પાક. સામે ન્યૂઝીલેન્ડ ૯૯માં ઓલઆઉટ
આસિફ તથા કનેરિયાએ કિવિ ટીમને વેરવિખેર કરી, ૧૬૫ રનની સરસાઇ સાથે પાક. કુલ ૨૨૬ રનથી આગળ
પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આસિફ તથા લેગ સ્પિનર કનેરિયા સામે કિવિ બેટ્સમેનોએ આસાનીથી શરણાગતિ સ્વીકારી લેતાં વેલિંગ્ટનના બેઝિન રિઝર્વ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાતી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ માત્ર ૯૯ રનમાં સમેટાઇ ગયો હતો.
પાકિસ્તાને પ્રથમ દાવના ૨૬૪ રનના આધારે ૧૬૫ રનની મહત્ત્વપૂર્ણ સરસાઇ મેળવી લીધી હતી. પાકિસ્તાને તેના બીજા દાવમાં બે વિકેટે ૬૪ રન બનાવીને કુલ ૨૨૯ રનની લીડ મેળવીને ટેસ્ટ પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. રમતના અંતે યુસુફ દસ તથા મિસબાહ એક રને રમી રહ્યાં હતા.
ઓપનર ઇમરાન ફરહાત (૩૫) અને સલમાન બટ્ટ (૧૮) રન બનાવીને આઉટ થયા હતા. બંને વિકેટ ઓ બ્રાયને ઝડપી હતી. ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં રોઝ ટેલરે ૪૦ બોલમાં સર્વાધિક ૩૦ રન બનાવ્યા હતા. યજમાન ટીમનો સ્કોર એક સમયે ચાર વિકેટે ૮૫ રનનો હતો પરંતુ અચાનક ધડબકો થતાં તેનો પ્રથમ દાવ ૯૯ના સ્કોરે પૂરો થયો હતો.










