સંગાકરાની સદી, ભારતના વિજયમાં વિલંબ

- ત્રીજી ટેસ્ટમાં કુમાર સંગાકરાના અણનમ ૧૩૩, શ્રીલંકાના છ વિકેટે ૨૭૪, ભારત વિજયની નજીક પહોંચી ગયું
શ્રીલંકન સુકાની કુમાર સંગાકરાએ લડાયક રમત દાખવીને અણનમ સદી ફટકારતાં અહીં રમાઇ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં લગભગ નિશ્ચિત જણાતા ભારતના વિજયમાં વિલંબ થયો છે. ઇનિંગ્સનો પરાજય બચાવવા માટે ૩૩૩ રનના લક્ષ્યાંક સામે રમી રહેલા શ્રીલંકાએ છ વિકેટે ૨૭૪ રન નોંધાવ્યા હતા.
અહીંના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાતી મેચમાં ચોથા દિવસની રમતને અંતે કુમાર સંગાકરા ૧૩૩ અને નુવાન કુલશેખરા નવ રન સાથે રમતમાં હતા. શ્રીલંકા હજી પણ ૫૯ રન પાછળ છે અને તેની ચાર વિકેટ જમા છે ત્યારે પરાજયમાંથી બચવા માટે તેને રવિવારના આખા દિવસની રમત બાકી રહેલી ચાર વિકેટની મદદથી ખેંચી કાઢવાની છે જેની સામે ભારતે શકય એટલી ઝડપથી બાકીની વિકેટ ખેરવવાની છે.
શુક્રવારે ભારતે નવ વિકેટે ૭૨૬ રનના સ્કોરે તેનો પ્રથમ દાવ ડિકલેર કર્યોએ પછી શ્રીલંકાએ વિના વિકેટે ૧૧ રન નોંધાવ્યા હતા અને આ સ્કોરથી તેણે શનિવારે સવારે પોતાની રમત આગળ ધપાવી હતી. શનિવારના દિવસની રમતનું મુખ્ય આકર્ષણ શ્રીલંકન સુકાનીની શાનદાર અને લડાયક સદી હતી. ભારતના વિજયની વચ્ચે માત્ર કુમાર સંગાકરા જ રહલો છે. દિવસ દરમિયાન એવા ઘણા તબક્કા આવ્યા હતા જયારે ભારત આજે જ મેચ જીતી લેશે તેવી શકયતા પેદા થઇ હતી.
પરંતુ દર વખતે સુથ્કની સંગાકરાએ ગૃહટીમના વિજયને શકય એટલો પાછળ ધકેલવાના પ્રયાસ કર્યા હતા અને તેમાં કમસે કમ દિવસની રમતના અંત સુધી તે સફળ રહ્યો હતો. વર્તમાન શ્રેણીમાં અગાઉ એકેય અડધી સદી પણ નોંધાવી નહીં શકેલા સંગાકરાએ ૨૨૫ બોલ રમીને તેની સદી પૂરી કરી હતી. ટેસ્ટ કારકિદીર્માં આ તેની ૨૧મી સદી હતી.
દિવસાન્તે તેણે ૨૫૮ બોલમાં ૧૯ બાઉન્ડ્રી અને એક સકિસર સાથે ૧૩૩ રન નોંધાવ્યા હતા તેણે પર્નાવિતાની સાથે બીજી વિકેટ માટે ૯૦, પ્રસન્ના જયવર્દને સાથે છઠ્ઠી વિકેટ માટે ૬૪ અને નુવાન કુલશેખરા સાથે સાતમી વિકેટની અણનમ ભાગીદારીમાં ૬૬ રન ઉમેર્યા હતા.
તિલકરત્ને દિલશાન ઇનિંગ્સની નવમી ઓવરમાં હરભજનસિંઘના બોલે લેગબિફોર થયો એ પછી સંગાકરા મેદાનમાં આવ્યો હતો અને સાંજ સુધી અણનમ રહ્યો હતો, જોકે દિલશાનને આઉટ આપવાનો અમ્પાયરનો નિર્ણય શંકાસ્પદ જણાતો હતો અને ટીવી રિપ્લેએ પણ સ્પષ્ટ કર્યું હતું કે બોલ લેગસ્ટમ્પની બહાર જઇ રહ્યો હતો.
૧૪૪ રનના કુલ સ્કોર સુધીમાં શ્રીલંકાની પાંચ વિકેટ ખેરવી દીધી હતી. આ તબક્કે એમ જણાતું હતું કે બાકીની વિકેટો પડી જાય તો શનિવારે જ ભારત મેચ જીતી જશે પરંતુ પ્રસન્ના જયવર્દનેએ લડત આપી હતી અને પોતાના સુકાનીને મજબૂત ટેકો આપતાં ભારતને છઠ્ઠી વિકેટ માટે રાહ જોવી પડી હતી.
અંતે પ્રજ્ઞાન ઓઝાએ ટીમને સફળતા અપાવતાં શ્રીલંકન વિકેટકીપરને આઉટ કર્યોહતો. પ્રસન્ના જયવર્દનેએ ૪૨ બોલમાં ૩૨ રન નોંધાવ્યા હતા. ભારત માટે ઓઝા અને ઝહિર ખાને બે-બે વિકેટ લીધી હતી તો બાકીની બે વિકેટ હરભજન અને શ્રીસંતને ફાળે આવી હતી.













