સફરમાં હોય જો હમસફર...
ઘૂઘવાટા મારતો વિશાળ દરિયાકિનારો, લહેરાતા લીલાછમ ઊચા વૃક્ષો, આભ સાથે વાત કરતા પર્વતો કે આંખને આંજી દેતા વિદેશના સ્વપ્નિલ સમૃદ્ધ શહેરના પ્રવાસમાં પ્રિયજનનો સાથ હોય ત્યારે એકમેકમાં ઓતપ્રોત થયેલા બે મળેલા જીવનું અસ્તિત્વ કેવું ઝૂમી ઉઠે? આવા સહઅસ્તિત્વના રોમાંચની આંનદયાત્રા ‘શેર’ કરે છે સેલિબ્રિટીઝ...
વિશ્વના મોટા ભાગના દેશોમાંથી સ્થળાંતર કરનારાં લોકોએ કાયમી વસવાટ માટે અમેરિકા પર પોતાની પસંદગી ઉતારી છે. વ્યવસાયની દ્રષ્ટિએ, શિક્ષણ કે પછી સુંદરતાની રીતે પણ અમેરિકા હંમેશાં સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જાણીતા થિયેટર અને ટીવી આટિર્સ્ટ ધર્મેશ વ્યાસ લગ્ન પછી પત્ની સુરભિ સાથે અમેરિકા ગયા ત્યારે અમેરિકાના તેમનાં રોમાંચક અનુભવોની ગાથા આપણી સમક્ષ ખોલી રહ્યા છે...
આખા વિશ્વની મહાસત્તા તરીકેની ગણના પામેલા અમેરિકાનું નામ સાંભળતા જ ત્યાંના અત્યંત સુંદર સ્થળો, લાઈફસ્ટાઈલ, સ્વચ્છતા નજર સામે તરી આવે. ભૌતિક કે કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ પણ આ દેશની રમણીયતાથી કોઈ પણ વ્યક્તિ અંજાયા વગર ન રહી શકે. એમાંનો એક બંદો હું પણ છું.
મોટા ભાગે મારે વ્યવસાયને કારણે જવાનું થાય એટલે આપણા કામ સિવાય આંટો મારવા જવાનો પણ સમય ન મળે, પણ સુરભિ જ્યારથી મારી જીવનસંગિની બની ત્યારથી થોડોક સમય પણ તેની સાથે ફાળવી શકું એવી પળનો, એવા દિવસનો મને હંમેશાં ઈતેજાર રહેતો.
છેવટે એ દિવસ આવી ગયો ને અમે કરેલા દ્રઢ નિર્ણય સાથે સામાન પેક કરીને અમેરિકાના પ્રવાસે નીકળી પડ્યા.
અમેરિકાનું ખૂબ જાણીતું શહેર એટલે લાસ વેગાસ. અહીંની એક શાનદાર હોટલમાં અમારો ઉતારો હતો. રાત્રે બે-અઢી વાગે અમે પહોંચ્યા. હોટલના ૧૯મા માળે પહોંચીને રૂમનો દરવાજો ને બારી ખોલ્યા કે ઠંડી-ઠંડી હવાએ અમારું સ્વાગત કર્યું.
એ આલિશાન હોટલની અદમ્ય સુંદરતા, સજાવટ, સુઘડતા અને સગવડોનો ઉલ્લેખ કરીએ એટલો ઓછો છે. જોકે, ખાનગીમાં એક વાત કહી દઉ કે ૩૨ દિવસના અમારા પ્રવાસમાં ૨૮ શો તો કરવાના જ હતા. પત્નીનો આદેશ હતો કે આટલા દિવસોમાં અમેરિકાનો ખૂણેખૂણો ખૂંદી કાઢવો છે. એટલે ત્યાં પહોંચ્યા બાદ શો પતે ને તરત જ અમે લોકો છટકીને ફરવા નીકળી પડતા.
હું એટલું તો ખાતરીપૂર્વક કહી શકું કે આખી દુનિયામાં નાઈટ કલબોનો ઝગમગાટ અને જુગારની અસલી મજા લાસ વેગાસ સિવાય બીજે ક્યાંય નથી. અહીંના જુગારખાનાં અને પબની માત્ર એક ઝલક માટે પણ દુનિયાભરના લાખો લોકો અમેરિકા જવાનાં સપના જુએ છે.
મનોરંજનની નગરી તરીકે ઓળખાતા લાસ વેગાસની જેમ ન્યૂયોર્ક પણ અમેરિકાનું એક ધબકતું શહેર છે. મુંબઈની જેમ જ ન્યૂયોર્ક ટાપુ પર વસ્યું છે. એ ટાપુ છે મેનહટન. ન્યૂયોર્કની ગગનચુંબી ઈમારતો, અહીંની ચોખ્ખીચણાંક અને લાંબી સડકો સૌનું ઘ્યાન ખેંચે છે. નવાઈની વાત એ છે કે ન્યૂયોર્કથી દુનિયાના કોઈ પણ છેડે જવાનો દરિયાઈ માર્ગ મળી શકે છે.
ખરેખર દુનિયાની સૌથી મોટી દુકાન, સૌથી મોટી હોટલ કે સંગ્રહસ્થાન બધું ન્યૂયોર્કમાં ઠલવાયું છે. જોકે, આખું ન્યૂયોર્ક જોવા માટે પણ અઠવાડિયું તો જોઈએ જ. ત્યાંની તોતિંગ ઈમારતો જોતાં ડોક પણ રહી જાય.
દક્ષિણ દિશામાં ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’, ન્યૂયોર્કની સ્ટીમરો, હડસન નદીમાં વિહરતી નૌકાઓ, એલીસ આઈલેન્ડ આ બધું અમે મન ભરીને માણ્યું. મેં અને સુરભિએ બે મોટી બેગ ભરીને તો માત્ર શોપિંગ જ કર્યું. સુરભિ સાથે વીતાવેલા એ રોમાંચક દિવસોને યાદ કરતા ફરીથી મન અમેરિકા જવા ઉછળી રહ્યું છે.
ભૂતપૂર્વ મિસિસ ઈન્ડિયા અને જાણીતાં મોડલ જિમી નંદાને મન રોમાંચક રોમેન્ટિક પ્રવાસ એટલે મનના માણીગર સાથે કુદરતી સૌંદર્યને માણવાનો અનેરો લહાવો. તેઓ તેમના અદભૂત અનુભવો વિશે અહીં વાત માંડે છે...
હું તો માનું છું કે પ્રિયજન સાથે પ્રવાસે જવાની કોઈ દિશા કે પ્લાનિંગ જેવું કંઈ હોતું જ નથી. ગયા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં હું અને મારા પતિ કૃણાલ સિંગાપોરની ટૂર કરી આવ્યા. મારા પતિને પણ મારી જેમ ફરવાનો ગજબનો શોખ છે.
‘સિંહોની ભૂમિ’ તરીકે ઓળખાતા સિંગાપોર વિશે મેં ઘણું સાંભળ્યું હતું. સિંગાપોર એ પૂર્વ અને પશ્વિમી સંસ્કૃતિનો આધુનિક સમન્વય છે. જ્યારે કૃણાલ સાથે ત્યાં પહોંચી તો મારી કલ્પના બહારનું સમૃદ્ધ, સ્વચ્છ અને હરિયાળું સિંગાપોર મારી આંખોમાં વસી ગયું.
અહીંની સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની સભાનતા ખરેખર આપણને વિચારતા કરી મૂકે એવી છે. ત્યાંની ધરતી પર પગ મૂક્યો ત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. જાણે વરસાદે અમારા પ્રવાસને વધુ રોમેન્ટિક અને રોમાંચક બનાવી દીધો. સુંદર દરિયાકિનારા, નાઈટ સફારી, ભવ્ય હોટલો, જુરોંગ બર્ડ પાર્ક, પબ અને ડિસ્કોથેકસ, ક્રૂઝ કોઈ પણ પ્રવાસીને આકર્ષવા માટે ઘણું છે.
અહીંની સંસ્કૃતિ જોઈને પણ સાચે જ મારું મન હરખાઈ ગયું. અહીં પ્રકૃતિપ્રેમીઓ માટે બટરફ્લાય પાર્ક પણ છે તો ખૂબ જ પ્રખ્યાત એવો હોલીડે રિસોર્ટ સેન્ટોસા આઈલેન્ડ પણ છે. સેન્ટોસા જવા માટે અમે કેબ કારની પસંદગી કરી.
હું જ્યાં પણ જાઉ છું સૌથી પહેલાં મારે શોપિંગ ક્યાંથી કરવું એ મોટો સવાલ ઊભો થાય કારણ કે કંઈ પણ નવી વસ્તુ જોઉ ને મારું મન એ વસ્તુ ખરીદવા લલચાય. એમાંય શોપિંગ માટે તો સિંગાપોર શ્રેષ્ઠ છે. અહીંની ઠંડી આબોહવા તન-મનમાં તાજગી ભરી દે છે. આખા સિંગાપોરનું વિહંગાવલોકન હજુ પણ નજર સામે આવી જાય તો મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે.
માયાનગરી મુંબઇ આશાવાદી શહેર છે. જાણીતા શાયર-પત્રકાર ખલીલ ધનતેજવી દેશ દુનિયા ખૂંદી વળ્યા છે. કાઠિયાવાડથી કોલકાતા ને હૈદરાબાદથી હરિયાણા સુધીની સફર ખેડનારા ખલીલભાઈ અને તેમનાં પત્ની ઝરીનાબહેનને મુંબઇ ખાસ કેમ લાગે છે?...
મુંબઇનો દરિયાકિનારો, નરીમાન પોઇન્ટ, જૂહુ, ચોપાટી તો સુંદર છે જ પણ એના કરતાંય આનંદ આપે એવી છે તેની સુંદરતા. અહીં મનને ઠારે એવા માણસોય છે ને ગરીબાઇ પણ છે. હું મોટા ભાગે પત્ની ઝરીના સાથે મુંબઇ જાઉ છું. એને પણ મારી જેમ મુંબઇનું ઘેલું લાગ્યું છે. અમે સાથે વીતાવેલી અદભૂત પળો મુંબઇમાં જ છે.
પશ્વિમ સાગરના કિનારે વસેલું મુંબઇ દેશની તમામ જાતિ સંસ્કૃતિ અને સભ્યતાનું નગર છે. ક્યારેય નહીં થાકતું અને અપાર મુશ્કેલીઓમાંથી પણ પળવારમાં બેઠું થઇ જતું મુંબઇ મને હંમેશાં પોતીકું જ લાગ્યું છે. એટલે મારે મન તો ‘મુંબઇ મેરી જાન હૈ’. મહારાષ્ટ્રના પાટનગર મુંબઇનું નામ ‘મુમ્બા’ માતાના નામ પરથી પડ્યું છે.
હું અને ઝરીના મુંબઇ આવીએ ત્યારે અમને અહીં જે શાંતિ મળે છે એવી બીજે ક્યાંય નથી મળતી. નરીમાન પોઇન્ટથી માંડીને મલબાર હિલ પર સડસડાટ ચઢી જતો અને સહેલગાહ તરીકે વિકસેલો મરીન ડ્રાઇવ વિસ્તાર અદભૂત આનંદ આપે છે.
યુવાનો અને વૃદ્ધો બધા જ લોકો દરિયાકિનારે મસ્તી અને આનંદ માણે છે. મુંબઇ માટે ‘રોટલો મળે પણ ઓટલો ન મળે’ એવું કહેવાય છે, પણ રૂપિયા કોથળી છુટ્ટી મૂકતા અહીં હોટલોની કમી નથી અને જોવાલાયક સ્થળોનો તોટો નથી.
મુંબઇનું સુંદર પયટર્ન સ્થળ જુહૂ બીચ એક પિકનિક પોઇન્ટ પણ છે. સૂર્યાસ્ત થયા બાદ મરીન ડ્રાઇવના પ્રકાશને કારણે ઝળહળતા કિવન્સ નેકલેસનું દ્રશ્ય મુંબઇનું મુખ્ય આકર્ષણ ગણાય છે. આ સિવાય તો અહીં ઘણા સ્થળોને મુંબઇ નગરીએ પોતાનામાં સમાવી લીધા છે.
સાત મુખ્ય માર્ગોનું જ્યાં મિલન થાય છે એ ‘ફ્લોરા ફાઉન્ટન’ અહીંનો સૌથી વધુ વ્યસ્ત વિસ્તાર છે. હિન્દુ-મુસ્લિમોની શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતી હાજી અલીની દરગાહ પણ મુંબઇમાં જ છે. આટલી બધી અજાયબી ભરેલું મુંબઇ ન આકર્ષે તો જ નવાઈ! માણવાલાયક મુંબઇ અમારા માટે ધરતીનો છેડો છે.
પ્રવાસ એટલે રોમાંચ અને ઉત્સાહનો અદકેરો આનંદ આપતી ક્ષણ. રાજકોટનાં ગાયિકા નિધિ ધોળકિયા અને તબલાવાદક પતિ કેયૂર પોટા સંગીતના કાર્યક્રમ અંતર્ગત લંડન ગયા ત્યારે તેઓ ત્યાંની સુંદરતા, સ્વચ્છતા અને શાલીનતાને તેમની આંખમાં કેદ કરી લાવ્યા. નિધિ ધોળકિયા પોતાની એ યાદગાર ક્ષણોને વાગોળતા રોમાંચિત થઈ ઊઠે છે...
મારા લગ્ન પછી લગભગ ૨૦૦૫માં શો માટે અમારે લંડન જવાનું હતું. મેં અને કેયૂરે વિચાર્યું કે શો કરવાની સાથોસાથ આખું લંડન પણ ફરી જ લઈએ. બસ, પછી તો શુભ સફરની શરૂઆત થઈ ગઈ ને પહોંચી ગયા સમૃદ્ધિથી ભરપૂર દેશ એવા લંડનમાં. લંડનમાં રોડ ઉપર કાળજીપૂર્વક વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.
અરે, રસ્તા પણ સ્વચ્છ અને પહોળા. ભીડ વગરના રસ્તા પર ચાલવાનીય અનોખી મજા છે. લંડનવાસીઓમાં ટ્રાફિકસેન્સ પણ ગજબની છે. લંડન આવનારો દરેક પ્રવાસી હાઈડપાર્કની મુલાકાત લીધા વગર પાછા ન ફરે. શનિ-રવિએ તો જાણે કે મેળો ભરાય એટલી ભીડ જોવા મળે.
આખા લંડનમાં આ એક સ્થળ એવું છે જ્યાં દરેકને જે બોલવું હોય તે ખુલ્લા મને બોલી શકે છે. અરે, હાઈડપાર્કમાં ઠેર-ઠેર લોકો ભાષણો કરતા હોય ને જેને જે સાંભળવું હોય તે પોતાની મરજી મુજબ સાંભળ્યા કરે. એટલું જ નહીં, ભાષણ પત્યા પછી પ્રેક્ષકો સવાલોનો મારો પણ કરી શકે.
એક તરફ લોકો બેંડની ધૂનો વગાડીને આખું વાતાવરણ સંગીતમય બનાવી દે તો બીજી બાજુ સરપેન્ટાઈન સરોવરમાં લોકો નૌકાવિહારની મોજ માણતા હોય અને ખુલ્લેઆમ પ્રેમલીલા કરતા હોય. અહીંના ખૂબ જ સુંદર અને ઐતિહાસિક દ્રષ્ટિએ જોવાલાયક સ્થળોમાં વેસ્ટ મિન્સ્ટર એબી, હાઉસ ઓફ કોમન્સ, સેંટ પોલ ચર્ચ, મિન્સ્ટર હોલ, લંડન ટાવર, બકિંગહામ પેલેસ, બ્રિટિશ મ્યુઝિયમ, વિકટોરિયા મ્યુઝિયમ છે.
અહીંના ટ્રાફાલ્ગર સ્ક્વેરે ખરેખર મારું મન મોહી લીધું.
સાચું કહું તો ડેટિંગ અને રોમેન્ટિક પળ માટેની શ્રેષ્ઠ જગ્યા એટલે ટ્રાફાલ્ગર સ્ક્વેર. એટલે જ તો નવપરિણીત અને ટીનેજર્સનો તો અહીં મેળો જ ભરાયેલો હોય. ચારેબાજુના સુંદરમજાના ફુવારાને કારણે એટલું અદભૂત દ્રશ્ય સર્જાય છે કે એનું વર્ણન કરવા માટે શબ્દોય ખૂટી પડે. આવો અનોખો હતો અમારો લંડનનો પ્રવાસ.
સામાન્ય રીતે લોકોની પ્રકૃતિ એવી હોય છે કે તેઓ નિર્જન અને માનવ વસવાટ વગરના સ્થળે જવાનું ટાળે છે, પણ એનાથી ઉલટું અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. સમીર દાણી અને પત્ની જગદીપ કૌરે પ્રવાસ માટે લક્ષદ્વીપમાં આવેલા સાવ નાનકડા એવા બંગારામ ટાપુ પર પસંદગી ઉતારી.
ઘોંઘાટ અને ભીડભાડથી જોજનો દૂર અને કુદરતી સૌંદર્યથી છલોછલ આ ટાપુ પર ફરી ફરી જવા માટે તેઓ અતિ ઉત્સાહી છે.
આપણા વિશાળ દેશમાં પ્રવાસના સ્થળો તો અસંખ્ય છે. એટલે પ્રશ્ન માત્ર પસંદગીનો જ છે. અમે પહેલેથી જ વિચારી રાખ્યું હતું કે ભારતના જ કોઈ શાંત સ્થળનો પ્રવાસ ખેડવો. અમારા બંનેના ઘ્યાનમાં લક્ષદ્વીપ આવ્યું.
લક્ષદ્વીપમાં આવેલા ૩૫ ટાપુઓમાં ૧૦ ટાપુઓ પર જ માનવ વસવાટ છે. અરબ સાગરમાં કેરળના દરિયાકિનારાથી આશરે ૨૦૦થી ૩૦૦ કિ.મી.ના અંતરે આવેલા લક્ષદ્વીપ ટાપુઓ માલદીવથી વધુ નજીક છે. લક્ષદ્વીપની સુંદરતા શબ્દોથી વર્ણવી શકાય એમ નથી. ૨૦૦૭માં અમે બંગારામ ટાપુ ગયા હતા.
અહીંના લોકોની મુખ્ય ભાષા મલયાલી છે. કુલ ટાપુઓની વસ્તીના મોટા ભાગના લોકો ઈસ્લામ ધર્મ પાળે છે. લક્ષદ્વીપ ટાપુઓ પરના માનવ વસવાટ અંગેની જાણીતી લોકવાયકા મુજબ કેરળના રાજા ચેરામન પેરૂમાલ ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને મક્કાની યાત્રા કરવા નીકળ્યા હતા.
તે પછી તેમના સગાંસંબંધીઓએ તેમને શોધીને પાછા લઈ આવવા દરિયાઈ માર્ગે એક ટુકડી રવાના કરી હતી, પણ આ ટુકડીના જહાજો બંગારામ ટાપુ પાસે ક્ષતિગ્રસ્ત થયા. તેથી જહાજોને જેમતેમ રિપેર કરી આ ટુકડી કેરળ પાછી આવી. ત્યાર પછી આ ટાપુઓ પર વસવાટ કરવાની મંજૂરી દરિયાખેડુ શોધકોને આપવામાં આવી. આજે આ લક્ષદ્વીપ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે.
રિલેક્સેશન અને એકાંત માટે બંગારામ ટાપુ ખૂબ જ સુંદર સ્થળ છે. અમે ગયા એ વખતે દરિયો તોફાની બન્યો હતો. ધોધમાર વરસાદને કારણે આખા ટાપુ પર માત્ર ૧૪ લોકો જોવા મળ્યા હતા. એ ટાપુની સુંદરતા હજુય અમારી આંખમાં સમાયેલી છે.
નાળિયેરીના ઝૂંડ, રંગબેરંગી પરવાળાઓની અનોખી દુનિયા, બ્લ્યૂ લગૂન, સૂર્યપ્રકાશથી તરબોળ દરિયાકિનારાઓ, હરિયાળી આ ટાપુની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે.
લક્ષદ્વીપના જે દસ ટાપુઓ પર માનવ વસવાટ છે ત્યાં હજુ બાહ્ય દુનિયાની બહુ અસર દેખાતી નથી. કદાચ એટલે જ કુદરતનું સૌંદર્ય માણવા મળે છે. જોકે, લક્ષદ્વીપની ખરી મજા જમીન પર નહીં પણ દરિયામાં અને તે પણ દરિયાના પેટાળની સૃષ્ટિને માણવામાં છે.
કુદરતની અદભૂત અને સુંદર રચના એટલે વિવિધરંગી કોરલ્સ (પરવાળા). દરિયાના પેટાળમાં આવા પચરંગી પરવાળાની વિશાળ કોલોની જોઈને ખરેખર આશ્ચર્ય થયું. પરવાળાની અગણિત કહી શકાય એટલી સંખ્યામાં તેની વૃદ્ધિ થતી જાય છે.
રંગબેરંગી પરવાળાના ખડકોમાંથી આવનજાવન કરતી વિવિધરંગી માછલીઓ અદભૂત દ્રશ્ય ખડું કરે છે. અહીં અમે એટલી બધી રંગબેરંગી માછલીઓ જોઈ કે એમના નામ પણ આપણને ન આવડતા હોય. ટાપુ પરની હરિયાળી જોતાં આકર્ષાયા વગર રહી જ ન શકાય. હવામાં લહેરાતા તાડ અને નાળિયેરી બંગારામ ટાપુને અનોખું સૌંદર્ય બક્ષે છે.
ભારતમાં પણ આટલી અદભૂત જગ્યા છે એ તો ત્યાં ગયા પછી જ ખબર પડી! સાવ નાનકડો એવો બંગારામ ટાપુ. માત્ર પોણો કલાક કે કલાકમાં તો આખો ટાપુ જોઈ લેવાય. સહેજેય ઘોંઘાટ વગરનો એકદમ શાંત. મારી પત્ની જગદીપે તો ફરીથી ત્યાં જ લઈ જવાનું પ્રોમિસ પણ માગી લીધું.
માનવ વસવાટ, ભીડભાડ, ઝાકઝમાળ અને અન્ય શહેરી સુખ-સુવિધાઓના ઉદ્દેશ્યથી લક્ષદ્વીપ જશો તો કદાચ નિરાશા સાંપડે એવું બને, પણ કુદરતનું નિર્ભેળ સ્વરૂપ માણવા માટે લક્ષદ્વીપ જવું જ જોઈએ. નાનકડા ટાપુઓના સમૂહ એવા લક્ષદ્વીપનો પ્રવાસ અમારા માટે જિંદગીભરનું સંભારણું બની રહ્યો.












