મોખરે પહોંચવા માટે તખ્તો રચાયો
ત્રીજી ટેસ્ટ ભારત ૯/૭૨૬, ધોનીની પણ સદી, સેહવાગ ૨૯૩ રને આઉટ, ૩૩૩ રનના દેવા સાથે શ્રીલંકા ભીંસમાં
વીરેન્દ્ર સેહવાગ ત્રેવડી સદી ચૂકી ગયો અને સવારે રમતની શરૂઆતમાં જ આઉટ થઇ ગયો તેનાથી પ્રવાસી બોલર્સ હજી રાહતનો શ્વાસ લે ત્યાં તો બાકીના ભારતીય બેટ્સમેને આક્રમણ જારી રાખ્યું હતું અને સુકાની ધોનીની સદી સાથે શ્રીલંકન બોલરને રાહત મળી હતી. શુક્રવારનો દિવસ પણ ભારતનો જ રહ્યો હતો અને નવ વિકેટે ૭૨૬ રનનો જંગી સ્કોર નોંધાવીને ભારતે અહીં રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં મજબૂત પકડ મેળવી લીધી હતી.
આ સાથે આઇસીસી ક્રમાંકમાં મોખરાના સ્થાને પહોંચવા માટે ભારતે આગેકૂચ જારી રાખી છે. અહીંના બ્રેબોર્ન સ્ટેડિયમ પર રમાઇ રહેલી મેચના ત્રીજા દિવસની રમતને અંતે શ્રીલંકાએ તેના બીજા દાવમાં વિના વિકેટે ૧૧ રન નોંધાવ્યા હતા. પ્રથમ દાવમાં ભારતને ૩૩૩ રનની સરસાઇ મળી હતી.
આમ ભારત હજી પણ ૩૨૨ રન આગળ છે અને બે દિવસની બાકી રહેલી રમતમાં તેણે હરીફ ટીમને આઉટ કરવાની છે. ભારતે શુક્રવારે સવારે એક વિકેટે ૪૪૩ રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો ત્યારે ૨૮૪ રન સાથે રમી રહેલો વીરેન્દ્ર સેહવાગ તેના સ્કોરમાં માત્ર નવ રન ઉમેરીને ૨૯૩ રનના સ્કોરે આઉટ થઇ ગયો હતો. આમ ત્રણ ત્રેવડી સદી નોંધાવનારા એકમાત્ર ક્રિકેટર બનવાના રેકોર્ડથી તે વંચિત રહી ગયો હતો.
ઓફ સ્પિનર મુરલીધરનને આખરે સફળતા મળી હતી અને પોતાની જ બોલિંગમાં તેણે સેહવાગનો કેચ કર્યો હતો. સેહવાગ તેની ૪૦ બાઉન્ડ્રી અને સાત સિકસરમાં શુક્રવારે કોઇ ઉમેરો કરી શકયો ન હતો. જોકે સેહવાગ આઉટ થઇ ગયા બાદ શ્રીલંકાને કોઇ રાહત મળી ન હતી અને ભારતની મજબૂત પરિસ્થિતિમાં પણ કોઇ ફરક પડ્યો ન હતો.
રાહુલ દ્રવિડ શ્રેણીમાં ત્રીજી સદી નોંધાવે તેવી આશા પણ વેલેગેડેરાએ ફગાવી દીધી હતી અને દ્રવિડને વિકેટ પાછળ ઝડપાવી દીધો હતો. સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણે પોતાની ખ્યાતિને અનુરૂપ બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી પરંતુ બ્રેબોર્નની વિકેટનો આ બંને ક્રિકેટર અપેક્ષા મુજબ લાભ લઇ શકયા ન હતા.
સચિન તેંડુલકર લંચ પછી થોડા સમયમાં જ ૫૩ રનના સ્કોરે કુલશેખરાના બોલે બોલ્ડ થયો હતો તો ૬૨ રન નોંધાવનારા લક્ષ્મણને મુરલીધરને આઉટ કર્યો હતો. જોકે એ પછી સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ બાજી સંભાળી લીધી હતી અને સામે છેડે વિકેટો પડતી રહેતી હોવા છતાં આક્રમક બેટિંગ કરી હતી.
અડધી સદી પૂરી કરી ત્યાં સુધી ધીમી બેટિંગ કરી રહેલા ધોનીએ અચાનક જ ગિયર બદલ્યા હતા અને આક્રમક મૂડમાં આવી ગયો હતો. ૯૬ બોલમાં એક બાઉન્ડ્રી અને એક સિકસર સાથે ૫૦ રન કર્યા બાદ ધોની સદી માટે વધુ ૫૮ બોલ રમ્યો હતો અને આ ગાળામાં તેણે વધુ પાંચ સિકસર ફટકારી દીધી હતી.
ધોનીએ ૧૫૪ બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને છ સિકસર સાથે અણનમ સદી ફટકારી હતી. ધોનીએ કારકિર્દીની ત્રીજી સદી એક શાનદાર સિકસર સાથે પૂર્ણ કરી હતી અને એ સાથે જ દાવ ડિકલેર કરી દીધો હતો. મુથૈયા મુરલીધરને ૧૯૬ રન આપીને ચાર વિકેટ લીધી હતી તો રંગાણા હેરાથે ૨૪૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી હેરાથ ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન આપનારો શ્રીલંકન બોલર બન્યો હતો.













