાની ફરજ પડી હતી.
આ મહિલાએ તેના મકાનની પાછળ જે રૂમો ભાડે આપ્યા છે તેમાં રાંધણ ગેસના સિલિન્ડરો છુપાવી રાખ્યા હોવાનું જણાવી પોતે બતાવતા મહિલાનો ભાંડો ફૂટી ગયો હતો. ભકિતનગર અને ગંગાસાગર સોસાયટી મળી કુલ આઠેક જેટલી ખોલીઓ પૈકી બેમાંથી ૧૨ રાંધણગેસના સિલિન્ડર મળી આવ્યાં હતાં. આ મહિલાએ આટાપાટા કરતા પુરવઠાની ટીમને તાળાં તોડવાની ફરજ પડી હતી.
અમે અગાઉ ચેતવ્યા હતા
એજન્સીના ડિલિવરીમેન જ રાંધણ ગેસના કાળાબજાર સાથે મળેલા હોવાનો ‘ડીબી ગોલ્ડે’ ૧૬ નવેમ્બરે પર્દાફાશ કર્યો હતો. ડિલિવરીમેન તેમજ તેના કાળાબજાર કરતા તત્ત્વોને માત્ર રૂપિયા ૫૦ બક્ષિસ લઈ ગેસ સિલિન્ડર એજન્સીમાંથી ટેમ્પો લઈ સીધા જ પહોંચાડી દેતા હોવા અંગે અમે આગાહ કર્યા હતા અને કાળાબજારિયાઓ રૂ. ૭૦૦થી ૮૦૦માં તેને વેચી મારતાનો પર્દાફાશ કર્યોહતો.
તે સમયે કંપની દ્વારા જરૂરી સૂચના એજન્સીધારકોને આપવામાં આવી હતી તેમ છતાં એજન્સીધારકોએ આ અંગે બધું બરાબર ચાલતું હોવાનો રિપોર્ટ કંપનીમાં કરી દીધો હતો અને ડિલિવરીમેનો પર વોચ રાખી ન હતી. જે અમે ફરી સ્ટિંગ ઓપરેશન કરી બોલતો પુરાવો ઊભો કરી આપ્યો છે.
પુરવઠા વિભાગે બે દુકાન અને ભાડાંની ખોલીઓમાંથી રૂ. ૨૧૮૭૫નો મુદ્દામાલ જપ્ત કર્યો
પુરવઠા વિભાગની ટીમે ગંગાસાગર સોસાયટીમાં માતાજી જનરલ સ્ટોર્સ દુકાન નં-૧૯માંથી કુલ છ સિલિન્ડર પૈકી ૩ ભરેલા અને ૩ ખાલી સિલિન્ડર મળી આવ્યાં હતાં, તે પૈકી પણ ૫ ઈન્ડેન અને ૧ એચપીનો હતો. આ દુકાન રાજકુમાર અગ્રવાલ ચલાવે છે. જયારે ભકિતનગર સોસાયટીના મકાન અને દુકાનમાંથી મળી આવેલા છ સિલિન્ડર પૈકી ૫ ભરેલા અને એક ખાલી હતું, જે પૈકી બે એચપી અને ચાર ઈન્ડેનના ગેસ સિલિન્ડર મળી આવ્યાં હતાં.
ત્યાંથી એક ગેસની ચોપડી ઈન્ડેન ઉજવલ ગેસ એજન્સીની મળી આવી હતી જે ગીતા રાજુ મેવાડાના જેઠ ભગવાન કલાલના નામની હતી. પુરવઠા વિભાગે બંને ઠેકાણે નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










