સેહવાગ સાત રન માટે વિશ્વવિક્રમ ચૂક્યોં

કમનસીબ ડોન બ્રેડમેનની માફક સેહવાગ પણ ત્રણ ત્રેવડી સદી નોંધાવવાના વિશ્વવિક્રમથી વંચિત
ભારતનો સ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ શ્રીલંકા સામે રમાનારી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શુક્રવારે માત્ર સાત રન માટે ત્રણ ત્રેવડી સદી ફટકારવાના વિશ્વવિક્રમને ચૂકી ગયો હતો. સેહવાગને ૨૯૩ના સ્કોરે મુરલીધરને કોટ એન્ડ બોલ્ડ આઉટ કર્યો હતો.
ત્રીજા દિવસે સવારે ૨૮૪ના સ્કોરને આગળ વધારનાર સેહવાગે પોતાની ઇનિંગ્સને આગળ વધારી હતી પરંતુ તે મુરલીધરનના એક બોલને ખોટી રીતે ડ્રાઇવ કરવાના પ્રયાસમાં બોલરને આસાન કેચ આપી બેઠો હતો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કોઇ પણ ખેલાડીએ ત્રણ ત્રેવડી સદી ફટકારી નથી. સેહવાગ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન તથા વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાના નામે બે-બે ત્રેવડી સદી છે.
સેહવાગે અગાઉ ૨૦૦૮માં ચેન્નાઇ ખાતે સાઉથ આફ્રિકા સામે ૩૧૯ તથા ૨૦૦૪માં મુલતાન ખાતે પાકિસ્તાન સામે ૩૦૯ રનની ઇનિંગ્સ રમી હતી. ટેસ્ટના ઇતિહાસમાં ૨૯૦થી ૩૦૦ની વરચે આઉટ થનાર સેહવાગ માત્ર ચોથો બેટ્સમેન છે.
સેહવાગ ભારત તરફથી સર્વાધિક છ બેવડી સદી ફટકારનાર એક માત્ર ખેલાડી છે. ભારત તરફથી દ્રવિડે પાંચ અને સચિન તથા ગાવસ્કરે ચાર-ચાર બેવડી સદી ફટકારી છે. સેહવાગે ૭૨ ટેસ્ટમાં ૧૭ સદી અને ૧૯ અડધી સદી વડે ૫૨.૫૦ની સરેરાશથી કુલ ૬૨૪૮ રન બનાવ્યા છે.
વીરુને રોકવા બાવીસ ફિલ્ડરની જરૂર
પ્રવાસી શ્રીલંકન ક્રિકેટ ટીમના કોચ ટ્રેવર બાઇલિસે શુક્રવારે ચોથા દિવસની રમત બાદ કબૂલ્યું હતું કે વીરેન્દ્ર સેહવાગ જે રીતે અમારા બોલર સામે તૂટી પડ્યો હતો તે જોતાં અમારે ૧૧ નહીં પણ બાવીસ ફિલ્ડરની જરૂર હતી.











