ગુજરાતનો ઇનિંગ્સથી પરાજય
અનુભવી બેટ્સમેન નીરજ પટેલે લડાયક સદી અને સુકાની પાર્થિવ પટેલે અડધી સદી ફટકારી હોવા છતાં રેલવેઝ સામેની રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતનો એક ઇનિંગ્સ અને પાંચ રનથી પરાજય થયો હતો.
વલસાડમાં રમાયેલી ચાર દિવસીય મેચમાં શુક્રવારના અંતિમ દિવસે ઇનિંગ્સના પરાજયથી બચવા મથતી ગુજરાતની ટીમે ૩૦૦ રનના દેવાં સામે ૨૯૫ રન નોંધાવ્યા હતા અને રેલવેઝનો વિજય થયો હતો. રેલવેઝને આ વિજય સાથે બોનસ પોઇન્ટ પણ મળ્યો હતો.
આમ તેણે મેચમાંથી છ પોઇન્ટ હાંસલ કર્યા હતા. ગુજરાતે બે વિકેટે ૧૩૯ રનના સ્કોરથી પોતાનો બીજો દાવ આગળ ધપાવ્યા બાદ નીરજ પટેલે ૧૦૨ અને પાર્થિવ પટેલે બાવન રન નોંધાવ્યા હતા.
મેચ ડ્રો કરવા માટે ગુજરાતે આજના દિવસની રમત ખેંચી કાઢવાની હતી પરંતુ દિવસની ૯૦માંથી ૭૯મી ઓવર સુધીમાં તેના તમામ ખેલાડી આઉટ થઇ ગયા હતા. નીરજ પટેલે પાંચ બાઉન્ડ્રી સાથે ૧૦૨ રન નોંધાવ્યા હતા.












