સપ્તાહમાં બે દિવસ રજા રાખવાની વિચારણા શરૂ
ફિનિશ્ડ ફેબ્રિકસની ખરીદીમાં આવેલી ઓટને કારણે ટ્રેડર્સ દ્વારા ગ્રે કાપડની ખરીદી પર બ્રેક, દિવાળી બાદ યાર્નના ભાવમાં થયેલા વધારાની પણ વિપરીત અસર
ટેકસટાઇલ ઉધોગમાં છવાયેલી ભયંકર મંદીની સૌથી વધારે અસર વીવર્સ આલમ પર જોવા મળી રહી છે. ઓવર પ્રોડકશનની સમસ્યાથી પરેશાન વીવર્સને નજીકના દિવસોમાં જ ફરજિયાત પણે ઉત્પાદનકાપ મૂકવો પડે તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.
સામાન્ય રીતે નવેમ્બર માસમાં ટેકસટાઇલ માર્કેટમાં પોંગલના તહેવારોની અને લગ્નસરાંની ખરીદી સારી રહે છે. ફિનિશ્ડ ફેબ્રિકસમાં સારી સિઝન રહેતી હોવાને કારણે ટ્રેડર્સ દ્વારા ગ્રે કાપડની પણ સારા એવા પ્રમાણમાં ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પોંગલ અને લગ્નસરાંની ખરીદી મંદ રહેવાને કારણે ટ્રેડર્સ દ્વારા ગ્રે કાપડની ખરીદી સદંતર અટકાવી દેવામાં આવી છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં પી.ટી.એ. અને એમ.ઇ.જી.ના ભાવ વધતાં પોલિયેસ્ટર ચિપ્સના ભાવ પણ વધી ગયા છે અને પ્રોસેસ તેમજ ફિલામેન્ટ યાર્નના ભાવમાં સરેરાશ આઠથી દસ રૂપિયાનો વધારો થઇ ગયો છે.
એકતરફ યાર્નના ઊચા ભાવ અને બીજી તરફ ગ્રે કાપડની ડિમાન્ડમાં થઇ રહેલા ઘટાડાને કારણે વીવર્સને ગ્રે કાપડના જોઇતા ભાવ પણ મળતા નથી. છેલ્લા એક માસથી ગ્રે કાપડની ખરીદી મંદ પડી છે અને ઉત્પાદન સતત ચાલુ છે જેને લઇને હાલમાં શહેરના મોટા ભાગના તમામ વીવર્સ પાસે ગ્રે કાપડનો મોટો સ્ટોક જમા થઇ ગયો છે. ઓવર પ્રોડકશનથી બચવા માટે હવે વીવર્સ આલમે સપ્તાહમાં બે રજા રાખવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. કેટલાક વીવર્સ અગ્રણીઓ દ્વારા આ અંગે વિચારણા પણ કરવામાં આવી રહી છે.
વીવર્સ કહે છે કે...
તૈયારમાં કોઇ ખરીદી ન હોવાને કારણે ટેકસટાઇલ ટ્રેડર્સ દ્વારા ગ્રે કાપડની ખરીદીમાં ઉત્સાહ દર્શાવાતો નથી. મોટા ગ્રુપને પણ તકલીફ પડે તેવી હાલત છે ત્યારે સૌથી વધારે કફોડી સ્થિતિ નાના વીવર્સની છે આવનારા દિવસોમાં સ્વૈરિછક ઉત્પાદન કાપ માટે સપ્તાહમાં બે દિવસ રજા રાખવામાં આવે તેના માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
અશોક જીરાવાળા, વીવર્સ અગ્રણી
જો વીવર્સ દ્વારા ઉત્પાદન કાપ માટે સપ્તાહમાં બે રજા રાખવામાં આવે તો તેનો સીધો ફાયદો વીવર્સ આલમનેજ થાય તેમ છે. યાર્નની માગમાં ઘટાડો થવાથી માગ અને પુરવઠાના નિયમ પ્રમાણે યાર્નના ભડકે બળતા ભાવ અંકુશમાં આવશે. - દેવેશ પટેલ, વીવર્સ અગ્રણી











