આયાત ૧૫ ટકા, નિકાસ ૬.૬ ટકા ઘટી
ઓકટોબર દરમિયાન પૂરા થતા સતત ૧૩મા મહિને ભારતની નિકાસ ૬.૬ ટકા જેટલી ઘટવા પામી છે. જોકે વિદેશનાં બજારોમાં ઊભી થયેલી માગને કારણે નિકાસમાં થઇ રહેલો ઘટાડો થોડા અંશે ધીમો પડવા પામ્યો છે.
ગત માસ દરમિયાન નોંધાયેલી ઓછી આયાતને કારણે પણ નિકાસમાં થઇ રહેલો સતત ઘટાડો ધીમો પડવા પામ્યો છે. આજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વિદેશ વેપારના આંકડાઓ ઉપરથી જાણવા મળ્યું હતું કે ચાલુ વર્ષના ઓકટોબર માસ દરમિયાન દેશની નિકાસ ૧૩.૧૯ અબજ ડોલરની થવા પામી હતી જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૧૪.૧૩ અબજ ડોલરની થવા પામી હતી.
ઓકટોબર માસ દરમિયાન આયાત પણ ૧૫ ટકા ઘટીને ૨૧.૯ અબજ ડોલરની નોંધાઇ છે જે ગત વર્ષના આ જ સમયગાળા દરમિયાન ૨૫.૮ અબજ ડોલરની નોંધાઇ હતી. જેના પરિણામે વેપાર વરચેનો ગાળો પણ ઘટીને ૮.૮ અબજ ડોલરનો થયો છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૧૧.૭ અબજ ડોલરનો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે ગત ઓકટોબર માસમાં લેહમેન બ્રધર્સની નાદારી બાદ શરૂ થયેલી આર્થિક મંદીને કારણે ભારતની નિકાસમાં સતત ઘટાડો નોંધાતો આવ્યો છે. વિકસિત દેશોમાં પણ મંદીની તીવ્ર અસર થવાને કારણે ભારતની નિકાસને મોટો ફટકો પડયો હતો.
મે માસ દરમિયાન નિકાસમાં ૩૯ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો હતો. જોકે ત્યારબાદ ઘટાડાનું પ્રમાણ ઓછું થતું ગયું હતું અને છેલ્લે ઓકટોબરમાં નિકાસમાં માત્ર ૬.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વિદેશના બજારોમાંથી માગ ફરી બેઠી થઇ રહી હોવાને કારણે નિકાસનો ઘટાડો ઓછો થઇ રહ્યો છે. અને આગામી દિવસોમાં ક્રિસમસના સમયગાળા દરમિયાન નિકાસમાં વધારો થવાની શકયતા રહેલી છે.
જુલાઇથી સપ્ટેમ્બર માસના સમયગાળા દરમિયાન યુએસ અને અન્ય બજારોએ મંદીમાંથી બહાર આવવાની શરૂઆત કરી દીધી છે. એફઆઇઇઓના પ્રમુખ એ. શકિતવેલે જણાવ્યું હતું કે પિશ્ચમના દેશોમાં આવી રહેલી રિકવરીને કારણે જાન્યુઆરી ૨૦૧૦ સુધીમાં દેશની નિકાસ સકારાત્મક રહેવાની અમને આશા છે.












